Translate to...

ICUમાં ફિંગરપ્રિન્ટ લોક હોવાથી કોઈ અંદર ન જઈ શક્યું, 8 દર્દી બેડ પર જ ભડથું થઈ ગયા

ICUમાં ફિંગરપ્રિન્ટ લોક હોવાથી કોઈ અંદર ન જઈ શક્યું, 8 દર્દી બેડ પર જ ભડથું થઈ ગયા
નવરંપુરાની શ્રેય હોસ્પિટલની મધરાતે 3 વાગે લાગેલી ભીષણ આગમાં કોરોનાના 8 દર્દી ભડથું થઈ ગયા હતા. ચોથા માળે આવેલા આઈસીયુ વોર્ડના દરવાજામાં ફિંગરપ્રિન્ટ લૉક હોવાથી કોઈ અંદર જઈ શક્યું નહીં. વધુમાં એરટાઈટ રૂમ હોવાથી ધુમાડો કે આગ બહાર નીકળ્યા નહીં અને દર્દીઓ દાઝવા ઉપરાંત ગૂંગળાઈ મર્યા. વોર્ડમાં દરેક બેડ પર ઓક્સિજન તેમજ સેનિટાઈઝરની બોટલ હતી. આગ લાગતા જ એક બોટલ ફાટી અને ઓક્સિજનને કારણે આગ ફેલાઈ હતી. વોર્ડના ઈક્વિપમેન્ટ પીવીસીના હોવાથી આગ તરત ફેલાઈ હતી. સૌથી પહેલાં આગે પડદાને ઝપટમાં લીધા હતા. ફાયરના 35 જવાન 10 મિનિટમાં પહોંચી ગયા પરંતુ ધુમાડને કારણે કંઈ જ જોઈ શકાતું ન હોવાથી કાચ તોડવા પડ્યા હતા. એ પછી બ્લોઅર મૂકી તેમજ 8 હજાર લિટર પાણી છાંટી આગ કાબૂમાં લીધી હતી. હોસ્પિટલ કોંગ્રેસના નેતા વિજયદાસ મહંતના પુત્ર અને ભાજપના કાર્યકર ભરત મહંતની છે. શહેરની 2100 હોસ્પિટલમાંથી 91 પાસે જ ફાયર એનઓસી છે. 66 કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની તપાસ શરૂ કરાઈ છે.

ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળાં, 66 કોવિડ હોસ્પિ.માં ફાયર સેફ્ટીની તપાસ શ્રેય હોસ્પિટલની ઘટના પછી ફાયરની ટીમો શહેરની 66 ખાનગી કોવિડ હોસ્પિટલની તપાસ માટે ઉતરી ગઈ હતી. શ્યામલ પાસેની તપન, મેડિલિંક અને પારેખ્સ હોસ્પિટલમાં તપાસ કરી હતી. જોકે અહીં 31મી માર્ચે ફાયર એનઓસીની સમય મર્યાદા પૂરી થઈ હોવાનું જણાયું હતું. જોકે કોઈપણ હોસ્પિટલને નોટિસ અપાઈ નથી. ફાયરના જવાનો શ્રેય હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે આઈસીયુમાં ધુમાડો હોવાને કારણે કાચ તોડવાની ફરજ પડી હતી. ત્યારબાદ બ્લોઅર મૂકીને ધુમાડો બહાર કઢાયો હતો.

ફાયરે કોરોનાના 57 દર્દી ઊંચકીને બહાર કાઢ્યા શ્રેય હોસ્પિટલમાં આગ પછી સ્ટાફ જીવ બચાવવા ભાગ્યો હતો. પરંતુ ફાયરના જવાનોએ કોરોનાના 57 દર્દીને ઊંચકીને બહાર કાઢ્યા હતા. ફાયરના એક જવાને કહ્યું, અત્યારે કોરોના યાદ ન આવે, માત્ર રેસ્ક્યૂના નિયમો યાદ રહે છે. જવાનો દર્દીને બચાવવા પીપીઈ કિટ પહેર્યા વગર જ ઉપર દોડી ગયા હતા અને દર્દીને નીચે લાવી એમ્બુલન્સમાં મોકલ્યા હતા. ફાયર બ્રિગેડનું કહેવું હતું કે, કોવિડના દર્દીઓને સ્ટ્રેચર પર નીચે ઉતારવાની રાહ જોઈએ તો વિલંબ થઈ જાય તેમ લાગતું હતું. આખરે દર્દીઓને ઊંચકીને ઉગારવામાં આવ્યા હતા. આ રેસ્ક્યૂ કામગીરીમાં જોડાયેલા લગભગ 40 ફાયર જવાન પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હોવાથી હોમ ક્વોરન્ટાઈન કરાયા છે.

