9/11માં બચ્યા, પણ કોરોનાનો કોળિયો બન્યા; 9/11ના પ્રસિદ્ધ ફોટોમાં દેખાતા પુરુષનું કોરોનાથી મૃત્યુ

9/11માં બચ્યા, પણ કોરોનાનો કોળિયો બન્યા; 9/11ના પ્રસિદ્ધ ફોટોમાં દેખાતા પુરુષનું કોરોનાથી મૃત્યુ11 સપ્ટેમ્બર, 2001ના રોજ ન્યૂ યોર્કનાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરનાં ટ્વિન ટાવર્સમાં અલ કાયદાએ હાઈજેક કરેલાં બે પ્લેન ઘૂસી ગયાં અને અમેરિકાના ઈતિહાસમાં સૌથી મોટી ટ્રેજેડી સર્જાઈ. તે ઘટનાનો આંખે દેખ્યો હેવાલ આપતા અનેક ફોટોગ્રાફ ઉપલબ્ધ છે. તેવો જ ન્યૂઝ એજન્સી એસોસિએટેડ પ્રેસ (AP)નો એક ફોટોગ્રાફ હતો, જેમાં બેકગ્રાઉન્ડમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર ધરાશાયી થઈ રહ્યું છે અને આગળ ઓફિસના કેટલાક કર્મચારીઓ જીવ બચાવવા માટે દોડી રહ્યા છે. હવે ન્યૂઝ આવ્યા છે એ આ ઐતિહાસિક ફોટોગ્રાફમાં દેખાતા 78 વર્ષના સ્ટિફન કૂપર કોરોનાવાઈરસનો ભોગ બની ગયા છે. અલબત્ત, તેમનું મૃત્યુ છેક 28 માર્ચના રોજ ફ્લોરિડા ખાતે થયું હતું. પરંતુ ત્યાંના ‘પામ બીચ પોસ્ટ’ નામના અખબારે હવે આ સ્ટોરી કરી છે, જેથી આ ન્યૂઝ સમગ્ર વિશ્વમાં ચર્ચાઈ રહ્યા છે.

9/11નો તે આઈકોનિક ફોટો સ્ટિફને પણ ટાઈમ મેગેઝિનમાં છપાયો તે પછી જ જોયો હતો. એ પછી એ ફોટો એમણે કાયમ પોતાની પાસે સાચવી રાખેલો.

9/11ની તે ઘટના બની ત્યારે કૂપરની ઉંમર 60 વર્ષની હતી. જ્યારે વર્લ્ડ ટ્રેડ સેન્ટર ધરાશાયી થવા લાગ્યું ત્યારે તેઓ સાઉથ બ્લોકની નજીક હતા. એ ત્યાં કોઈ દસ્તાવેજો ડિલિવર કરવા ગયેલા. ત્યાં જ તેમણે આ ગમખ્વાર અકસ્માત જોયો અને પોલીસ અધિકારીઓને એવું કહેતા સાંભળ્યા કે તમારે દોડવું પડશે. એ વખતે કાળા શર્ટમાં સજ્જ સ્ટિફન ડાબા હાથમાં પીળા રંગનું દસ્તાવેજોનું ફોલ્ડર લઈને દોડી રહ્યા હતા. ત્યારે એસોસિએટેડ પ્રેસના ફોટોગ્રાફર સુઝેન પ્લન્કેટે આ ફોટો પાડ્યો હતો.

એ ફોટોગ્રાફ તેની ન્યૂઝ વેલ્યુ અને એક્ઝેક્ટ સમયે ક્લિક થયો હોવાને કારણે સમગ્ર વિશ્વના અખબારોમાં અને મેગેઝિનોમાં છપાયો. અત્યારે તે મેનહટન ખાતે આવેલા 9/11 મેમોરિયલ મ્યુઝિયમમાં પણ ડિસ્પ્લે કરવામાં આવ્યો છે.

સ્ટિફન પોતાની લાઈફ પાર્ટનર જેનેટ અને દીકરી જેસિકા સાથે.

33 વર્ષથી કૂપરની લાઈફ પાર્ટનર રહેલી જેનેટ રેશિસે અખબારને આપેલી માહિતી પ્રમાણે એવો કોઈ ફોટોગ્રાફ ક્લિક થયો હતો એ પણ સ્ટિફનને નહોતી ખબર. એણે પોતાનો ફોટોગ્રાફ ‘ટાઈમ’ મેગેઝિનમાં જોયો અને આશ્ચર્યથી બોલી ઊઠ્યા કે, ‘ઓ માય ગોડ, આ તો હું છું!’

સ્થાનિક પ્રશ્નો માટે પણ સ્ટિફન સક્રિયતાથી અવાજ ઉઠાવતા.

સ્ટિફનની દીકરી જેસિકાના કહેવા પ્રમાણે સ્ટિફને તે ટાઈમ મેગેઝિનના અંકની અનેક નકલો ખરીદીને સાચવી રાખેલી અને દર વર્ષે 9/11ની એનિવર્સરી વખતે બહાર કાઢતા.એટલું જ નહીં, એમણે આ ફોટોની એક કૉપીની માઈક્રો સાઈઝ કરાવીને તેને લેમિનેટ કરાવી રાખેલી અને પોતાના પાકિટમાં પણ રાખતા અને સૌને બતાવતા પણ ખરા!રસપ્રદ વાત તો એ પણ છે કે આ ફોટો પાડનારી APની ફોટોગ્રાફર સુઝેન પ્લન્કેટને પણ હજુ હમણાં સ્ટિફનના મૃત્યુ સુધી તેની ઓળખ ખબર નહોતી. એણે ‘પામ બીચ પોસ્ટ’ને કહ્યા પ્રમાણે, ‘હવે મને શરમ જેવું લાગે છે કે આટલાં વર્ષ સુધી મેં ક્યારેય એમની ઓળખ શોધીને એમને મળવાનો પ્રયાસ સુદ્ધાં ન કર્યો.’

23 માર્ચે સ્ટિફનને ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝનું નિદાન થયેલું અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા. ત્યાં તેમનો કોરોનાનો ટેસ્ટ થયો, જે પોઝિટિવ આવ્યો હતો. તેના પાંચ જ દિવસમાં સ્ટિફનનું અવસાન થઈ ગયેલું.વર્લ્ડ ટ્રેડ સેન્ટર ધરાશાયી થતું હતું ત્યારે દોડી રહેલા લોકોમાં સૌથી ડાબે કાળો શર્ટ અને ડાબા હાથમાં પીળા રંગનું ફોલ્ડર લઈને જીવ બચાવવા દોડી રહેલા સ્ટિફન કૂપર