Translate to...

2003માં મુશ્કેલીઓના સામનો કરી અયોધ્યા પહોંચ્યા પણ કારસેવા ન કરી શક્યા, હવે ભવ્ય મંદિરમાં નિર્માણના સાક્ષી બનીશું

2003માં મુશ્કેલીઓના સામનો કરી અયોધ્યા પહોંચ્યા પણ કારસેવા ન કરી શક્યા, હવે ભવ્ય મંદિરમાં નિર્માણના સાક્ષી બનીશું
ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાં 5 ઓગસ્ટના રોજ ભવ્ય રામમંદિરના નિર્માણનું ભૂમિપૂજન થવાનું છે. ત્યારે અયોધ્યામાં રામલ્લાના ભવ્ય મંદિરનું નિર્માણ થાય તે માટે 1992માં ગુજરાત સહિત દેશભરમાંથી આંદોલનો શરૂ થયા હતાં. લોકો મોટી સંખ્યામાં અયોધ્યા કારસેવા માટે જતા હતા. અયોધ્યામાં મંદિરના નિર્માણકાર્યમાં અનેક મુશ્કેલી અને આપત્તિઓમાં પણ કારસેવકો ડગ્યા નહોતા. 2002માં ગોધરાકાંડમાં કારસેવકોની ટ્રેનને સળગાવી દેવાની ઘટના તાજી હોવા છતાં માર્ચ 2003માં ફાયરિંગ થયા બાદ પણ ઓક્ટોબર 2003માં કાર સેવા માટે 1800 લોકોની ટ્રેન અયોધ્યા જવા નીકળી હતી. ટ્રેનને ઝાંસીમાં રોકી હોવા છતાં 500 લોકો અન્ય ટ્રેન મારફતે અયોધ્યા પહોંચેલા પણ કારસેવા કરી શક્યા નહોતા. આવા ઘણા સંભારણા Divyabhaskar સાથેની વાતચીતમાં અમદાવાદના જગદીશભાઈ તિવારીએ કહ્યું કે, આપણી હયાતીમાં ભવ્ય રામમંદિર બનવા જઈ રહ્યું છે જેના સાક્ષી બનીશું.

ટ્રેનમાં ભક્તિ-ભજન કરતાં ગુજરાતથી નીકળ્યા હતા ઓઢવ વિસ્તારમાં હર ભોળાનાથ પાર્કમાં રહેતા અને સોનીની ચાલી બ્રિજ નીચે મેડિકલની દુકાન ધરાવતા જગદીશ તિવારીએ જણાવ્યું હતું કે, ઓક્ટોબર 2003માં અયોધ્યામાં કાર સેવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ગુજરાતમાંથી 1800 લોકો માટે ટ્રેનમાં બુકિંગ કરાવવામાં આવ્યું હતું. સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં 1800 લોકો કારસેવા માટે અયોધ્યા જવા નીકળ્યાં હતા. ટ્રેનમાં જય શ્રી રામના નારાની સાથે ભક્તિ-ભજન અને ધૂનની રમઝટ સાથે જતા હતાં, ત્યારે ઝાંસી પાસે ટ્રેનને રોકવામાં આવી હતી.

અટકાયત કરી 3 દિવસ કોલેજમાં પુર્યા જગદીશભાઈએ કહ્યું કે, અયોધ્યા જવા પર તે સમયે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. અયોધ્યા તરફ જતા લોકોને રોકવામાં આવી રહ્યા હતા. ઝાંસી પાસે ટ્રેન રોકી તેઓને ઉતારી દેવાયા હતા અને ત્યાંના કલેકટર તેમજ પોલીસ અધિકારીઓએ તેમની અટકાયત કરી લીધી હતી. ત્રણેક દિવસ બુંદેલખંડ કોલેજમાં રાખવામાં આવ્યા અને પરત જવા કહી દેવામાં આવ્યું હતું. અમે 500 લોકોએ કહ્યું કે, અમે તો રામનું મંદિર બનાવવા નીકળ્યા છીએ તેના દર્શન કરીને જ પરત જઈશું. બાકીના સભ્યો પરત ગયા અને અમે અન્ય ટ્રેન મારફતે અયોધ્યા પહોંચ્યા હતાં.

