Translate to...

446 વર્ષ જૂની શ્રીરામચરિત માનસના અયોધ્યાકાંડની પાંડુલિપિઓ આજે પણ સુરક્ષિત છે, બાદશાહ અકબરે 96 વીઘા જમીન આપી હતી

446 વર્ષ જૂની શ્રીરામચરિત માનસના અયોધ્યાકાંડની પાંડુલિપિઓ આજે પણ સુરક્ષિત છે, બાદશાહ અકબરે 96 વીઘા જમીન આપી હતી
આજે શ્રીરામચરિત માનસના રચયિતા ગોસ્વામી તુલસીદાસજીની જયંતી છે. તેમનો જન્મ સંવત્ 1554માં શ્રાવણ મહિનાના સુદ પક્ષની સાતમ તિથિએ ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લામાં રાજાપુર ગામમાં થયો હતો. હાલ વર્ષ 2020 અને સંવત્ 2077 ચાલી રહ્યું છે.

તુલસીદાસજીના જન્મ વર્ષને લઇને અનેક પ્રકારના મતભેદ છે. થોડાં વિદ્વાનો માને છે કે તેમનો જન્મ સંવત્ 1511માં થયો હતો. રાજાપુરમાં શ્રીરામચરિત માનસ મંદિર છે, જ્યાં તુલસીદાસજીએ આ ગ્રંથની રચના કરી હતી. સંવત્ 1680માં 126 વર્ષના આયુષ્યમાં તુલસીદાસજીએ શરીરનો ત્યાગ કર્યો.

તુલસીદાસજીના સંબંધમાં શ્રીરામચરિત માનસ મંદિરના પ્રમુખ 77 વર્ષીય પં. રામાશ્રય ત્રિપાઠી સાથે અમે વાત કરી છે. પં. રામાશ્રય જણાવે છે કે, તેઓ તુલસીદાસની શિષ્ય પરંપરાની 11મી પીઢીના પ્રમુખ છે. તુલસીદાસજીના પહેલાં પ્રમુખ શિષ્ય ગણપતરામ ઉપાધ્યાય હતાં. તેમના પરિવારના લોકો જ આ મંદિરના પ્રમુખ હોય છે.

અહીંના આઠમા પ્રમુખ મુન્નીલાલની કોઇ સંતાન હતી નહીં. ત્યારે તેમણે પોતાની બહેનના દીકરા બ્રહ્મદત્ત ત્રિપાઠીને દત્તક લીધો અને તેને આ મંદિરનો પ્રમુખ ઘોષિત કર્યો. બ્રહ્મદત્ત ત્રિપાઠીના પુત્ર રામાશ્રય ત્રિપાઠી પિતાના મૃત્યુ બાદ 15-16 વર્ષની ઉંમરથી જ આ મંદિરની દેખરેખ કરી રહ્યા છે. તેમની પાસે શ્રીરામચરિત માનસના અયોધ્યાકાંડની પાંડુલિપિઓ આજે પણ અહીં સુરક્ષિત સ્થિતિમાં છે.

તુલસીદાસ જયંતીએ કોઇ મોટું આયોજન થશે નહીં- આ વર્ષે કોરોના મહામારીના કારણે તુલસીદાસ જયંતીએ કોઇ મોટું આયોજન થશે નહીં. દર વર્ષે તુલસીદાસ જયંતીએ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે, જેમાં દેશ-દુનિયાના હજારો ભક્તો સામેલ થાય છે. આ વર્ષે અખંડ શ્રીરામચરિત માનસનો પાઠ થઇ રહ્યો છે. આ સિવાય થોડાંક જ લોકોની હાજરીમાં આ પર્વ ઉજવવામાં આવશે. મંદિરમાં શ્રીરામ, લક્ષ્મણ, સીતા, હનુમાનજી સાથે તુલસીદાસજીની પણ પ્રતિમા છે.

આ પાંડુલિપિઓ 11.5 ઇંચ x 5.5 ઇંચના આકારની છે. અયોધ્યાકાંડ 170 પાનાનો છે. દરેક પાના ઉપર 7 લાઇન લખવામાં આવી છે.

પાંડુલિપિઓ 446 વર્ષ જૂની છેઃ- પં. ત્રિપાઠી તુલસીદાસજીને બાબા કહે છે. બાબાનો જન્મ સંવત્ 1554માં થયો હતો. તેમણે સંવત્ 1631માં 76 વર્ષની આયુમાં શ્રીરામચરિત માનસની રચના શરૂ કરી હતી. જેને પૂર્ણ કરવામાં 2 વર્ષ 7 મહિના અને 26 દિવસનો સમય લાગ્યો હતો. સંવત્ 1633ના માગસર મહિનાના સુદ પક્ષની પાંચમ તિથિએ આ ગ્રંથ પૂર્ણ થઇ ગયો હતો. આ ગ્રંથના અયોધ્યાકાંડની પાંડુલિપિઓ આજે પણ મંદિરમાં સુરક્ષિત છે.

