Translate to...

હ્યુમન રાઇટ્સ વોચે કહ્યું- વિરોધીઓનો અવાજ દબાવવા માટે ઇમરાન સરકાર તપાસ એજન્સીઓનો ઉપયોગ કરી રહી છે, વૃદ્ધ નેતાઓને પણ જેલમાં નાંખ્યા

હ્યુમન રાઇટ્સ વોચે કહ્યું- વિરોધીઓનો અવાજ દબાવવા માટે ઇમરાન સરકાર તપાસ એજન્સીઓનો ઉપયોગ કરી રહી છે, વૃદ્ધ નેતાઓને પણ જેલમાં નાંખ્યા
માનવ અધિકાર મામલાઓ પર નજર રાખતી સંસ્થા હ્યુમન રાઇટ્સ વોચ (HRW)એ પાકિસ્તાનની ઇમરાન સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. HRWએ કહ્યું છે કે, પાકિસ્તાન સરકાર વિપક્ષ અને વિરોધીઓનો અવાજ દબાવવા માટે તપાસ એજન્સીઓનો ઉપયોગ કરી રહી છે. સંસ્થાએ ખાસ કરીને ભ્રષ્ટાચાર જેવા મામલાઓની તપાસ કરતી એજન્સી નેશનલ એકાઉન્ટેબિલિટી(નૈબ)નો ઉલ્લેખ કર્યો છે. આ એજન્સીએ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી સહીત કેટલાક નેતાઓ પર ફક્ત કેસ જ દાખલ ન કર્યો, પણ ગેરકાયદેસર રીતે તેમની ધરપકડ કરી જેલમાં પણ રાખવામાં આવ્યા છે.

આ સરમુખત્યારશાહી પદ્ધતિ

HRWએ નૈબના વલણ પર કહ્યું કે, ઇમરાન સરકારની આ તપાસ એજન્સી સરમુખત્યારશાહી સમયની યાદ અપાવે છે. આનો ઉપયોગ વિપક્ષનો અવાજ દબાવવા અને તેમના નેતાઓને ટોર્ચર કરવા માટે કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે પણ આ તપાસ એજન્સીના અધિકારોમાં ઘટાડો કરવા જણાવ્યું છે. આ બાબતે સુપ્રીમ કોર્ટે 87 પેજનો આદેશ પણ જાહેર કર્યો હતો. પરંતુ, સરકારે આ દિશામાં કોઈ જ પગલાં ભર્યા ન હતા.

બિલાવલ ભુટ્ટોનું ઉદાહરણ

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાન યુવા વિપક્ષ નેતા બિલાવલ ભુટ્ટો ઝરદારી વિરુદ્ધ કોઈપણ પ્રકારનો કેસ દાખલ નથી. પરંતુ, નૈબે તેમને પણ હાજર થવા આદેશ આપ્યો છે. આ બાબતને સ્પષ્ટ રીતે રાજકીય બદલો કેમ ન માનવામાં આવે? ઇસ્લામાબાદ હાઇકોર્ટે ફેબ્રુઆરીમાં જ કહ્યું હતું કે નૈબ દ્વારા સત્તા બચાવવા અને તેને મજબૂત કરવાના પ્રયાસ થઇ રહ્યા છે, જેને તાત્કાલિક બંધ કરવા જોઈએ.

આ કેવો કાયદો

નૈબ કોઈપણ વ્યક્તિને કોઈ જ આરોપ વગર 90 દિવસ સુધી કસ્ટડીમાં રાખી શકે છે. આ માટે ઇમરાન સરકારે સંસદમાં બિલ પસાર કરાવ્યું હતું. પાકિસ્તનના મોટા પત્રકાર મીર શકીલ- ઉર- રહેમાનને સરકાર વિરુદ્ધ આર્ટિકલ લખવા બદલ માર્ચમાં ધરપકડ કરવામાં આવી હતી. તેઓ હજી પણ જેલમાં છે. જ્યારે, હાઇકોર્ટે તેમની મુક્તિનો આદેશ પણ આપ્યો છે.

આ નેતાઓની પણ ધરપકડ કરવામાં આવી

આસિફ અલી ઝરદારી ગત વર્ષથી જ આરોપ સાબિત થયા વગર જેલમાં છે. નવાઝ શરીફ પણ ઘણા મહિના જેલમાં રહ્યા. તબિયત બગાડતા તેમને સુપ્રીમ કોર્ટે વિદેશ જવા માટેની મંજૂરી આપી હતી. પૂર્વ વડાપ્રધાન ગિલાની અને શાહિદ ખકાન અબ્બાસી જેલ જઈ આવ્યા છે. પંજાબ યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર મુજાહીદ કામરાન અને પ્રોફેસર જાવેદ અહેમદ તો વર્ષ 2018થી જેલમાં છે. તેમને ઈમરાનના વિરોધી માનવામાં આવે છે.

રિપોર્ટનો અર્થ શું છે

આ રિપોર્ટમાં ઇમરાન સરકાર પર દબાણ વધશે તે નક્કી છે. પાકિસ્તાન વર્લ્ડ બેન્ક, એશિયન ડેવલપમેન્ટ બેન્ક એટલે એડીબી અને આઈએમએફથી લીધેલા દેવાની ચુકવણી માટે પણ લોન માંગી રહ્યું છે. આ સંસ્થાઓ લોન દેતા પહેલા માનવ અધિકાર સહીત અનેક રિપોર્ટ પર નજર નાંખે છે. જો ઇમરાન સરકારે તાનાશાહી વલણ ન છોડ્યું તો તેમની મુશ્કેલીઓ વધશે તે નક્કી છે.ફોટો જૂન 2019નો છે. નૈબ પીપીપીના નેતા અને પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીની ધરપકડ કરવાની હતી. તે પહેલા તેમણે પાર્ટી નેતાઓ અને પુત્રી ફાતિમા સાથે પોતાના ઘરે મિટિંગ કરી હતી. થોડીવાર બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી ઝરદારી જેલમાં છે.