Translate to...

AMCએ 25 માર્ચથી તમામ કોન્ટ્રાક્ટમાં ‘ફોર્સ મેજર’ કલમ લાગુ કરી, 2500 કરોડથી વધુનાં કામો અટકશે, અન્ય શહેરોમાં આ નિયમ લાગુ થઈ શકે

AMCએ 25 માર્ચથી તમામ કોન્ટ્રાક્ટમાં ‘ફોર્સ મેજર’ કલમ લાગુ કરી, 2500 કરોડથી વધુનાં કામો અટકશે, અન્ય શહેરોમાં આ નિયમ લાગુ થઈ શકે
કોરોના મહામારીને પગલે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન (AMC)ની આવક ઘટતાં ઇતિહાસમાં પ્રથમ વાર કોન્ટ્રાક્ટથી ચાલતા તમામ પ્રોજેક્ટ્સમાં ફોર્સ મેજરની જોગવાઈ લાગુ કરાઈ છે. 2500 કરોડથી વધુનાં કામોમાં આ જોગવાઈ લાગુ કરાતાં અંદાજે 1200થી 1500 કરોડનું ભારણ મ્યુનિ.ના માથે ઓછું થવાનો અંદાજ અધિકારી સૂત્રોએ વ્યક્ત કર્યો છે. અમદાવાદ મ્યુનિ. દ્વારા હાથ ધરાયેલા રિવરફ્રન્ટ, સ્માર્ટ સિટી, બીઆરટીએસ, મલ્ટિલેવલ પાર્કિંગ, મોડલ રોડ, મોડલ સ્કૂલ ઉપરાંત વિવિધ ઝોનમાં બનાવવામાં આવનારી વોર્ડ ઓફિસો તેમ જ કોમ્યુનિટી હોલ સહિતના પ્રોજેક્ટ્સ પર બ્રેક લાગવાની શક્યતા છે. એક સપ્તાહમાં કયા કયા પ્રોજેક્ટ પર પૂર્ણવિરામ મૂકવું તેનો નિર્ણય વિવિધ વિભાગના વડાઓના અહેવાલના આધારે કમિશનર દ્વારા લેવામાં આવશે. અમદાવાદમાં ફોર્સ મેજર લાગુ કરાયા બાદ રાજ્યભરની તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના કોન્ટ્રાક્ટથી ચાલતા પ્રોજેક્ટમાં ફોર્સ મેજર લાગુ કરાય તેવી શક્યતા છે.

કોરોના મહામારીને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકને પણ ગંભીર અસર થઈ હોવાના લીધે પ્રજાહિતમાં કરવામાં આવતા લક્ઝુરિયસ સહિતના પાયાગત તમામ 2500 કરોડના પ્રોજેક્ટ પર પૂર્ણવિરામ મૂકી દેવાયું છે. તમામ પ્રોજેક્ટની કોન્ટ્રાક્ટની શરતોમાં મ્યુનિ.એ ‘ફોર્સ મેજર’ ક્લોઝ લાગુ કર્યો છે. અમદાવાદ સહિત દેશભરમાં 25 માર્ચથી લોકડાઉન થયું હોવાના કારણે તે દિવસથી આ ક્લોઝ લાગુ રહેશે. મ્યુનિ.ના ઇતિહાસમાં વિકાસનાં કાર્યોમાં આ પ્રકારનો ક્લોઝ લાગ્યો હોવાની આ પ્રથમ ઘટના છે. આ ક્લોઝ લાગુ થવાના કારણે કોઈ પણ કોન્ટ્રાક્ટર મ્યુનિ.પાસે નાણાં માગી શકશે નહીં અથવા કોઈ પણ પ્રકારના કોન્ટ્રાક્ટનો દાવો પણ કરી શકશે નહીં. અનિશ્ચિતતાની પરિસ્થિતિમાં કાયદા મુજબ આ જોગવાઈ મ્યુનિસિપલ કમિશનર લાગુ કરી શકે છે.

