Translate to...

11 વર્ષથી 200થી વધુ મેચમાં ધોનીને ચિઅર-અપ કરી રહેલો મોહાલીનો રામબાબુ કહે છે, 'માહી સર સાથે મારું નામ જોડાયું એ જ મારું અચિવમેન્ટ'

11 વર્ષથી 200થી વધુ મેચમાં ધોનીને ચિઅર-અપ કરી રહેલો મોહાલીનો રામબાબુ કહે છે, 'માહી સર સાથે મારું નામ જોડાયું એ જ મારું અચિવમેન્ટ'




ક્રિકેટરની માફક ક્યારેક તેમના ફેન પણ અનોખી દિવાનગીના કારણે સેલિબ્રિટી બની જતાં હોય છે. સચીનના ફેન સુધીર ગૌતમની માફક ધોનીનો ફેન રામબાબુ પણ એટલો જ જાણીતો છે. ધોની રમતો હોય એ દરેક મેચમાં શરીર પર તિરંગો ચીતરીને છાતી પર 'ધોની 7' પેઈન્ટ કરીને સ્ટેડિયમ પર ચિચિયારી કરતો રામબાબુ છેલ્લાં 11 વર્ષથી દેશ-વિદેશમાં રમાયેલી 200થી વધુ મેચનો લકી મેસ્કોટ બની રહ્યો છે. બોડી પર 5 જગ્યાએ ધોનીનું ટેટૂ ધરાવતો રામબાબુ ભારતીય ક્રિકેટ ટીમનો એટલો માનીતો છે કે વિદેશમાં રમાતી મેચ માટે ધોની તેને સ્પોન્સર કરે છે. ધોનીના જન્મદિવસ નિમિત્તે રામબાબુએ ધોની માટેની તેની દિવાનગી અને ધોની સાથેના સંસ્મરણો વહેંચ્યા હતા.ધોનીએ બીજું જીવનદાન આપ્યું,તેમના કારણે જીવતો છું

