CM અને ડેપ્યુટી CMની સમીક્ષા બેઠક શરૂ, OSD, કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર, વિરોધ કરી રહેલા 25 વિસ્થાપિતોની અટકાયત

CM અને ડેપ્યુટી CMની સમીક્ષા બેઠક શરૂ, OSD, કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર, વિરોધ કરી રહેલા 25 વિસ્થાપિતોની અટકાયત



વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાઈરસના વધી રહેલા કેસોને લઇને આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વડોદરા પહોંચ્યા છે. તેમની સાથે વડોદરા કલેક્ટર શાલિની અગ્રવાલ, OSD વિનોદ રાવ, અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિ પણ જોડાયા છે. વડોદરા કલેક્ટર કચેરી ખાતે આવેલા ધારાસભા હોલમાં બેઠકોનો દોર શરૂ થયો છે.

સંજયનગરના વિસ્થાપિતોએ રૂપાણી અને નીતિન પટેલના આગમન પહેલા વિરોધ કર્યો વડોદરાની કોવિડ-19ની સમીક્ષા માટે વડોદરાની મુલાકાતે આવી રહેલા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના આગમન પૂર્વે સંજયનગરના વિસ્થાપિતોએ ન્યુ VIP રોડ ઉપર સૂત્રોચ્ચાર લખેલા બેનરો અને પોસ્ટરો સાથે દેખાવો કર્યાં હતા. પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા 25 જેટલા વિસ્થાપિતોની પોલીસે અટકાયત કરી હતી.

3 વર્ષથી મકાનથી વંચિત સંજયનગરના વિસ્થાપિતોનો વિરોધ ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કેસોના પગલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે રાજકોટ અને વડોદરાની મુલાકાતે નીકળ્યા છે. રાજકોટની મુલાકાત બાદ તેઓ વડોદરા આવવા માટે નીકળ્યા હતા. જોકે, મુખ્યમંત્રી વડોદરા આવી પહોંચે તે પહેલાં છેલ્લા 3 વર્ષથી મકાનોથી વંચિત અને મકાનો માટે આંદોલન કરી રહેલા સંજયનગરના ઝૂંપડાવાસીઓએ એરપોર્ટ સર્કલ નજીક વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સંજયનગરના વિસ્થાપિતોનો વિરોધ

પોલીસે સમજાવવાનો પ્રયાસ કરવા છતાં વિસ્થાપિતોએ વિરોધ ચાલુ રાખ્યો સંજયનગરના ઝૂંપડાવાસીઓ સામાજિક કાર્યકર પ્રભુ સોલંકીની આગેવાનીમાં સૂત્રોચ્ચાર લખેલા બેનર્સ અને પોસ્ટર્સ સાથે હરણી માણેક પાર્ક ચાર રસ્તાથી અમિતનગર સર્કલ જવાના માર્ગ ઉપર વિરોધ કરવા માટે આવી પહોંચ્યા હતા. જોકે, મુખ્યમંત્રીનો કાફલો આવી પહોંચે તે પહેલા પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા વિસ્થાપિતોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, તેઓએ વિરોધ ચાલુ રાખતા અને સ્થળ પરથી ન જતા પોલીસે બળનો ઉપયોગ કરીને તેઓની અટકાયત કરીને પોલીસ સ્ટેશનમાં લઇ ગયા હતા. પોલીસે 25 જેટલા વિસ્થાપિતોની અટકાયત કરી હતી.

રૂપાણી અને નીતિન પટેલની ધારાસભ્યો, મેયર અને અધિકારીઓ સાથે બેઠક મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વડોદરા શહેર જિલ્લાના ધારાસભ્યો, મહાનગરપાલિકાના મેયર અને પદાધિકારીઓ તેમજ IMAના વડોદરા બ્રાન્ચના અગ્રણી તબીબો સાથે તબક્કાવાર બેઠક યોજીને સ્થિતિની વિગતો મેળવીને માર્ગદર્શન આપશે. વડોદરામાં બેઠકોની શૃંખલા પૂર્ણ કર્યાં બાદ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી મીડિયા બ્રિફીંગ કરશે અને ત્યારબાદ ગાંધીનગર પરત ફરશે.

અનલોક-2માં વડોદરામાં કોરોનાના કેસ વધતા સ્થિતિ વણસી વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના વધતા કેસોને લઇને તંત્ર ચિંતિત છે. અનલોક-1 સુધી વડોદરા શહેરમાં કોરોના વાઈરસના કેસની કુલ સંખ્યા 2280 હતી. જોકે અનલોક-2ના માત્ર 28 દિવસમાં જ કોરોના કેસની સંખ્યા વધીને કુલ 4381 ઉપર પહોંચી ગઇ છે. આમ અનલોક-2માં કેસની સંખ્યા વધીને ડબલ થઇ ગઇ છે.







મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની બેઠક