Translate to...

CMએ રચેલી કમિટિની તપાસ ચાલુ છે ત્યાં તો અમદાવાદ પોલીસે ફાયર વિભાગ, NOC વિનાની શ્રેય હોસ્પિ.ને ક્લિનચીટ આપી દીધી
શહેરની નવરંગપુરાની શ્રેય હોસ્પિટલના અગ્નિકાંડમાં કુલડીમાં ગોળ ભંગાતો હોય તેવું જોવા મળી રહ્યું છે. જે હોસ્પિટલના ICUમાં લાગેલી આગમાં 8 દર્દીઓ મોતને ભેટ્યા તેની પાસે ફાયરનું NOC નહોતું. આ અગ્નિકાંડમાં મુખ્યમંત્રીએ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતાસિંઘ અને શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પૂરીની રચેલી ઉચ્ચ-સ્તરીય કમિટિ દ્વારા તપાસ ચાલી રહી છે. પરંતુ અમદાવાદ પોલીસ શ્રેય હોસ્પિટલ અને અમદાવાદ ફાયર વિભાગને આ મામલે ક્લિનચીટ આપવા મેદાનમાં ઉતરી આવી છે. એટલું જ નહીં, આ બંનેને બચાવવા જતાં અમદાવાદ પોલીસ વિભાગના ઝોન-1 DCPએ તો આ સમગ્ર પ્રકરણમાં આડકતરી રીતે અમદાવાદના મ્યુનિ. કમિશનર મુકેશકુમાર અને અગ્રસચિવ તથા કોવિડ-19 માટે અમદાવાદમાં OSD તરીકે કાર્યરત ડૉ. રાજીવ ગુપ્તા તરફ દોષની આંગળી ચિંધી છે.

ઝોન-1 DCP રવિન્દ્ર પટેલે કહ્યું, હોસ્પિટલમાં ફાયરના સાધનો ચાલુ હાલતમાં હતા શ્રેય હોસ્પિટલ પાસે ફાયર વિભાગનું NOC નહોતું એ ખુદ ચીફ ફાયર ઓફિસર ગઈકાલે કહી ચૂક્યા છે. હવે આ મામલે ભીનું સંકેલવાના પ્રયાસરૂપે ફાયરના સાધનો અને કામગીરીને ચકાસવાનું જેનું કામ જ નથી એ પોલીસ વિભાગ મેદાને પડ્યો છે. ઝોન-1 DCP રવિન્દ્ર પટેલે કહ્યું, આ અગ્નિકાંડમાં ભ્રષ્ટ ફાયર વિભાગને ક્લિનચીટ આપતા કહ્યું હતું કે, ફાયર વિભાગે પોલીસને એક રિપોર્ટ સોંપ્યો છે. આ રિપોર્ટ મુજબ હોસ્પિટલમાં ફાયરના તમામ સાધનો અને એક્સ્ટિંગ્વિશર ચાલુ હાલતમાં હતા.

અનલોકના 3 મહિના પછી પણ પોલીસ કહે છે, લોકડાઉનના લીધે શ્રેયને NOC ના મળ્યું ઝોન-1 DCP રવિન્દ્ર પટેલે કહ્યું હતું કે, શ્રેય હોસ્પિટલની ફાયરની NOC એપ્રિલ 2020માં પુરી થઇ ગઇ હતી. પરંતુ તે સમયે લોકડાઉન ચાલતું હોવાથી હોસ્પિટલવાળા અરજી કરી શક્યા ન હતા. પરંતુ તેની સાથે એએમસીએ કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલનો એમઓયુ કરતા કરતા ફાયરની NOC માટે અરજી કરવાની પ્રક્રિયા ચાલુ કરી હતી. હવે મહત્ત્વનો સવાલ એ છે કે માર્ચ અને એપ્રિલ મહિનામાં લોકડાઉન ચાલતું હતું પરંતુ મે મહિનાથી તો ગુજરાતભરમાં અનલોક શરૂ થઈ ગયું હતું. આ સ્થિતિમાં બધું ખુલી ગયાના 3 મહિના થઈ ગયા તે પછી પણ શા માટે શ્રેય હોસ્પિટલે ફાયરની NOC માટે અરજી કરી નહીં. એટલું જ નહીં, ભ્રષ્ટાચારથી ખદબદતા ફાયર વિભાગના એક પણ અધિકારીએ એ ચકાસવા સુદ્ધાંની તસ્દી ન લીધી કે જેના ફાયર NOCની મુદત પૂરી થઈ ગઈ છે તેણે શા માટે રિન્યુઅલની અરજી કરી નથી?

મ્યુનિ.એ MOU વખતે ફાયર NOCની તપાસ ન કરી, તો વાંક મુકેશ કુમાર ને રાજીવ ગુપ્તાનો? ઝોન 1 DCP રવિન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આ અગ્નિકાંડ પ્રકરણે તપાસમાં 8 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે, બાકીના લોકોના નિવેદનો લેવાની પ્રકિયા ચાલી રહી છે. ફાયર વિભાગે સોંપેલાં રિપોર્ટમાં શ્રેય હોસ્પિટલે NOC લીધી નથી તે જાહેર થયું છે. જ્યારે મ્યુનિ. દ્વારા કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ માટે MOU કરવામાં આવ્યા ત્યારે ફાયર વિભાગે સ્થળ તપાસ કે NOC અંગે તપાસ કરી હતી કે કેમ તેની અમે વિગતવાર તપાસ કરી રહ્યા છીએ. ટ્રસ્ટીઓ પાસેથી આ અંગે પુરાવા મેળવી રહ્યા છીએ. સ્વાભાવિક છે કે આમાં વાંક હોસ્પિટલનો ન હોય તો પછી મ્યુનિ. કમિશનર મુકેશ કુમાર અને શ્રેય હોસ્પિટલને કોવિડ ડેઝિગ્નેટેડ માટે MOU કરવા દબાણ કરનારા રાજીવ ગુપ્તા પર જ પોલીસ અંગુલીનિર્દેશ કરી રહી છે.

અનલોકના 3 મહિનામાં મ્યુનિ.એ મોલ-દુકાનોને સીલ માર્યા, ફાયર NOC ચેક ન કર્યા અમદાવાદ મ્યુનિ.એ અનલોકના 3 મહિના દરમિયાન અમદાવાદ આખામાં ઠેર-ઠેર સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ અને માસ્ક ન પહેરવા બદલ ભાતભાતના દંડ કર્યા છે. એ-વન મોલ સહિતના મોલ, શોપિંગ સેન્ટરો અને દુકાનોને સીલ માર્યા છે. આ બધું કરવાનો અમદાવાદ મ્યુનિ.ને ટાઈમ મળે છે પણ જ્યાં કોવિડ-19ના દર્દીઓ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાય છે તે હોસ્પિટલોના ફાયર NOC છે કે કેમ એ ચેક કરવાનો તેની પાસે સમય જ નહોતો. આ અંગે વિચાર કર્યો હોત તો આ 8 હતભાગી દર્દીઓના જીવ બચી ગયા હોત.ઝોન-1 DCP રવિન્દ્ર પટેલે(ઈન્સેટ તસવીર) કહ્યું કે હોસ્પિટલમાં ફાયરના તમામ સાધનો અને એક્સ્ટિંગ્વિશર ચાલુ હાલતમાં હતા