બાંગ્લાદેશમાં 2014નો T-20 વર્લ્ડ કપ હતો. પહેલા તો મને એ પણ ખબર નહોતી કે બાંગ્લાદેશ કઈ રીતે પહોંચી શકાય છે. હું બાય રોડ કોલકાતાથી બસમાં ગયો હતો. બોર્ડરથી વોટર શિપમાં શિફ્ટ કરે છે. આમ દરિયાથી શિપમાં બેઠા પછી વધુ એક બસ પકડવાની હોય છે. આ સફર સાવ સરળ પણ નથી. ભારતની પહેલા વેસ્ટ ઇન્ડીઝ અને શ્રીલંકા સામે પ્રેક્ટિસ મેચ હતી. એ મેચો પણ મેં જોઈ હતી. ટૂર્નામેન્ટ દરમિયાન દરેક મેચ માટેના પાસ માહી સર જ આપતા હતા. ઇન્ડિયા પાકિસ્તાનની મેચ પહેલા હું રાત્રે હોટલના ટોપ પર પેઈન્ટિંગ કરી રહ્યો હતો. ખબર નહિ, કદાચ ત્યારે જ મચ્છરનો શિકાર થયો હોઇશ. સવારે માથું દુખવા લાગ્યું અને તાવ પણ હતો. ત્યારે ટીમ ઇન્ડિયાના ફિઝિયો ડોકટર નીતિન પટેલ પાસેથી દવા લીધી હતી. તે સિવાય અન્ય દવાઓ પણ લીધી પરંતુ ફેર પડ્યો નહિ. હું મેચ જોતા જોતા પડી જતો હતો, 2-3 વાર સિક્યુરિટી વાળાએ ઉભો કર્યો. મેચના 2-3 દિવસ પછી પ્રેક્ટિસ સેશન હતું. ધોની પાસે સમાચાર પહોંચ્યા હશે. તેમણે મને બોલાવ્યો અને પૂછ્યું કે શું પ્રોબ્લમ છે? મેં કીધું તબિયત બરાબર નથી. તેમની સાથે વાત કર્યા પછી હું બાંગ્લાદેશમાં મારા મિત્ર સંદીપ સાથે હોસ્પિટલ ગયો હતો. ત્યાં ટેસ્ટ કરાવ્યા અને ડોકટર્સે કહ્યું કે, તમારે ટ્રીટમેન્ટ કરાવી પડશે. ત્યારબાદ આ અંગે ધોનીને પણ ખબર પડી હશે તો તેમણે હોટલમાં મને બોલાવ્યો અને પૂછ્યું અહીંયા રહેવું છે કે ટ્રીટમેન્ટ કરાવી છે? મેં કીધું સર મારે મેચ જોવી છે. તેમણે કીધું, તું ઉભો તો રહી શકતો નથી, મેચ કઈ રીતે જોઇશ? આગામી મેચ ઇન્ડિયા-સાઉથ આફ્રિકાની સેમિફાઇનલ હતી. અને મારે સ્ટેડિયમાંથી જ જોવી હતી. જોકે ધોની સરે મને ચોખા શબ્દોમાં કહ્યું કે, "તું ઘરે જઈશ. અને ટ્રીટમેન્ટ કરાવીશ. સાજો થાઇશ પછી જ મેચ જોઇશ." તેમણે જેટ એરવેઝની ઢાકા ટૂ ચંદીગઢની ડાયરેકટ ફ્લાઇટ બુક કરાવી આપી. મેં ઘરે આવીને સેમિફાઇનલ જોઈ. મારી સારવાર 1 મહિના સુધી ચાલી હતી. મને ડેન્ગ્યૂ થયો હતો. મારી હાલત એટલી ખરાબ હતી કે ડોકટરે કહ્યું કે, 4-5 દિવસ વધુ રોકાઈ જાત તો અઘરું પડત. બધો ખર્ચો ધોનીએ ઉપાડ્યો હતો. તેથી જ હું માહી સરને થેન્ક યુ કહું છું, તેમણે મને બીજું જીવન આપ્યુ છે. જો તેમણે મોકલ્યો ન હોત તો હું પાછો ન આવત અને ક્યારેય મારા ઘરે ન પહોંચત.

