6 વર્ષમાં મોદીની 9 સરપ્રાઈઝ વિઝિટે દેશ અને દુનિયાને ચોંકાવ્યા, 2015માં લાહોર પહોંચી ગયા અને 2020માં લેહ જઈને સૈનિકો પાસે ઊભા રહ્યા

6 વર્ષમાં મોદીની 9 સરપ્રાઈઝ વિઝિટે દેશ અને દુનિયાને ચોંકાવ્યા, 2015માં લાહોર પહોંચી ગયા અને 2020માં લેહ જઈને સૈનિકો પાસે ઊભા રહ્યા



ભારત અને ચીન વચ્ચે ગલવાન ઘાટીમાં થયેલી અથડામણના પગલે સર્જાયેલી સરહદી તંગદીલી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અચાનક જ શુક્રવારે લદ્દાખની મુલાકાત લીધી. અહીં તેઓ સૈનિકોને મળ્યા. જોકે આ અગાઉ પણ તેમણે આવી સરપ્રાઈઝ એન્ટ્રીથી સૌને ચોંકાવ્યા છે. બે વખત તેઓ LoC પહોંચીને સૈનિકો સાથે દિવાળી મનાવી ચૂક્યા છે. વડાપ્રધાન બન્યા પછી સૌ પ્રથમ તેમણે આવી સરપ્રાઈઝ વિઝિટ પાકિસ્તાનની કરી હતી અને 25 ડિસેમ્બર, 2015ના રોજ લાહોર પહોંચી ગયા હતા. અફઘાનિસ્તાનથી પાછા ફરતાં તેમણે પ્લેનને લાહોર ઉતરાણ કરવા આદેશ કર્યો હતો અને નવાઝ શરીફના પરિવારના લગ્ન સમારોહમાં પહોંચી ગયા હતા. 2014માં વડાપ્રધાન બન્યા પછી અત્યાર સુધીના 6 વર્ષમાં એમણે આવી 9 સરપ્રાઈઝ વિઝિટ કરી છે.

19 ફેબ્રુઆરી 2020: દિલ્હીના મેળામાં લિટ્ટી-ચોખા ખાધા
આ વર્ષના આરંભે નવી દિલ્હી ખાતે રાજપથ વિસ્તારમાં હુન્નર હાટમાં તેઓ પહોંચી ગયા હતા અને ત્યાં તેમણે બિહારની પરંપરાગત વાનગી લિટ્ટી-ચોખાનો સ્વાદ માણ્યો હતો. એ પછી અલગ અલગ સ્ટોલ પર ફરીને તેમણે વિવિધ હુન્નર વિશે કારીગરો સાથે વાતો કરી હતી.

27 ઓક્ટોબર 2019: LoC પર જવાનોને દિવાળીની મીઠાઈ ખવડાવી
જમ્મુ-કાશ્મીરમાંથી વિવાદાસ્પદ કલમ 370 હટાવ્યા બાદ ગત વર્ષે મોદીએ રાજૌરી નજીક લાઈન ઓફ કન્ટ્રોલ (LoC) પર સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી અને સૈનિકોને પોતાના હાથે મીઠાઈ ખવડાવી હતી.

7 નવેમ્બર 2018: ઉત્તરાખંડના હર્ષિલ પહોંચી ગયા
એ વર્ષે મોદી ઉત્તરાખંડના હર્ષિલ ખાતે ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ના જવાનો સાથે દિવાળી મનાવવા પહોંચી ગયા હતા. એ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, હું એ માતા-પિતા અને ગુરુઓને નમન કરું છું જેમણે તમારા જેવા વીર સંતાનોને જન્મ આપ્યો. એ પછી મોદી કેદારનાથ પહોંચ્યા હતા અને 45 મિનિટના રોકાણ દરમિયાન તેમણે બાબાની પૂજા કરી હતી તેમજ નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું.

18 ઓક્ટોબર 2017: LoC પર ગુરેજ સેક્ટર પહોંચ્યા
એ વર્ષે મોદીએ જમ્મુ-કાશ્મીર સરહદ પર ગુરેજ સેક્ટર ખાતે તહેનાત સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. તેમણે જવાનોના બલિદાનોની પ્રશંસા કરીને તેમને પોતાના પરિવારજન ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે હું જ્યારે પણ તમારી સાથે હાથ મિલાવું છું ત્યારે મને તમારા હાથમાંથી શક્તિ મળે છે. આટલી મુશ્કેલ સ્થિતિમાં પણ તમે ફરજ બજાવો છે એ બહુ જ મોટી તપસ્યા અને ત્યાગ છે.

30 ઓક્ટોબર 2016: હિમાચલના સુમડો ખાતે સૈનિકોની વચ્ચે પહોંચી ગયા
એ વર્ષની દિવાળી મોદીએ હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં ભારત-ચીન સરહદ પાસે સુમડો ખાતે સૈનિકો સાથે મનાવી હતી. એ પ્રસંગે તેમણે કહ્યું હતું કે 2001થી દર વર્ષે તેઓ સૈનિકો સાથે દિવાળી મનાવે છે.

11 નવેમ્બર 2015: અમૃતસરમાં સૈનિકો સાથે દિવાળીની ઉજવણી
અમૃતસર ખાતે સૈનિકો સાથે દિવાળી મનાવવા પહોંચી ગયેલા મોદીએ ત્યાંના ડોગરાઈ વોર મેમોરિયલ પહોંચીને 1965ના યુદ્ધમાં શહીદ થયેલ જવાનોને અંજલી આપી હતી. તેમણે પરમવીર ચક્ર વિજેતા શહીદ અબ્દુલ હમીદની સમાધી પર પુષ્પાંજલી અર્પિત કરી હતી.

23 ઓક્ટોબર 2014: વડાપ્રધાન બન્યા બાદ પહેલી દિવાળી સિઆચેન ખાતે
કેન્દ્રની સત્તા સંભાળ્યા બાદ વડાપ્રધાન મોદીએ પ્રથમ દિવાળીની ઉજવણી સિઆચેન ખાતે ફરજ બજાવી રહેલા સૈનિકો સાથે મનાવી હતી. દુનિયાના સૌથી વધુ ઊંચાઈ પર આવેલ યુદ્ધક્ષેત્રમાં જઈને તહેવારની ઉજવણી કરવાની પરંપરાનો એ આરંભ હતો.

25 ડિસેમ્બર 2015: અચાનક પાકિસ્તાન પહોંચીને સૌને ચોંકાવી દીધા
ફઘાનિસ્તાનના સત્તાવાર પ્રવાસે ગયેલા મોદીએ અચાનક લાહોર ખાતે ઉતરાણ કરીને સૌને ચોંકાવી દીધા હતા. તેમણે તત્કાલીન પાક. વડાપ્રધાન નવાઝ શરીફને જન્મદિવસની શુભેચ્છાઓ આપી અને શરીફની દોહિત્રીના લગ્નમાં હાજરી આપીને તેને આશીર્વાદ આપ્યા હતા. લાહોરથી આશરે 40 કિલોમીટર દૂર શરીફના પૈતૃક ઘરે પહોચીને ત્યાં તેમણે 90 મિનિટનું રોકાણ કર્યું હતું.









25 ડિસેમ્બર 2015ના રોજ કાબુલથી પરત ફરતાં અચાનક પાકિસ્તાનના લાહોર ખાતે મોદી પહોંચી ગયા અને તત્કાલીન પાક. વડાપ્રધાન નવાઝ શરીફની દોહિત્રીના લગ્નપ્રસંગે હાજરી આપી હતી