ગત 2 જુલાઈથી દેશભરના ચર્ચાસ્પદ બનેલા 8 પોલીસકર્મીઓના હત્યારા વિકાસ દુબે મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતેથી ઝડપાયો છે. કાનપુર નજીક બિઠુર તાબાના બિકારુ ગામે થયેલી અથડામણમાં 8 પોલીસકર્મીઓને મોતને ઘાટ ઉતાર્યા પછી વિકાસ ફરાર હતો. દરમિયાન, વળતા જવાબ તરીકે પોલીસે વિકાસના 5 સાથીઓને એન્કાઉન્ટરમાં ઢાળી દીધા હતા. વિકાસને શોધવા પ્રયત્નશીલ સ્પેશ્યલ ટાસ્ક ફોર્સના 25 અધિકારીઓ સહિત 100 પોલીસકર્મીઓને વિવિધ ઠેકાણેથી વિકાસની કડી મળતી હતી પરંતુ વિકાસ પોતે હાથ લાગતો ન હતો. સૌપ્રથમ ઓરૈયા ખાતે તેનો પૂરાવો મળ્યો હતો. પોલીસ એ દિશામાં તપાસ આગળ દોડાવે ત્યાં વિકાસ પોતાના પ્રવાસની દિશા બદલી નાંખતો હતો. કાનપુરથી છેક ફરિદાબાદ સુધીનો ટર્ન મારીને તે છેવટે ઉજ્જૈન પહોંચ્યો એ સમગ્ર રૂટ તેના શાતિર દિમાગનો પરિચય આપે છે. તે જે પ્રકારે એક અઠવાડિયામાં ચાર રાજ્યોમાં 1250 કિલોમીટર જેટલું ભટકીને ઉજ્જૈન પહોંચ્યો તેનાં આધારે એવું જણાય છે કે વિકાસની ધરપકડ પ્રથમ દૃષ્ટિએ સમજી-વિચારીને કરેલી ગોઠવણ હોઈ શકે છે.
1. હત્યાકાંડ આચર્યા પછી બે દિવસ કાનપુરમાં કેવી રીતે રહી શક્યો?ગત ગુરુવારે 2 જુલાઈએ વિકાસને પકડવા આવેલ પોલીસ કાફલા પર ફાયરિંગ કરીને તેણે 8 પોલીસકર્મીઓની હત્યા કરી હતી. અંધાધૂંધ ફાયરિંગ કર્યા બાદ તે ઘરની પાછળના દરવાજેથી બાઈક પર બેસીને અમર દુબે નામના તેના બોડીગાર્ડની સાથે ભાગી છૂટ્યો હતો. બે દિવસ સુધી તે કાનપુરની ભાગોળે શિવલી ગામમાં એક મિત્રના ઘરે રોકાયો હતો. એમ છતાં યુપી પોલીસની સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ અને 40 પોલીસ સ્ટેશનના અધિકારીઓને તેની ગંધ સુદ્ધાં ન આવી.
2. નાકાબંધી છતાં કેમ ન ઓળખાયો?શિવલીમાં પોતાનું ઠેકાણું પોલીસને મળે એ પહેલાં તે ટ્રકમાં બેસીને 92 કિલોમીટર દૂર ઓરૈયા પહોંચી ગયો. એ વખતે રસ્તામાં ઠેરઠેર નાકાબંધી કરી દેવાઈ હતી અને વાહનોની આવ-જા પર બારીક નજર રાખવામાં આવતી હતી. તેમ છતાં વિકાસ આસાનીથી ઓરૈયા પહોંચી ગયો હતો.
3. ઓરૈયાથી 385 કિમી દૂર ફરિદાબાદ પહોંચ્યોઓરૈયાથી તે ફરિદાબાદ પહોંચ્યો હતો. એવું માનવામાં આવે છે કે એ માટે તેણે પોતાના સાગરિત જય બાજપાઈની કોઈ ગાડીનો ઉપયોગ કર્યો હતો. સોમવારે બપોરે 3.19 કલાકે ફરિદાબાદમાં તેનું છેલ્લું લોકેશન મળ્યું હતું.
4. સીસીટીવીમાં દેખાયો, પણ હાથ ન લાગ્યોફરિદાબાદની હોટેલમાં વિકાસ રકઝક કરી રહ્યો હોવાની બાતમી મળતાં યુપી એસટીએફ અને હરિયાણા પોલીસે છાપો માર્યો ત્યાં સુધીમાં વિકાસ ત્યાંથી પલાયન થઈ ચૂક્યો હતો. સીસીટીવીમાં તેની ઝલક જોવા મળી હતી. બે રીક્ષાને ઊભી રાખવાનો તેણે પ્રયાસ કર્યો હતો. એ પછી સીસીટીવી કેમેરા પર નજર જતાં તે એક થાંભલાના આડશમાં ઊભો રહી ગયો હતો અને ત્રીજી રીક્ષા આવી તેમાં સવાર થઈને જતો રહ્યો હતો. એ પછી તે સેક્ટર 87માં એક સંબંધીના ઘરે રોકાયો હતો. પોલીસ ત્યાં પહોંચી એ પહેલાં ત્યાંથી પણ નાસી છૂટ્યો હતો.