સચિન, સૌરવને જોઈને ક્રિકેટનું ગાંડપણ શરૂ થયુંમને નાનપણમાં સ્કૂલ ડેઝથી ક્રિકેટ રમવાનો બહુ શોખ હતો. ભણવામાં એટલો સારો નહોતો. મેચ રમવાની સાથે જોવાની પણ એટલી જ મજા આવતી હતી. સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલીને ટીવી પર જોતો હતો અને પછી ઘર પાસેના મેદાનમાં રમતો હતો. શરૂઆતમાં ક્રિકેટર બનવાની પણ ઘણી ટ્રાય કરી. મોહાલીમાં ક્રિકેટ એકેડમી પણ જોઈન કરેલી. પણ નેક્સ્ટ લેવલ સુધી પહોંચી શકાયું નહોતું. નક્કી કર્યું કે, ખેલાડી તરીકે નહિ તો ફેન બનીને ટીમ ઇન્ડિયાને બધી મેચમાં સપોર્ટ કરીશ.ધોનીમાં માનું છું એટલે અહીં સુધી પહોંચી શક્યોધોનીએ 2004માં ડેબ્યૂ કર્યું, ત્યારે તેમની હેર સ્ટાઇલ ચર્ચાનો વિષય બની હતી. હું સ્ટેડિયમ નહોતો જતો, પણ ક્રિકેટિંગ સ્કિલ્સની સાથે સાથે હું તેમની હેર સ્ટાઇલનો પણ ચાહક હતો. તેમને રમતા જોઈને બોડીમાં એક અલગ પ્રકારનો એડ્રેનાલિન રશ આવતો હતો. ત્યારે મનમાં એક જ વાત અને વિચાર ચાલતો રહેતો કે, હું માહી સરને મળું. કોઈક રીતે મુલાકાત થઈ જાય. બસ તે વિચાર સાથે જ મેં ટીમ ઇન્ડિયાને ફોલો કરવાનું એટલે કે બધી મેચ એટેન્ડ કરવાનું નક્કી કર્યું હતું.ખિસ્સામાં એક રૂપિયો નહોતો,કોઇ જોબ નહોતી અને મેં ટીમ ઇન્ડિયાને ફોલો કરવાનું શરૂ કર્યુંમેં ટીમ ઇન્ડિયાની મેચ હોય તે બધી જગ્યાઓએ જવાનું નક્કી કર્યું હતું. પરંતુ મને ખબર નહોતી કે હું કઈ રીતે જઈશ, ખાવા-પીવાનું કેવી રીતે મેનેજ થશે, રહેવાનું શું કરીશ. મને જરાય અંદાજ ન હતો કે આ જર્નીની પ્રોસેસ શું હશે. ખિસ્સામાં એક રૂપિયો નહિ, કોઈ જોબ નહિ પરંતુ મેં ધારી લીધું હતું કે ઇન્ડિયન ટીમમાં તો ન જઈ શક્યો, પરંતુ કંઈ પણ કરીને સુપરફેન બનવું છે. મારે ધોની સરને મળવું હતું, તેમને હગ કરવું હતું. શરૂઆતમાં મિત્રો મદદ કરતા હતા, તેમજ હું પાર્ટ-ટાઈમ જોબ કરીને પૈસા ભેગા કરતો હતો. બસમાં, ટ્રેનમાં, લિફ્ટ લઈને બધી રીતે હું અલગ અલગ જગ્યાએ પહોંચ્યો છું. 4-5 વાર હું ટિકિટ ખરીદી શક્યો ન હતી અને ટિકિટ ચેકરે મને પકડ્યો હતો.જ્યારે હું ધોની સરને પહેલીવાર મળ્યોભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 2013માં ધર્મશાલા ખાતે વનડે હતી. ત્યારે હું ધોની સરને પહેલીવાર મીડિયા કોન્ફરન્સમાં મળ્યો હતો. પગે લાગવા ગયો તો તેમણે કહ્યું, 'મેરે પેર મત છુઓ, હગ કરો.' તે મારી લાઈફની સૌથી મોટી મોમેન્ટ હતી. ધર્મશાલામાં કાયમ બહુ ઠંડી હોય છે. એ વખતે તો ભારે હીમવર્ષા પણ થઈ હતી. તેમણે મને કહ્યું, તને ઠંડી લાગી જશે, ટી-શર્ટ પહેરી લે. મેં કીધું, તમને મળી લીધું સર, ઠંડીનું શું આવે હવે?પહેલા ખાલી ફેઈસ પેન્ટ કરતો હતોમેં 2006-07માં ટીમ ઇન્ડિયાને ફોલો કરવાની શરૂઆત કરી હતી. ત્યારે હું બોડી પેન્ટ નહોતો કરતો. ખાલી ફેઈસ પેન્ટ કરતો હતો. મારા ધોની સરની જેમ લાંબા વાળ હતા. તેમના નામની ટી-શર્ટ પહેરીને લુક-અલાઈક બનવાનો પ્રયાસ કરીને મેચ જોવા જતો હતો. દર્શકો કહેતા ધોનીની કોપી છે, આ સાંભળીને મોટિવેશન મળતું હતું. પરંતુ હું સમજી ગયો હતો કે આટલું પૂરતું નથી. હું 2011ના વર્લ્ડ કપથી આખી અપર બોડીમાં પેન્ટ કરાવીને મેચ જોવા લાગ્યો હતો. મેં વર્લ્ડ કપમાં તમામ મેચોમાં સ્ટેડિયમથી ટીમ ઇન્ડિયા માટે ચિયરિંગ કર્યું હતું.