હાલ સંવત્ 2077 ચાલી રહ્યું છે, જેના પ્રમાણે આ પાંડુલિપિઓ 446 વર્ષ જૂની છે. અયોધ્યાકાંડની શરૂઆતમાં શ્રી ગણેશાય નમઃ અને જાનકી વલ્લભો વિજયતે લખવામાં આવ્યું છે. ત્યારના હિન્દી અક્ષરોમાં અને આજના હિન્દી અક્ષરોમાં ઘણું અંતર જોવા મળે છે. લગભગ 15 અક્ષર એવા છે, જે આજે બિલકુલ અલગ રીતે લખવામાં આવી રહ્યા છે.

તુલસીદાસજીના સમય અને આજના સમયના થોડાં અક્ષરોમાં પરિવર્તન આવી ગયો છે.

શ્રીરામચરિત માનસ કાગળ ઉપર લખી હતીઃ- અનેક લોકોને લાગે છે કે, તુલસીદાસજીના સમયમાં કાગળ હતાં નહીં, તેમણે ભોજપત્ર ઉપર અથવા તાડપત્ર ઉપર શ્રીરામચરિત માનસ લખી હતી. પરંતુ, આ વાત સાચી નથી. તે સમયગાળામાં કાગળનો આવિષ્કાર થઇ ગયો હતો. તુલસીદાસજીએ લાકડાની કલમથી લખ્યું હતું અને સ્યાહી પણ જાતે બનાવી હતી.

આ ગ્રંથની અન્ય પાંડુલિપિઓ નદીમાં ડૂબવાથી ખરાબ થઇ ગઇ છેઃ- આ મંદિરમાં પૂજાપાઠ કરવા માટે એક પૂજારી પસંદ કરવામાં આવે છે. પ્રાચીન સમયમાં એક પૂજારી ધન કમાવાની લાલચમાં તક મળતાં જ શ્રીરામચરિત માનસની પાંડુલિપિઓ લઇને ભાગી રહ્યો હતો. ત્યારે મંદિરના લોકોએ તેનો પીછો કર્યો. તે ગંગા નદીના કાલા-કાંકર ઘાટ પર હોડીમાં બેસીને નદી પાર કરી રહ્યો હતો, ત્યારે તેને બોલાવવામાં આવ્યો તો તે ડરી ગયો અને તેણે પાંડુલિપિઓ નદીમાં ફેંકી દીધી.

ત્યાર બાદ તે સમય કાલા-કાંકરના રાજા હનુમંતસિંહે નદીમાંથી પાંડુલિપિઓ કઢાવી. ભીની થઇ જવાના કારણે તે બધી જ ખરાબ થઇ ગઇ, પરંતુ અયોધ્યાકાંડ સંપૂર્ણ સુરક્ષિત રહ્યો. ત્યાર બાદ કાશીના મહારાજાએ પાંડુલિપિઓની ચારેય બાજુ નવા કાગળ લગાવી દીધા

બાદશાહ અકબરે આપેલું તામ્રપત્ર આજે પણ પં. રામાશ્રય ત્રિપાઠી પાસે રાખવામાં આવ્યું છે.

બાદશાહ અકબરે 96 વીઘા જમીન આપી હતીઃ- એકવાર બાદશાહ અકબર તુલસીદાસના રાજાપુર ગામ યમુના નદીના રસ્તે હોડીથી આવ્યાં હતાં. ત્યારે તેઓ તુલસીદાસજીને મળીને ખૂબ જ પ્રભાવિત થઇ ગયાં. આ વર્ષ 1585ની વાત છે. તે સમયે અકબરે તુલસીદાસના ના પાડવા છતાં યમુના નદીનો ઘાટ અને 96 વીઘા જમીન આપી હતી. અકબરે આ આદેશનું તામ્રપત્ર આજે પણ પં. રામાશ્રય પાસે છે.

