Translate to...

આ છે બાબુલાલ ટેલર્સ, જે પેઢીઓથી રામલલ્લાના વસ્ત્રો સીવે છે, શિલાન્યાસ પ્રસંગે પણ કર્યું છે ખાસ આયોજન

આ છે બાબુલાલ ટેલર્સ, જે પેઢીઓથી રામલલ્લાના વસ્ત્રો સીવે છે, શિલાન્યાસ પ્રસંગે પણ કર્યું છે ખાસ આયોજન
5 ઓગસ્ટે વડાપ્રધાન મોદીના હસ્તે રામમંદિરનો શિલાન્યાસ થવા જઈ રહ્યો છે ત્યારે અયોધ્યાના ખૈસારી બજાર સ્થિત એક નાનકડી દુકાન દિવસ-રાત ધમધમી રહી છે. ભગવતીપ્રસાદ નામના દરજી અને તેમના સહાયકો બહુ ચીવટપૂર્વક કાપડની પસંદગી કરી રહ્યા છે. તેનું કટિંગ કરવા વિશે અને તેનાં પર ભરતકામ વિશે ય ગંભીરતાપૂર્વક ચર્ચા થતી રહે છે, અને એ થવી પણ જોઈએ કારણ કે આખરે તો એ રામલલ્લાના કપડાં છે. જી હા, અયોધ્યાના બાબુલાલ ટેલર્સની દુકાને ચાર પેઢીથી ભગવાન શ્રીરામના વસ્ત્રો તૈયાર થાય છે અને શિલાન્યાસના દિવસે પણ રામલલ્લા અહીં તૈયાર થયેલાં વસ્ત્રો જ પરિધાન કરશે.

ભગવતીપ્રસાદના દાદા બાબુલાલના જમાનાથી રામમંદિરમાં ભગવાનની મૂર્તિ માટેના વસ્ત્રો અહીંથી તૈયાર થતાં રહે છે. હવે ભગવતીપ્રસાદ અને તેમના પુત્રો પણ આ પરંપરા આગળ ધપાવી રહ્યા છે. શિલાન્યાસના દિવસે રામલલ્લા માટે વિશિષ્ટ વસ્ત્રો તૈયાર થઈ રહ્યા છે. આ અંગે રામજન્મભૂમિના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસ અને સંત કલકીરામે ભગવતીપ્રસાદ સાથે વિચારણા પણ કરી લીધી છે.

પરંપરા મુજબ, અઠવાડિયાના સાતેય વાર મુજબ રામલલ્લાની મૂર્તિને વિવિધ રંગોના પરિધાન કરાવાય છે. એ મુજબ, સોમવારે શ્વેત, મંગળવારે લાલ, બુધવારે લીલો, ગુરુવારે પીળો, શુક્રવારે હળવો ક્રિમ, શનિવારે જાંબલી અને રવિવારે ગુલાબી રંગનો પોષાક પહેરાવવાની પરંપરા છે. શિલાન્યાસના દિવસે બુધવારે છે આથી લીલા રંગનો પોષાક પસંદ કરવામાં આવ્યો છે. જોકે સંત કલકીરામ સહિતના ભક્તોએ આ વિશેષ પ્રસંગે રામલલ્લાને ભગવા રંગના વસ્ત્રો પહેરાવવાનો આગ્રહ રાખ્યો હતો. પરંતુ પરંપરાનું પાલન થાય અને ભક્તોની લાગણીને પણ અનુસરી શકાય એ હેતુથી શિલાન્યાસ પ્રસંગે લીલા રંગના ડ્રેસમાં ભગવા રંગના ફૂલ-પાંદડીની એમ્બ્રોડરી વાળા વસ્ત્રો રામલલ્લાને પહેરાવવામાં આવશે. વસ્ત્રોમાં કમખાની દોરીની જગ્યાએ નવરત્ન માળા અને જરીની પટ્ટી મઢેલી હશે.Babulal tailor Ramallah's cloth Ayodhya Ram Mandir News and update