અમારી ટેસ્ટ મેચ 6 દિવસ ચાલે છે

​​​અમે બોડીને કલર કરવા ઓઇલ પેઈન્ટનો યુઝ કરીએ છીએ. તેને સુકાતા 6-7 કલાક લાગી જાય છે. સવારની મેચ હોય તો અમારે રાત્રે જ પેઈન્ટ કરવું પડે છે. તેમજ તે દરમિયાન સ્થિર રહેવું પડે છે. આમ વનડે અને T-20 તો બરાબર, પણ ટેસ્ટ હોય તો 6 દિવસ પેન્ટેડ બોડી સાથે જ રહીએ છીએ, જરૂર હોય તો ટચઅપ કરીએ. એકવાર પેઈન્ટિંગ શરૂ થાય એટલે ખાઈ પણ શકતા નથી. માત્ર પ્રવાહી જ લઈએ છીએ.

ધોની સરનું નામ મળી ગયું તેનાથી મોટું બીજું કઈ હોયમને ધોની સર તરફથી શું મળ્યું છે? વેલ, તેમના ફેન તરીકે મારું નામ તેમની સાથે જોડાઈ ગયું છે. તેનાથી ઉપર અને તેનાથી મોટું બીજું કઈ ન હોય શકે. આ મારી સૌથી મોટી અચિવમેન્ટ છે. લોકો મને તેમના નામથી જ ઓળખે છે. ધોની મને હંમેશા પ્રેમથી મળે છે, આરામથી વાત કરે છે. ક્યારેય એવો અનુભવ નથી થતો કે તે એક ફેન સાથે વાત કરતા હોય. એમનો ભાઈ હોવ તે રીતે વાત કરે છે. તેમના ઘરે જાઉં તો પણ મળે છે.

ભારતમાં પોતાના ખર્ચે ટ્રાવેલિંગ, વિદેશ જવાનું હોય ત્યારે ધોની સ્પોન્સર કરે છેભારતમાં ટ્રાવેલ કરવાનું હોય ત્યારે પોતાના પૈસે ટ્રાવેલ કરું છું, ઓફ-સીઝનમાં કામ કર્યું હોય તે પૈસાથી. ક્યારેક મિત્રોની પણ મદદ લઉં છું. વિદેશમાં જવાનું હોય ત્યારે ધોની સ્પોન્સર કરે છે. તેમની સાથે એડવાન્સમાં વાત કરું છું અને પછી તે કહે તે મુજબ આગળ વધુ છું.ફેમિલી બેકગ્રાઉન્ડ

રામબાબુના મોટા ભાઈ ટ્રાવેલ એજન્ટ તરીકે કામ કરે છે, જ્યારે બે નાની બહેન અને એક ભાઈ હજી ભણે છે. તેમના માતાને રામના લગ્નજીવન વિશે ચિંતા સતાવતી રહે છે. રામ કહે છે- હું લગ્નના સવાલથી દૂર ભાગુ છું, તેનું પ્રેશર છે તેનો ઇનકાર નહિ કરું. પરંતુ હું એ વિશે કઈ વિચારતો નથી. આવતીકાલની કોઈને ખબર નથી, જે કંઈ પણ થાય, પણ આ પેશન તો આમ જ યથાવત રહેશે. ટીમ ઇન્ડિયાની સીઝન હોય ત્યારે રામ ટીમ સાથે હોય છે અને ઓફ સીઝનમાં પાર્ટ ટાઈમ જોબ, જેમકે- ડ્રાઈવિંગ, કોઈ દુકાનમાં કામ કરે છે. સીઝન શરૂ થાય એટલે જોબ ખતમ. આવતી ઓફ સીઝનમાં ફરીથી નવી શોધ. આનો જવાબ આપીને સાઇન આઉટ કરતા રામ કહે છે કે- આ તકલીફોથી ફેર નથી પડતો, મને બસ એટલી ખબર છે કે હું છેલ્લા શ્વાસ સુધી ધોની સરનું નામ છાતી પર લખીને ટીમ ઇન્ડિયાને ચીયર કરતો રહીશ.





Mohali's Rambabu, who has been cheering for Dhoni in more than 200 matches for 11 years, says, "My name is associated with Mahi Sir, that's my achievement."