તમામ કોન્ટ્રાક્ટમાં ફોર્સ મેજર ક્લોઝનો અમલ કરવાથી હવે શહેરમાં ચાલી રહેલા, અધૂરા તેમ જ શરૂ નહીં કરવામાં આવેલા તમામ પ્રોજેક્ટનો જે તે વિભાગના વડાઓ દ્વારા અભ્યાસ કરવા માટે કમિશનરે તાકીદ કરી છે. એક સપ્તાહમાં તેનો અભ્યાસ કર્યા બાદ કયા પ્રોજેક્ટ લોકોપયોગી અને આવશ્યક છે તે નક્કી કરવામાં આવશે. કયા પ્રોજેક્ટ હાલ પૂરતા પડતા મૂકીને નાણાં બચાવી શકાય છે તે નિશ્ચિત કર્યા બાદ લોકોને મુશ્કેલી પડે નહીં તેવા પાણી, ગટર, કચરા સહિતના કોન્ટ્રાક્ટ ચાલુ રાખવામાં આવશે. જ્યારે અન્ય જે કામો પડતર મૂકવાથી શહેરીજનોને કોઈ મોટી અસર થતી નથી તેવા પ્રોજેક્ટ પર બ્રેક મારી દેવામાં આવશે. આવાં કામો પર બ્રેક મારવાના કારણે અંદાજે 1200 કરોડનું ભારણ મ્યુનિ.ના માથેથી ઓછું થવાનો અંદાજ અધિકારી સૂત્રોએ વ્યકત કર્યો છે.

મુસાફરો ઘટતાં AMTS, BRTS બસોની સંખ્યા ઘટાડાશે

મલ્ટિલેવલ પાર્કિંગ: પશ્ચિમમાં પ્રહલાદનગર ગાર્ડન, પકવાન ચાર રસ્તા સહિત ત્રણ સ્થળે મલ્ટિલેવલ પાર્કિંગ બનાવવાનું કામ ચાલુ છે, જેમાં ગ્રાઉન્ડ લેવલથી ઉપર સુધી કામ થઈ ગયું છે, પણ આ પ્રોજેકટ પર બ્રેક લાગશે.300 ઇલેક્ટ્રિક બસોની ખરીદી અટકશે: અમદાવાદ જનમાર્ગ લિ.કંપની દ્વારા 300 ઇ-બસ ઓપરેશન્સ એન્ડ મેન્ટેનન્સ ખરીદવાનો ઓર્ડર ઇશ્યૂ કર્યો છે, જેમાં પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ કરાયો છે. આ કોન્ટ્રાક્ટ પર બ્રેક લાગશે.સ્માર્ટ સિટીના 400 કરોડના પ્રોજેક્ટ અટકશે: સ્માર્ટ સિટી હેઠળ શહેરમાં સંખ્યાબંધ પ્રોજેક્ટમાં ટેન્ડર ઇશ્યૂ કરી દેવામાં આવ્યા છે. અંદાજે આવા 400 કરોડના પ્રોજેક્ટમાં પણ ફોર્સ મેજર લાગુ કરાયો છે.બીઆરટીએસ અને એએમટીએસની બસો ઓછી કરાશે: કોવિડ પૂર્વે બીઆરટીએસ અને એએમટીએસમાં રોજિંદા આઠ લાખ મુસાફરો જતા હતા, પરંતુ કોવિડ બાદ મુસાફરો નહીંવત મળે છે. આથી કયા રૂટો પરની બસો બંધ કરવી કે ઓછી કરવી તેનો અભ્યાસ કરી નિર્ણય લેવાશે.

બીજો પરિપત્ર ન થાય ત્યાં સુધી ક્લોઝ ચાલુ રહેશે મ્યુનિ.કમિશનર મુકેશકુમારે કહ્યું કે, જ્યાં સુધી બીજો પરિપત્ર કરવામાં ન આવે ત્યાં સુધી ‘ફોર્સ મેજર’નો કલોઝ ચાલુ રહેશે. મહદઅંશે આગામી છ મહિના સુધી તો આ પરિપત્ર ચાલુ જ રહેશે તેવું અધિકારીઓનું માનવું છે.

‘ફોર્સ મેજર’ એટલે શું અનિશ્ચિત પરિસ્થિતિમાં કોન્ટ્રાક્ટની શરતો પૂરી કરવી એ બંન્ને પક્ષકારો (મ્યુનિ. કોન્ટ્રાક્ટર) માટે શકય ન હોય ત્યારે ફોર્સ મેજરનો ક્લોઝ લાગુ કરાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કોરોનાને મહામારી જાહેર કરેલી છે. જેથી આ અનિશ્ચિતત પરિસ્થિતિમાં શરૂ નહીં થયેલા અથવા અધૂરા રહેલા પ્રોજેકટમાં કોઈ પણ કોન્ટ્રાકટર પૈસા માગી શકે નહીં કે કોઈ પણ કોન્ટ્રાક્ટર દાવો માંડી શકે નહીં. આ જોગવાઈ મ્યુનિ.એ રિવરફ્રન્ટ, લેકફ્રન્ટ, સ્પેશિયલ પર્પઝ વ્હીકલ(એસપીવી), બીઆરટીએસ સહિતના તમામ પ્રોજેકટમાં લાગુ કરી દેવાઈ છે.

