Translate to...

ATSએ આદિવાસી વિસ્તારમાંથી પકડેલા 3 વ્યક્તિ નક્સલવાદી નથી, ગુજરાતમાં પથ્થલગડી મૂવમેન્ટ ચલાવવાના હતા

ATSએ આદિવાસી વિસ્તારમાંથી પકડેલા 3 વ્યક્તિ નક્સલવાદી નથી, ગુજરાતમાં પથ્થલગડી મૂવમેન્ટ ચલાવવાના હતા



બે દિવસ પહેલા ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે તાપીના વ્યારાથી એક મહિલા સહિત ત્રણ લોકોને નક્સલવાદી હોવાની આશંકાને પગલે ઝડપી લીધા હતા. જેમાં સામુ સુઈલ ઓરેયા, બિરસા સુઈલ ઓરેયા તથા બબિતા કછપ સુકર કછપ( ત્રણેય રહે ઝારખંડ)સામેલ છે. હાલ આ ત્રણેય લોકો નક્સલવાદી હોવાની ચર્ચા ચાલી રહી છે.પરંતુ તેઓ નક્સલવાદી નથી અને ગુજરાત સાથે નક્સલવાદનું કોઈ કનેકશન પણ નથી તે વાત હવે સ્પષ્ટ થઈ ગઈ છે. આ ત્રણેય લોકો પથ્થલગડી મૂવમેન્ટ સાથે જોડાયેલા છે અને તે મૂવમેન્ટ ઝારખંડ બાદ ગુજરાતમાં ચલાવવાના હતા તેમ ATSના ઇન્ચાર્જ DCP દીપેન ભદ્રને જણાવ્યું છે.

પથ્થલગડી મૂવમેન્ટ ચલાવવા બદલ તેમની સામે ઘણા કેસ: ATSના ઇન્ચાર્જ DCP આ અંગે ATS ઇન્ચાર્જ DCP દીપેન ભદ્રને DivyaBhaskarને જણાવ્યું હતું કે પકડાયેલા ત્રણેય વ્યક્તિ નક્સલવાદી નથી પણ તેઓ ઝારખંડમાં પથ્થલગડી મૂવમેન્ટ ચલાવતા હતા. જે અંગે તેમની સામે ઘણા કેસ થયા હતા. આ મૂવમેન્ટમાં ગામની બહાર પથ્થરમૂકી દેવામાં આવે છે અને અન્ય લોકોને ગામની અંદર જવા દેતા નથી. આ જ મૂવમેન્ટ તેઓ ગુજરાતમાં પણ કરવા માંગતા હતા. જે સંદર્ભે તેમની ધરપકડ કરવામાં આવી છે.

શું છે પથ્થલગડી મૂવમેન્ટ ઝારખંડના ખૂંટી જિલ્લાનાં ગામોમાં ચાર વર્ષ પહેલાં પથ્થલગડી ચળવળે વેગ પકડ્યો હતો. પથ્થલગડી શબ્દ કોઈ મૃત વ્યક્તિની સમાધિ પર પથ્થર મૂકવાના આદિવાસી રિવાજમાંથી આવ્યો છે. આ રિવાજને ધ્યાનમાં રાખી ઝારખંડમાં આદિવાસી સમુદાયો મોટા પથ્થરો પર સંદેશા રજૂ કરે કરે છે, જેને પથ્થલગડી તરીકે ઓળખાય છે. દેશમાં આદિવાસી બહુમતી ધરાવતા વિસ્તારોમાં પથ્થલગડીની એવી સામાજિક અને સાંસ્કૃતિક પરંપરા રહી છે. જેમાં ગામમાં દફનવિધિ થતી હોય તે વિસ્તારથી લઈને ગામના સીમાડા સુધી પથ્થર બેસાડીને સંદેશ આપવામાં આવતો હતો. પથ્થલગડીની આ પરંપરાએ વર્ષ 2017-18માં ઝારખંડમાં સામાજિક આંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું હતું. આ આંદોલન ઝારખંડના ખૂંટી અને પશ્ચિમી સિંહભૂમ જિલ્લામાં ફેલાયું હતું. આ આંદોલનમાં બંધારણની પાંચમી અનુસૂચિમાં આદિવાસીઓને આપવામાં આવેલા અધિકારોને પથ્થરો પર લખીને જમીન પર વિવિધ ઠેકાણે શિલાલેખની માફક ખૂંપાવવામાં આવ્યા હતા.







બિરસા સૂઇલ ઔરેયા, સામુ સૂઈલ ઔરૈયાની તાપીના વ્યારામાંથી ધરપકડ કરી હતી