Translate to...

2004માં સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે- ધોની એક આક્રમક બેટ્સમેન છે, ભવિષ્યમાં મોટો ખેલાડી બનશે: KKRના પૂર્વ ડાયરેક્ટર

2004માં સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે- ધોની એક આક્રમક બેટ્સમેન છે, ભવિષ્યમાં મોટો ખેલાડી બનશે: KKRના પૂર્વ ડાયરેક્ટરપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ ઘણા યુવા ખેલાડીઓને ભારતીય ટીમમાં તક આપી હતી, જે આગળ જતા મેચ વિનર બન્યા હતા. મહેન્દ્રસિંહ ધોની પણ તેમાંથી એક છે. આ વાતનો ખુલાસો ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ટીમ કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR)ના ભૂતપૂર્વ ડાયરેક્ટર જોય ભટ્ટાચાર્ય દ્વારા કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, ગાંગુલીએ 2004માં પહેલેથી જ કહ્યું હતું કે, ધોની જેવો આક્રમક બેટ્સમેન ભવિષ્યમાં મોટો ખેલાડી બનશે.

ભટ્ટાચાર્યે કહ્યું કે, મને હજી યાદ છે જ્યારે હું 2004માં ટીમ સાથે બાંગ્લાદેશની ફ્લાઇટમાં હતો. દરમિયાન ગાંગુલીએ મને કહ્યું હતું કે અમારી પાસે એક નવો આક્રમક બેટ્સમેન છે. તમારે તેને જરૂર જોવો જોઈએ. ભવિષ્યમાં તે એક મોટો સ્ટાર બનશે.

ગાંગુલીમાં પ્રતિભા પારખવાની ક્ષમતા

તેમણે કહ્યું, 'મને હંમેશાં લાગે છે કે તે (ગાંગુલી) શાનદાર હતા. પ્રતિભાને પારખવાની તેમનામાં ક્ષમતા છે. તે ખેલાડીની ક્ષમતાને જોઈને સમજી જતા હતા. જો તમારી પાસે પ્રતિભા છે, તો તે ચોક્કસપણે તમને ટેકો આપશે. તેઓ એવું નહોતા વિચારતા કે જો તમે સ્કોર ન કર્યો હોય, તો તમે નિષ્ફળ ગયા છો. તેઓ ક્ષમતાને તક આપતા અને જાણતા હતા કે જ્યારે ખેલાડીનો દિવસ હશે, ત્યારે તે ચોક્કસ મોટો સ્કોર કરશે. "

ધોની વિશ્વના મહાન ક્રિકેટરોમાંથી એકછે:ગાંગુલી

તાજેતરમાં જ ગાંગુલીએ મયંક અગ્રવાલ સાથે ચેટ કરતી વખતે કહ્યું હતું કે "ધોની માત્ર ફિનિશર જ નહીં પરંતુ વિશ્વના મહાન ક્રિકેટ ખેલાડીઓમાંથી એક છે. બધા વાત કરે છે કે ધોનીએ નીચલા ક્રમમાં મેચ કેવી રીતે પૂરી કરી. હું હંમેશાં માનું છું કે ધોનીએ ઉપરના ક્રમમાં બેટિંગ કરવી જોઈએ, કારણ કે તે ખૂબ જ ખતરનાક બેટ્સમેન છે."

ગાંગુલીએ પોતાની જગ્યાએ ધોનીને નંબર 3 પર મોકલ્યો હતો

ધોનીએ ગાંગુલીની કપ્તાનીમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે 23 ડિસેમ્બર 2004ના રોજ પોતાની પહેલી મેચ બાંગ્લાદેશ વિરુદ્ધ ચટગાંવમાં રમી હતી. ગાંગુલીએ પોતાની જગ્યાએ ધોનીને નંબર-3 પર મોકલ્યો હતો. તેણે ત્રણ વનડેમાં માત્ર 19 રન કર્યા હતા. પરંતુ તે પછીની સીરિઝમાં પાકિસ્તાન સામે 123 બોલમાં 148 રનની યાદગાર ઇનિંગ્સ રમી હતી. ધોનીએ 90 ટેસ્ટમાં 4876 અને 350 વનડેમાં 10773 રન બનાવ્યા હતા. તેણે 98 T-20માં 1617 રન કર્યા છે.

ગાંગુલીએ બાંગ્લાદેશ સામેની વનડે સીરિઝમાં પોતાની જગ્યાએ ધોનીને નંબર-3 પર બેટિંગ કરવા મોકલ્યો હતો. આ ધોનીની પહેલી સીરિઝ હતી.