તુલસીદાસના ના પાડવા છતા શિષ્ય ગણપતરામને જમીનનો અધિકાર આપવામાં આવ્યો હતો. અંગ્રેજોના શાસનકાળમાં આ જમીન હડપી લેવામાં આવી હતી. બદલામાં 684 રૂપિયા દર વર્ષે આપવામાં આવવા લાગ્યાં. 2 સપ્ટેમ્બર 1846એ અંગ્રેજોએ આ રૂપિયા વધારવાની વાત કહી હતી, પરંતુ તે શક્ય થયું નહીં. ત્યાર બાદ આ રૂપિયા 1972 સુધી બાંદા જિલ્લા કાર્યાલયથી મળતાં હતાં.

ત્યાર બાદ આ જમીન સાર્વજનિક અધિકારમાં જતી રહી અને આ રૂપિયા મળવાના બંધ થઇ ગયાં. ત્યાર બાદ અહીં આવતાં ભક્તો દ્વારા આપવામાં આવતાં દાનથી મંદિરનું કામકાજ ચાલી રહ્યું છે.

સમયે-સમયે પાંડુલિપિઓને સંરક્ષિત કરવામાં આવી છેઃ- 1948માં પુરાતત્વ વિભાગે તેને વિશેષ કેમિકલ દ્વારા સંરક્ષિત કરી છે. 1980માં કાનપુરના ભક્તોએ પાંડુલિપિઓનું લેમિનેશન કરાવ્યું હતું. 2004માં ભારત સરકારે આ પાંડુલિપિઓને સંરક્ષિત કરવા માટે જાપાની કેમિકલ લગાવ્યું હતું.

તુલસીદાસજીના પ્રમુખ શિષ્ય ગણપતરામના પરિવાના લોકો જ મંદિરના પ્રમુખ બને છે

દેશ-દુનિયાથી હજારો લોકો દર વર્ષે અહીં આવે છેઃ- ફેબ્રુઆરી 1980માં જનાર્દન દત્ત શુક્લા ઉત્તરપ્રદેશના રાજ્યપાલના સલાહકાર હતાં. તેમની સલાહ પર પં. રામાશ્રયએ મંદિરમાં વિઝિટર્સ માટે રજિસ્ટર રાખ્યું, જેમાં અહીં આવતાં લોકો મંદિરના સંબંધમાં તેમના અનુભવો લખતાં હતાં. અહીં દેશભરથી લોકો આવે છે. સાથે જ, અમેરિકા, જર્મની, બ્રિટન, ફ્રાંસ, રશિયા વગેરે દેશથી પણ તુલસીદાસજીને જાણવા વિદેશી મુસાફરો પણ પહોંચે છે.

ભાસ્કર નોલેજઃ-

તુલસીદાસજીનું મૂળ નામ રામબોલા હતું. તેમના જન્મ બાદ તેમની માતા હુલકીનું નિધન થઇ ગયું. પિતાનું નામ આત્મારામ હતુંબાળક રામબોલા શરૂઆતથી જ વિદ્વાનોની શરણમાં રહેવા લાગ્યાં હતાં. ત્યાર બાદ બાબા નરહરિએ તેમને તુલસીદાસ નામ આપ્યું. નરહરિ બાબાને તુલસીદાસના ગુરુ માનવામાં આવે છે.તુલસીદાસના લગ્ન રત્નાવલી સાથે થયાં હતાં. લગ્નના થોડાં સમય બાદ તેઓ પત્નીથી દૂર જઇને શ્રીરામની ભક્તિમાં લીન થઇ ગયાં.એવું માનવામાં આવે છે કે, તુલસીદાસ અને સૂરદાસની મુલાકાત થઇ હતી. તુલસીદાસ શ્રીરામ અને સૂરદાસ શ્રીકૃષ્ણના પરમ ભક્ત હતાં. તુલસીદાસે મીરાબાઈને પણ પત્ર લખ્યો હતો અને શ્રીકૃષ્ણની ભક્તિની પ્રેરણા આપી હતી.તુલસીદાસે હનુમાનજીને દર્શન આપ્યાં હતાં. હનુમાનજીની મદદથી જ તુલસીદાસે શ્રીરામ અને લક્ષ્મણના દર્શન કર્યાં હતાં.તુલસીદાસે પોતાના 126 વર્ષના જીવનકાળમાં અનેક ગ્રંથોની રચના કરી હતી. તેમાં શ્રીરામચરિત માનસ સર્વાધિક પ્રસિદ્ધ છે. આ ગ્રંથમાં સુંદરકાંડનો પાઠ ઘણાં લોકો નિયમિત રૂપથી કરે છે. હનુમાન ચાલીસાની રચના પણ તુલસીદાસે કરી હતી.

Manuscripts of Ayodhya Kanda of 446 year old Shri Ramcharit Manas are still preserved today, Emperor Akbar gave 96 vigha of land