ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના તાબા હેઠળ આવતી નાગરિક પુરવઠાના જિલ્લા અને તાલુકા કક્ષાના કુલ 235 ગોડાઉન ઉપર 24 કલાક સિક્યુરિટી માટે આઠ-આઠ કલાકની ત્રણ શિફ્ટમાં 723 પૂર્વ સૈનિકોને સિક્યુરિટી ગાર્ડ તરીકે મુકવામાં આવશે. 11 માસના કરારથી રૂ. 20839ના માસિક મહેનતાણાથી ભરતી માટે રાજ્ય નાગરિક પુરવઠા નિગમ અને નિયામક સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટના સંયુક્ત ઉપક્રમે ગાર્ડની પસંદગી પ્રક્રિયા કરવામાં આવી હતી.
નિગમ દ્વારા જ સીધો પગાર ચૂકવાશે 28 જુલાઈએ નિગમના એમ.ડી તુષાર એમ. ધોળકિયા,IASની અધ્યક્ષતા હેઠળ તેમજ ગૃહ વિભાગના પ્રતિનિધિની ઉપસ્થિતિમાં ગાંધીનગર સ્થિત રાજ્ય નાગરિક પુરવઠા નિગમની ઓફિસ ખાતે ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરતી થનાર પૂર્વ સૈનિકોને તેઓના વતનની નજીકના ગોડાઉન કેન્દ્રો પર નોકરી મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આ ભરતીની વિશેષતા એ છે કે નિગમ દ્વારા પૂર્વ સૈનિકોની સીધી ભરતી કરવામાં આવેલ છે અને મહેનતાણું પણ નિગમ દ્વારા સીધું જ પૂર્વ સૈનિકને ચૂકવવામાં આવશે. દેશની સેવા કરી નિવૃત્ત થયેલા ગુજરાતના 723 પૂર્વ સૈનિકોને પોતાના વતનમાં જ રોજગાર મળી રહેશે. નિમણુંક થયેલ પૂર્વ સૈનિકોને ટૂંક સમયમાં પસંદગી પામેલ કેન્દ્રો પર હાજર થવાનું રહેશે.
ગાંધીનગર સ્થિત રાજ્ય નાગરિક પુરવઠા નિગમની ઓફિસ ખાતે ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું