Translate to...

1971ના યુદ્ધમાં ભારતને ડરાવવા આવેલો અમેરિકી નૌકાકાફલો હવે ચીન સામે ભારતની હિંમત વધારી રહ્યો છે
ગલવાન ઘાટીની અથડામણ પછી ભારત અને ચીન વચ્ચે તંગદીલી પ્રસરી રહી છે ત્યારે અમેરિકાએ દક્ષિણ ચીની સમુદ્ર ખાતે પેટ્રોલિંગ કરી રહેલ નૌકાકાફલો આંદામાન-નિકોબાર ટાપુસમૂહ નજીક મોકલીને ભારતીય નૌકાસેના સાથે સંયુક્ત કવાયત હાથ ધરી છે. પાસિંગ કન્ડક્ટ અથવા Passex તરીકે ઓળખાતી આ કવાયત ચીન માટે બહુ મોટી ચેતવણી ગણાય છે ત્યારે એ જાણવું પણ રસપ્રદ રહેશે કે હાલ ભારતીય જળસીમા નજીક પેટ્રોલિંગ કરી રહેલ અમેરિકી નૌકાકાફલા પૈકી યુદ્ધજહાજ USS એન્ટરપ્રાઈઝ 1971ના યુદ્ધમાં ભારતને ડરાવવા બંગાળના અખાતમાં લાંગર્યું હતું. હવે એ જ અમેરિકા ચીન સાથેના વિવાદમાં ભારતની તરફેણ કરીને દુનિયાના સૌથી શક્તિશાળી યુદ્ધજહાજો પૈકીનું એક અણુશક્તિ સંચાલિત USS નિમિટ્ઝ ભારતની જળસીમામાં મોકલી ચૂક્યું છે.

USS નિમિટ્ઝઃ ઓળખવા જેવું યુદ્ધજહાજ

1975થી કાર્યરત થયેલું નિમિટ્ઝ તેની વિશિષ્ટ બાંધણી અને વખતોવખત થતાં રહેલાં સુધારાના કારણે આજે પણ જગતના સૌથી ખતરનાક અને વિશાળ યુદ્ધજહાજોની યાદીમાં સ્થાન પામે છે.બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકન પેસિફિક સમુદ્રના નૌકાકાફલાના કમાન્ડર રહી ચૂકેલા ચેસ્ટર નિમિટ્ઝની સેવાઓને બિરદાવતાં યુદ્ધજહાજને તેમનું નામ આપવામાં આવ્યું છે.333 મીટર લાંબું આ યુદ્ધજહાજ 1 લાખ ટનથી વધુ ભારવહન ક્ષમતા ધરાવે છે. 90 યુદ્ધવિમાનો અને 35 હેલિકોપ્ટરનો કાફલો લઈને નીકળતું નિમિટ્ઝ જ્યાં લાંગરે ત્યાંથી 300 કિમી સુધીના સમુદ્ર વિસ્તારને કાબૂમાં રાખી શકે છે.પરમાણુશક્તિ સંચાલિત હોવાથી તે 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ગતિ મેળવી શકે છે.નિમિટ્ઝના કાફલામાં ઝડપી આક્રમણ અને બચાવની બેવડી ભૂમિકા નિભાવી શકતી કુલ 5 વિનાશિકા (Destroyer) સામેલ હોય છે.ટૂંકા, મધ્યમ અને લાંબા અંતરે હવાઈ હુમલો કરી શકે એવાં પાંચ પ્રકારના કુલ 90થી વધુ યુદ્ધવિમાનો નિમિટ્ઝના રન-વે પરથી આકાશી મોરચો માંડી શકે છે.એરબોર્ન અર્લી વોર્નિંગ સિસ્ટમ (AWACS)થી સજ્જ વિમાન દુશ્મનના હવાઈ હુમલાને આગોતરો પારખીને નિમિટ્ઝના કાફલાને સતર્ક કરી શકે છે.હવાઈ હુમલો, સ્વબચાવ અને કાર્ગો ટ્રાન્સપોર્ટેશનની ખૂબી ધરાવતા 35થી વધુ હેલિકોપ્ટર પણ નિમિટ્ઝના કાફલામાં સામેલ છે.હોલિવૂડની યાદગાર ફિલ્મ પર્લ હાર્બરમાં નિમિટ્ઝને દર્શાવવામાં આવ્યું છે.

After completing exercises & operations in the #SouthChinaSea the #UnitedStates Navy USS Nimitz Supercarrier was spotted passing the #Malacca Strait on 18 July 2020, expected to sail into the #IndianOcean pic.twitter.com/JNI95RSJGr

— d-atis☠️ (@detresfa_) July 19, 2020

1971માં ભારતને ડરાવવા આવ્યું હતુંપાકિસ્તાન સાથેના ઐતિહાસિક યુદ્ધ વખતે તત્કાલીન અમેરિકી પ્રમુખ રિચર્ડ નિક્સને પાકિસ્તાનના કહેવાથી પોતાના નૌકાકાફલાના એન્ટરપ્રાઈઝ સહિતના બે યુદ્ધજહાજો ભારતને ડરાવવા માટે મોકલ્યા હતા. એ પૈકી એન્ટરપ્રાઈઝ બંગાળની ખાડીમાં લાંગર્યું હતું. જ્યારે અન્ય ડિસ્ટ્રોયરે હિન્દ મહાસાગરમાં મોરચો સંભાળીને સમુદ્રી રસ્તે પાકિસ્તાન પર ભારતના સંભવિત નૌકા હુમલાને ખાળવાનો પ્રયાસ કર્યો હતો. અમેરિકા સામે તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ રશિયાના પ્રમુખ લિયોનિડ બ્રેઝનેવને રક્ષણની વિનંતી કરતાં રશિયાએ તરત જ પોતાનો નૌકાકાફલો હિન્દ મહાસાગર તરફ મોકલ્યો હતો. અમેરિકી યુદ્ધજહાજો હુમલાની પેરવી કરે એ પહેલાં જ કૂટનીતિ ઉપરાંત સરહદી જંગના મોરચે ભારતે બાંગ્લાદેશનું વિભાજન કરીને પાકિસ્તાનના બે ફાડિયા કરી નાંખ્યા હતા.

1971ના યુદ્ધ વખતે અમેરિકી પ્રમુખ નિક્સન સામે રશિયાના પ્રમુખ બ્રેઝનેવે ઈન્દિરાની મદદ કરી હતી.

હાલ અમેરિકાએ માંડેલા મોરચાનો અર્થ શું?

અત્યારે અમેરિકાએ ત્રણ મોરચે પોતાના પેસિફિક નૌકાકાફલાને ભારત અને ચીનની જળસીમા આસપાસ તહેનાત કરી રાખ્યો છે.USS રોનાલ્ડ રેગન નામનું યુદ્ધજહાજ હાલ દક્ષિણ ચીની સમુદ્રમાં પેટ્રોલિંગ કરી રહ્યું છે. પૂર્વ અમેરિકી પ્રમુખનું નામ ધરાવતું આ યુદ્ધજહાજ પોતાની ઉપસ્થિતિથી ચીનના વેપારી નૌકાકાફલા પર ધાક જમાવવા ઉપરાંત તાઈવાન પર ચીનના સંભવિત આક્રમણને પણ અંકુશમાં રાખે છે.અમેરિકી નૌકાકાફલાનું વધુ એક યુદ્ધજહાજ USS થિયોડોર રુઝવેલ્ટ હાલ ફિલિપાઈન્સ નજીકના સમુદ્રમાં તહેનાત થયેલું છે. આ યુદ્ધજહાજનું લોકેશન એવું છે કે પૂર્વ ચીની સમુદ્રના ટાપુઓ પરના ચીની નૌકાકાફલાની ગતિવિધિ પર નજર રહી શકે છે.નિમિટ્ઝ છેલ્લાં 17 દિવસથી દક્ષિણ ચીની સમુદ્રમાં હતું. તેને ત્યાંથી ખસેડીને હાલ આંદામાન નિકોબાર ટાપુઓ પાસે લાવવામાં આવ્યું છે. જેથી શ્રીલંકા ખાતે લાંગરેલા ચીની યુદ્ધજહાજોની મૂવમેન્ટને નિમિટ્ઝ દાબમાં રાખી શકે છે.આ પ્રમાણે ત્રણ મોરચેથી અમેરિકાના ત્રણ યુદ્ધજહાજોએ ચીનને ઘેર્યું છે.હિન્દ મહાસાગરના રસ્તે ચીનના ખનીજતેલ તેમજ વેપારી કાફલાની બહુ મોટા પ્રમાણમાં આવ-જા રહે છે. જો ભારત અને અમેરિકા અહીં નાકાબંધી કરે તો ચીન માટે મુશ્કેલી સર્જાઈ શકે.

Passex અર્થાત્ સંયુક્ત કવાયતનો અર્થ શું?ભારતીય જળસીમા નજીક લાંગરેલા નિમિટ્ઝ અને તેના વિનાશિકાના કાફલા સાથે ભારતીય નૌકાદળના યુદ્ધજહાજો કે વિનાશિકાઓ પણ જોડાઈ શકે છે. સંયુક્ત લશ્કરી કવાયત દરમિયાન આકાશી કે સમુદ્ર માર્ગે થઈ શકતાં સંભવિત હુમલાની મોક ડ્રિલ થતી હોય છે. જેમાં દરિયાઈ યુદ્ધના તમામ પાસાંઓનો વિચાર કરીને બંને દેશના નૌકાદળો પોતપોતાના કાફલાની ક્ષમતા અને નબળાઈઓનું પૃથક્કરણ કરે છે, જેથી વાસ્તવિક યુદ્ધ વખતે નબળાઈઓ નિવારી શકાય તેમ જ આક્રમણને વધુ ધારદાર બનાવી શકાય. દુનિયાના સૌથી શક્તિશાળી એવા અમેરિકી નૌકાકાફલા સાથે ભારતીય નૌકાદળને કવાયત કરવા મળે એનો સીધો અર્થ એ થાય કે ભારતને અમેરિકાની ક્ષમતાઓનો લાભ મળે. હાલની સંયુક્ત કવાયત તેમજ સમુદ્રમાં ચીની નૌકાકાફલાના હાજરીથી ચીનને લ્હાય લાગે એ સ્વાભાવિક છે.The US navy that intimidated India in the 1971 war is now emboldening India against China.