ફાયર જવાનો પહોંચ્યા ત્યારે 8 મૃતદેહ બેડ પર પડ્યા હતા ફાયરબ્રિગેડના જવાનો આઈસીયુ વોર્ડના બારી-બારણાંના કાચ તોડીને આગ બુઝાવવા અંદર ગયા ત્યારે આઠેય દર્દી બેડ પર જ મૃત હાલતમાં મળી આવ્યા હતા. મોટાભાગના દર્દી 55થી 90 ટકા સુધી દાઝી ગયા હતા. વોર્ડના બેડ નંબર 8 અને 9ની વચ્ચે આવેલા વેન્ટિલેટર કે પલ્સો મીટર બેમાંથી એક મશીનના વાયરિંગમાં શોર્ટસર્કિટથી આગ લાગી હોવાનું ફાયર વિભાગનું પ્રાથમિક અનુમાન છે. એફએસએલની તપાસ પછી કારણ જાણી શકાશે.

શ્રેયમાંથી SVP ખસેડાયેલા 42માંથી 5 ઓક્સિજન પર 56 બેડની શ્રેય હોસ્પિટલ સાથે જૂન મહિનામાં મ્યુનિ.એ કોવિડ ડેઝિગ્નેટેડ કરવા માટે એમઓયુ કર્યા હતા. અત્યાર સુધી 300 જેટલા કોવિડના દર્દીઓની અહીં સારવાર કરવામાં આવી છે. 56 બેડની હોસ્પિટલમાં 49 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. આગની ઘટના અને અન્ય વોર્ડમાં રહેલા 42 દર્દીઓને 10 એમ્બુલન્સ દ્વારા એસવીપીમાં ખસેડાયા હતા. જેમાં પાંચની તબિયત અત્યંત ગંભીર બનતા ઓક્સિજન પર રાખવા પડ્યા છે.

અગ્નિકાંડની ચર્ચા માટેની બેઠકમાં દસ્તૂરનો ઊધડો ગુજરાત સરકારના સૂત્રો તરફથી મળેલી માહિતી મુજબ સરકાર રાજ્યની ફાયર સેફ્ટિ સર્વિસિઝના નિયામક એમ એફ દસ્તૂરની ભૂમિકાથી ખૂબ નારાજ છે. શ્રેય હોસ્પિટલની ઘટના મુદ્દે મળેલી બેઠકમાં અધિકારીઓની હાજરીમાં જ દસ્તૂરનો ઉધડો લેવાયો હતો. આ ઉપરાંત કોવિડ હોસ્પિટલોની પસંદગી અને નિયમપાલનની બાબતને લઇને પણ રાજ્ય સરકાર નારાજ જણાઇ હતી. સરકારે ફાયર સેફ્ટી માટે જરૂરી સુધારાની સમીક્ષા પણ શરૂ કરી છે.

કોરોનાને લીધે પોસ્ટમોર્ટમ વગર મોતનું કારણ શોધાયું શ્રેય હોસ્પિટલના 8 મૃતકોના સિવિલમાં આંશિક પોસ્ટમોર્ટમ (શસ્ત્રક્રિયા વગર) કરાયા હતા. ફોરેન્સિક મેડિસિનના 16 ડૉક્ટરોએ પ્રોસિજર કરી હતી. ડૉક્ટરોને કોરોનાના ચેપની દહેશત છતાં ફરજ નિભાવી હતી. ફોરેન્સિક વિભાગના વડા ડૉ. કલ્પેશ શાહે કહ્યું કે, ICMRની ગાઈડલાઈન મુજબ મૃતદેહો પર મીનીમલ ઈન્વેઝિવ પ્રોસિજર (MIP) કરાઈ. મૃતદેહ પર શસ્ત્રક્રિયા વગર બાહ્ય પરિક્ષણ કરી સાંયોગિક પુરાવાથી મૃત્યુનું કારણ શોધાયું હતું.શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ બાદ મૃતદેહોને લઇ જતાં કર્મચારીઓ.