હિન્દીમાં જ વાત કરવા કહેવામાં આવ્યું હતું જગદીશભાઈની સાથેના 500 લોકોએ અયોધ્યા ગમે તે પરિસ્થિતિમાં જવાનું નક્કી કર્યું હતું. આ તમામ લોકોમાં મહિલાઓ અને બાળકો પણ હતાં. ઉપરથી તમામને હિન્દીમાં જ વાત કરવા કહેવામાં આવ્યું હતું. ગુજરાતથી ગયેલામાં જગદીશભાઈ એકમાત્ર હિન્દીભાષી હતા અને તેઓએ તમામને હિન્દીમાં જ વાત કરવા કહ્યું હતું. પોલીસ તેમજ અન્ય અધિકારીઓ સાથે માત્ર હિન્દીમાં જ વાત કરવામાં આવતી અને પુરૂષો જ મોટેભાગે વાત કરતાં હોવાનું તેમણે ઉમેર્યું હતું.

વિહિપના નેતાઓની ધરપકડ થતાં કાર્યક્રમ રદ્દ થયો અયોધ્યામાં કારસેવાના કાર્યક્રમને તે સમયે રદ કરી દેવામાં આવ્યો હતો. ડો. પ્રવિણ તોગડિયા અને અશોક સિંઘલની ધરપકડ કરવામાં આવી હતી. અયોધ્યા જવાનું નક્કી કર્યું હોવાથી ઝાંસીથી બનારસ જવાનું કહી ટ્રેનમાં બેસી કાનપુર સુધી આવ્યા હતા. કાનપુરથી બસોને અયોધ્યા તરફ જવા દેવાતી નહોતી. જગદીશભાઈના એક ગુજરાતી મિત્ર કાનપુરમાં હતા અને ત્યાં તેમની શાળા હતી. તેમની મદદ લીધી હતી અને 500 લોકો રાતે શાળામાં રોકાયા હતા. બીજા દિવસે સવારે નાની સુમો ગાડીઓમાં અયોધ્યા તરફ રવાના થયા હતા. અયોધ્યા પહોંચતા જ ઠેર-ઠેર પોલીસ જોવા મળતી હતી અને દરેક જગ્યાએ પોલીસ પૂછતી હતી કે ક્યાં જવું છે? ક્યાંથી આવ્યા છો? તેઓને ગોળગોળ જવાબ આપી છેક બાબરી ધ્વંસની જગ્યા પર રામમંદિર સુધી પહોંચી ગયા હતા. દર્શન બાદ તેઓ ત્યાંથી પરત ટ્રેનમાં ગુજરાત આવી ગયા હતા.

ગમે તે વેઠ્યું પણ મંદિર બનવાની ખુશી જગદીશભાઈએ કહ્યું કે, 2003માં કારસેવાનો કાર્યક્રમ અટકાવ્યો હોવા છતાં અયોધ્યા રામમંદિર સુધી જવાનો નિર્ધાર કરી તેને પૂર્ણ કર્યો હતો. આજે ભવ્યમંદિર બની રહ્યું છે તેની ખુશી છે. 2002માં ગોધરાકાંડમાં તોફાનોમાં સોનીની ચાલી પાસે આવેલી તેમની તિલક મેડિકલ નામની દુકાન પણ સળગાવી દેવામાં આવી હતી. મોટું આર્થિક નુકસાન ભોગવ્યું હતું. બાદમાં માર્ચ 2003માં પણ તેમની પર ફાયરિંગ થયું હતું. છતાં તેઓમાં કોઈ જ ડર ન હતો. રામમંદિર બનવા જઇ રહ્યું છે આજે તેઓને ખુશી છે.Experiences of car service man Jagadishbhai who went to Ayodhya in 2003 after Godhra Godhrakand