તમામ પ્રોજેક્ટમાં અનિશ્ચિતતાનો ક્લોઝ લાગુ કરાયો છે: મ્યુનિ. કમિશનર અમદાવાદ મ્યુનિ. કમિશનર મુકેશકુમારે ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં કહ્યું કે, સ્પેશિયલ પર્પઝ વિહિકલ ઉપરાંત પણ તમામ પ્રોજેક્ટમાં આ ક્લોઝ લાગુ કરવામાં આવ્યો છે. જોકે હવે કયા પ્રોજેક્ટ પડતા મૂકવા અને કયા કાર્યરત રાખવા તેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. નાગરિકોને મુશ્કેલી પડે નહિ તેવા તમામ પાયાગત સુવિધાઓના પ્રોજેક્ટ ચાલુ રહેશે જ્યારે અન્ય તમામ પ્રોજેક્ટ પર પૂર્ણવિરામ મૂકવામાં આવશે.

અન્ય મહાનગરપાલિકાઓમાં પણ ફોર્સ મેજર લાગુ થઈ શકે અમદાવાદમાં ફોર્સ મેજર લાગુ કરાયા બાદ રાજ્યભરની તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના કોન્ટ્રાક્ટથી ચાલતા પ્રોજેક્ટમાં ફોર્સ મેજર લાગુ કરાય તેવી શક્યતા છે. અમદાવાદમાં આ અંગેનો નિર્ણય લઈને મહાનગરપાલિકાએ આ અંગેના પાલનની શરૂઆત કરી છે, જે ધીમે ધીમે અન્ય શહેરો અને બીજા વિસ્તારોમાં પણ લાગુ કરાશે.

જોકે સૂત્રો કહે છે કે, અમદાવાદ કરતાં અન્ય મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓની સ્થિતિ ખૂબ નબળી છે. આથી સમગ્ર રાજ્યમાં લગભગ તમામ સ્થળોએ આવા વિકાસનાં કામો હાલ પૂરતા અટકાવી દેવાશે, જેથી સરકાર પર વધારાનો ખર્ચ આવે નહીં. આ ઉપરાંત સરકારે નવા બજેટમાં કરેલી જોગવાઈ અનુસારના નાણાકીય આયોજનો પર પણ સરકારે હાલ રોક લગાવી છે. જોકે પીવાના પાણીના પ્રોજેક્ટ અને વરસાદને કારણે નુકસાન પામતાં રસ્તા કે પુલના સમારકામ જેવા કામો ચાલુ રહેશે. સરકારમાં હાલ લગભગ મોટા ભાગના રોડ-રસ્તા કે મકાન સહિતના બાંધકામને લગતી કાર્યવાહી ચોમાસાને કારણે બંધ છે છતાં ઘણાં પ્રોજેક્ટ્સના બાંધકામ પર રોક લાગી શકે છે. જાહેર સુવિધાને લગતી બાબતોના વિકાસકામમાં અત્યંત જરૂરી ન હોય તેવા અંદાજે રૂ.8થી 10 હજાર કરોડના કામ પર બ્રેક લાગી શકે છે.

અમદાવાદમાં વિકાસ કાર્યો માટે સ્પેશિયલ પર્પઝ વ્હિકલ બનાવીને કરાતાં કામોને ફોર્સ મેજર લાગુ કરાયું છે અર્થાત અનિશ્ચિતતાના સમયમાં કોન્ટ્રાક્ટ પૂર્ણ કરવા પર રોક લગાવાઈ છે. આ રોક માટેનો હુકમ જારી કરતાં અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા કહેવાયું છે કે જ્યાં સુધી આ અંગે કોઇ ચોક્કસ જાહેરાત નવેસરથી ન થાય ત્યાં સુધી આ રોક લાગુ રહેશે. કોરોના મહામારીના આ સમયગાળામાં અમદાવાદ મહાનગરપાલિકાએ આરોગ્યલક્ષી અને અન્ય સુખાકારી સુવિધા માટે ખર્ચની જોગવાઇઓ કરી હતી તે ધાર્યા કરતાં વધી ગઇ છે. આથી હાલ તંત્રને નાણાકીય આયોજનમાં તકલીફ ન પડે તે માટે બાંધકામ પાછળ થતો ખર્ચ રોકીને તે નાણાકીય ફંડને રોગચાળાના નિયંત્રણ અને દર્દીઓની સુશ્રુષા પાછળ વાપરવામાં આવશે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાઇલ તસવીર.