5 રાજ્યમાં 3 કરોડનું ઓનલાઇન ચીટિંગ કરનાર ટોળકી ઝડપાઈ, યુવકે લિન્ક્ડ ઇન પર બાયોડેટા મૂક્યા બાદ ગઠિયાઓએ ફોન-ઇ મેલ કર્યા

5 રાજ્યમાં 3 કરોડનું ઓનલાઇન ચીટિંગ કરનાર ટોળકી ઝડપાઈ, યુવકે લિન્ક્ડ ઇન પર બાયોડેટા મૂક્યા બાદ ગઠિયાઓએ ફોન-ઇ મેલ કર્યાભાયલીના યુવકે વેબ સાઇટ પર નોકરી માટે બાયોડેટા મૂક્યા બાદ ભેજાબાજોએ યુવકને ફોન કરી ફ્રેન્ચાઇઝી આપવાની લાલચ આપીને 1.8 કરોડ પડાવ્યા હતા. છ મહિના બાદ જિલ્લા એલસીબીએ છેતરપિંડી આચરનાર આંતરરાજ્ય ટોળકીના મુખ્ય સૂત્રધાર સહિત 7 જણને ઝડપી 19.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ તપાસમાં આ ટોળકીએ 5 રાજ્યોમાં 3 કરોડની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે આજે તમામ આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે.

ભાયલીના યુવકને ફ્રેન્ચાઇઝીની લાલચ આપી 1.8 કરોડ પડાવી લીધા હતા જિલ્લા પોલીસ વડા સુધીરકુમાર દેસાઈએ જણાવ્યું કે, ભાયલીના નાગેશ રુગનાથ ઘુગરધરે નામના કન્સલ્ટિંગ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે ઘરેથી વ્યવસાય કરતા યુવકને નોકરીની જરૂર હોવાથી લિન્ક્ડઇન પર બાયોડેટા રજિસ્ટર કરાવ્યો હતો. ત્યારબાદ રોહન માને નામના શખ્સે ફોન કરી લા મેન પાવર સર્વિસની મેમ્બરશિપ લેશો તો જનરલ ઇલેક્ટ્રિકની ફ્રેન્ચાઇઝી આપીશું, તમને એક વિઝિટના 40 હજાર મળશે, તેમ જણાવ્યું હતું. બાદમાં અન્ય લોકોએ 8થી 10 ઇ-મેલ અને ફોન કરીને યુવક પાસેથી 1.08 કરોડ ભરાવ્યા હતા. યુવકે હવે હું પૈસા ભરી શકું તેમ નથી, તમે મેમ્બરશિપ કેન્સલ કરી દો તેમ જણાવતાં, જો તમે પૈસા નહીં ભરો તો ભરેલા પૈસા મળશે નહીં તેવી ધમકી આપી હતી.

તપાસમાં 3 કરોડની છેતરપિંડી સામે આવી જિલ્લા એલસીબીના પીઆઈ ડીબી વાળા અને પીએસઆઇ એમએમ રાઠોડની ટીમે ઠગાઈ કરનારી ગેંગના મુખ્ય સૂત્રધાર સેલ્વા સંતોષ નાડર, રમાકાંત ઉર્ફે બાબુ પડોહી વિશ્વકર્મા, રાકેશ તારાચંદ જાદવ, સંદીપ ઉર્ફે વિનયસિંહા જમીલ ખાન દુબર, નીલોફર જમીલખાન દૂબર અને સજ્જાદ સતાર બેગ ઉર્ફે સુરેશ બેગાની પાટીલને ઝડપી લીધા હતા. તમામનો કોરોના ટેસ્ટ કરાવતાં સેલવા, રમાકાંત અને રાકેશ પોઝિટિવ આવતાં તેમની સારવાર કરાવી તમામની ધરપકડ કરી હતી. ટોળકીએ 5 રાજ્યોમાં 3 કરોડની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે 18 સીમકાર્ડ, 28 એટીએમ, 5 પાસબુક તથા 8 ચેકબુક સહિતના દસ્તાવેજો જપ્ત કર્યા હતા અને સેલ્વાના ખાતામાં 8.93 લાખ જમા હોવાનું બહાર આવ્યું હતું. આ પૈસામાંથી રાકેશે અર્ટિકા ગાડી અને સંતોષે ફ્લેટ ખરીદ્યો હતો. પોલીસે 3ની શોધખોળ શરૂ કરી હતી.