5. ફરીદાબાદથી ઉજ્જૈન કેવી રીતે પહોંચ્યો?સોમવારે વિકાસ ફરિદાબાદમાં દેખાયો અને ગુરુવારે ઉજ્જૈન ખાતે ઝડપાયો એ દરમિયાન એ ક્યાં હતો એ વિશે કોઈ ઠોસ માહિતી પ્રાપ્ત થતી નથી. એ ફરિદાબાદ (હરિયાણા)થી ફરી પાછો યુપીમાં પ્રવેશીને મથુરાના રસ્તે ઉજ્જૈન પહોંચ્યો હોઈ શકે. અથવા તો હરિયાણાથી રાજસ્થાન થઈને ઉજ્જૈન પહોંચ્યો હોય તેમ બને. એક અનુમાન એવું પણ છે કે ઉજ્જૈન પહોંચતા પહેલાં આગલા દિવસે તે મધ્યપ્રદેશના શાહદોલમાં હતો. આ અનુમાન વધુ મજબૂત એટલાં માટે લાગે છે કે મંગળવારે સ્પેશ્યલ ટાસ્ક ફોર્સે શાહદોલથી વિકાસ દુબેના સાળા જ્ઞાનેન્દ્ર અને ભત્રીજા આદર્શની ધરપકડ કરી હતી.
6. ફરિદાબાદથી ઉજ્જૈન સુધી પોલીસે તેને ન જોયો અને મહાકાલ મંદિરનો ચોકિયાત ઓળખી ગયોએક સવાલ એવો છે કે શું વિકાસ પાસે કોઈ મોટરકાર હતી જેની મદદથી તે આટલા રાજ્યોની સીમા પાર કરીને ઉજ્જૈન સુધી આવી ગયો? ફરિદાબાદમાં સીસીટીવીમાં દેખાયા પછી તો પોલીસની સખ્તી વધી હોવાનો દાવો થઈ રહ્યો હતો. તો પછી 17-18 કલાકની મુસાફરી કરીને તે ઉજ્જૈન સુધી હેમખેમ કેવી રીતે પહોંચી ગયો? હરિયાણા, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશની પોલીસ તેને ક્યાંય ઓળખી શકી નહિ અને મહાકાલ મંદિરનો એક સાધારણ ચોકિયાત તેને ઓળખી ગયો?
7. શું આ ગોઠવણપૂર્વકની શરણાગતિ નથી?પ્રથમ દૃષ્ટિએ સ્પષ્ટ જણાય છે કે આ હેતુપૂર્વક કરેલું સરન્ડર છે. 8 પોલીસકર્મીઓની હત્યાનો આરોપી ગેંગસ્ટર આરામથી મંદિર પરિસરમાં પહોંચે, પોતાનું નામ લખાવીને વીઆઈપી પાસ કઢાવે ત્યાં સુધી તેને કશું જ ન થાય અને એ બહાર નીકળે પછી તરત તેની ધરપકડ થાય. ધરપકડ પણ ટાસ્ક ફોર્સ, એટીએસ કે કમાન્ડોને બદલે સ્થાનિક થાણાના કોન્સ્ટેબલના હાથે થાય એ ગળે ઉતરે એવું નથી.
8. બે વકીલોએ વિકાસને ઉજ્જૈન પહોંચાડ્યો હતો?વિકાસ દુબેએ સરન્ડર કર્યું એ પછી ઉજ્જૈન પોલીસે બે વકીલોને પણ અટકાયતમાં લીધા છે. પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે. બંને વકીલો પોતાની કારમાં લખનૌથી ઉજ્જૈન આવ્યા હતા અને પોલીસે અટકાયત કરી ત્યારે લખનૌ પરત જવાની વેતરણમાં હતા.
9. ખાદી અને ખાખીની મિલીભગત?ઉત્તરપ્રદેશના પૂર્વ ડીજીપી વિક્રમસિંહ પણ આવો જ સવાલ ઉપસ્થિત કરે છે. તેમના મતે વિકાસની પૂછપરછ કરવામાં આવે તો કંઈક મોટા માથાંના નામ ખૂલી શકે છે. જેમાં પોલીસ અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ અને સત્તા પર રહેલાં નેતાઓનો પર્દાફાશ પણ શક્ય છે.
10. કોંગ્રેસના આરોપ અર્થપૂર્ણમધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહે વિકાસની ધરપકડ પછી તરત આક્ષેપ કર્યો હતો કે, "ઉત્તરપ્રદેશ પોલીસના એન્કાઉન્ટરથી બચવા માટે કરાયેલી ગોઠવણ છે. મને જાણવા મળ્યા પ્રમાણે મ.પ્ર. ભાજપના એક વરિષ્ઠ નેતાની દરમિયાનગીરીથી આ શક્ય બન્યું છે. શિવરાજ તો અકારણ બધો જશ લઈ રહ્યા છે. ખરું શ્રેય તો ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાને જ મળવું જોઈએ. ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી વખતે નરોત્તમ મિશ્રા કાનપુર જિલ્લાના પ્રભારી હતા" દિગ્વિજયનું આ બયાન બહુ સૂચક છે.વિકાસ દુબેની ધરપકડ પછી સૌથી પહેલું નિવેદન મ.પ્ર.ના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાનું જ આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'વિકાસ રાજ્યમાં પ્રવેશે એવી શક્યતાને ધ્યાનમાં લઈને અમે મ.પ્ર. પોલીસને હાઈ એલર્ટ પર રાખી જ હતી. ઈન્ટેલિજન્સની બધી માહિતી આપી ન શકાય, પરંતુ અમે વિગતે તપાસ કરીશું.' વિકાસની ધરપકડ મંદિરમાં થઈ કે મંદિર પરિસરની બહાર એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, 'અંદર કે બહાર, આમાં મંદિરને વચ્ચે લાવવાની જરૂર નથી'
UP gagster vikas dubet arrsted in MP Ujjain, 10 questions News and updates