ટોળકીમાં 7 સભ્યો પોલીસે જણાવ્યું કે, સેલવા મુખ્ય સૂત્રધાર છે, રમાકાંત એટીએમમાંથી પૈસા ઉપાડવાનું કામ કરતો હતો. રાકેશ જાદવ, સંદીપ તથા જમીલ ખાન લોકોને ફોન કરી લાલચ આપતા હતા. નીલોફર તથા સજ્જાદે બેંક ખાતું ભાડે આપ્યું હતું અને પોતાનો ફોન પણ ભાડેથી વાપરવા આપ્યો હતો.

મુખ્ય સૂત્રધાર સેલ્વા ધોરણ 12 પાસ અને 4 ભાષાનો જાણકાર મુખ્ય સૂત્રધાર ધો.12 પાસ સેલ્વા મુંબઈમાં કોલ એટેન્ડન્ટ તરીકે નોકરી કરતો હતો. વધુ પૈસા કમાવવાની લાલચમાં 2017માં દિલ્હી તેના મિત્ર આશુતોષ પાસે ગયો હતો. આશુતોષ અને તેની ટોળકી વેબસાઇટ પર કોલ બોયની એડવર્ટાઈઝમેન્ટ કરી સેક્સ્યુઅલ વાતો કરી પૈસા પડાવતા હતા. ટોળકી વેબસાઈટમાં બાયોડેટા મૂકનારા લોકોને પણ ઠગતી હતી. સેલ્વા તેમની સાથે જોડાતાં મહિને 25 હજાર મળતા હતા. 2019માં વધુ પૈસા કમાવવાની લાલચે તે મુંબઈ આવી અલગ ટોળકી બનાવી હતી. તેણે ટોળકી પાસેથી સિમકાર્ડ મેળવી બેંક ખાતાં ભાડે લેવાનું કાવતરું રચ્યું હતું. તે દરેક ખાતામાં 40 હજાર ભાડું ચૂકવતો હતો. સેલ્વા હિન્દી, અંગ્રેજી, મરાઠી અને તેલુગુ ભાષાનો જાણકાર છે. સેલ્વા સામે તામિલનાડુમાં પણ 17 લાખની ઓનલાઇન છેતરપિંડીનો ગુનો નોંધાયો છે.

વોઇસ ચેન્જર એપ્લિકેશનનો ઉપયોગ કરી લોકો સાથે મહિલાના અવાજમાં વાત કરતો ટોળકીએ અલગ-અલગ વેબ સાઇટોમાં નોકરી મેળવવા બાયોડેટા મૂકેલા ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના યુવકોનો ડમી મોબાઈલ નંબરોના ઉપયોગ કરી સંપર્ક કરતી હતી. સેલ્વા, રાકેશ અને સંદીપે કોલ સેન્ટરમાં નોકરી કરેલી હોવાથી તેઓ સારી પકડ ધરાવતા હતા અને વોઇસ ચેન્જરનો ઉપયોગ કરી મહિલાના અવાજમાં પણ વાત કરતા હતા.

કેવી રીતે કૌભાંડ પકડાયું ? કયા કયા ખાતામાં પૈસા જમા થયા હતા, તેની માહિતી મેળવી પોલીસની ટીમ મુંબઈ ગઈ હતી. ભેજાબાજોએ 9 બેંકમાં 16 ખાતાંમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા. જેમાં નીલોફરના નામના 8 બેંક ખાતાં, સજ્જાદના 4 ખાતા, ભૂષણ જગન્નાથ કામલે નામના શખ્સના 1 એકાઉન્ટ, વૈભવ ભોવળ નામના શખ્સના 1 બેંક એકાઉન્ટ તથા શ્રી રામ શ્યામલાલ ગુપ્તાના 1 ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા હતા. આ લોકો પોતાનું ખાતું તથા ફોન ભાડે આપી પૈસા પડાવતા હોવાનું બહાર આવ્યું હતું. સેલ્વા, રમાકાંત, રાકેશ, સંદીપ અને જમીલખાન ઓનલાઈન એપ્લિકેશન દ્વારા પૈસા પડાવતા હતા.આરોપીઓની તસવીર