હવે મલેશિયાએ પાકિસ્તાનના પાયલટ્સ પર પ્રતિબંધ લગાવ્યો, કહ્યું- પાકિસ્તાનના એવિએશન મિનિસ્ટરે પોતે સ્વીકાર્યું કે તેમના 40% પાયલટ્સ ખોટા છે

હવે મલેશિયાએ પાકિસ્તાનના પાયલટ્સ પર પ્રતિબંધ લગાવ્યો, કહ્યું- પાકિસ્તાનના એવિએશન મિનિસ્ટરે પોતે સ્વીકાર્યું કે તેમના 40% પાયલટ્સ ખોટા છે



યૂરોપિયન યૂનિયન, બ્રિટન અને ખાડી દેશો પછી હવે મલેશિયાએ પણ પાકિસ્તાનના પાયલટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સિવિલ એવિએશન ઓથોરિટી ઓફ મલેશિયાએ (CAAM) શુક્રવારે મોડી રાતે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું કે, પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ એટલે કે PIA અંગે જે માહિતી સામે આવી છે, તેનાથી અમે ચિંતિત છીએ. આ પાયલટ્સ પર અમે તાત્કાલિક ધોરણે પ્રતિબંધ લગાવી રહ્યા છીએ.
CAAMના CEO કેપ્ટન ચેસ્ટર વૂએ જણાવ્યું કે, અમે આ કેસ પર નજર રાખી રહ્યા હતા. પાકિસ્તાનના એવિએશન મિનિસ્ટર ગુલામ સરવર ખાને પોતે સંસદમાં સ્વીકાર્યું છે કે દેશના 40% પાયલટના લાયસન્સ ખોટા છે. પાકિસ્તાનના 107 પાયલટ્સ ફોરેન એરલાઈન્સ કંપનીમાં કામ કરે છે.

પેસેન્જર્સની સુરક્ષા સૌથી પહેલા
મલેશિયા એવિએશન ઓથોરિટીએ જણાવ્યું કે, પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટી અંગે જે વાતો સામે આવી રહી છે, તેમના વિશે ગંભીરતાથી વિચારવું જરૂરી છે. હાલના દિવસોમાં ઘણા દેશોએ PIA અને તેના પાયલટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. અમે પણ તાત્કાલિક તેમની ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવી રહ્યા છીએ. અમે અમારા સ્તરે પણ ઘણા પાયલટ્સના લાઈસન્સની તપાસ કરીશું.

મુસ્લિમ દેશોએ પણ પ્રતિબંધ લગાવ્યો
કુવૈત, ઈરાન, જોર્ડન, UAE જેવા દેશ પહેલા જ PIA અને પાકિસ્તાનના પાયલટ પર પ્રતિબંધ લગાવી ચુક્યા છે. ત્યારબાદ વિયતનામ અને બ્રિટને પણ આ નિર્ણય કર્યો છે. હવે આ લિસ્ટમાં મલેશિયા પણ સામેલ થઈ ગયું છે.

શરૂઆત ક્યાંથી થઈ
22 મેના રોજ કરાચીમાં PIAનું પ્લેન ક્રેશ થયું હતું. 25 જૂને તેનો તપાસ રિપોર્ટ સંસદમાં રજુ કરાયો હતો. એવિએશન મિનિસ્ટરે કહ્યું કે, દુર્ઘટના પાયલટ્સની ભૂલના કારણે સર્જાઈ હતી. તે કોરોના અંગે ચર્ચા કરવામાં લાગેલા હતા. PIAમાં 860 પાયલટ છે. 262ના લાયસન્સ ખોટા હોવાની શંકા છે. તેમના પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. દેવાદાર થઈ ચુકેલી PIAની મુશ્કેલીઓમાં હવે વધારો થઈ રહ્યો છે.









પાકિસ્તાનમાં કરાચી પ્લેન ક્રેશ બાદ આ ઘટસ્ફોટ થયો હતો કે 860માંથી 262 પાયલટ્સ પાસે ખોટા લાયસન્સ છે. જેમાંથી 107 અન્ય દેશોની એરલાઈન્સ કંપનીમાં કામ કરે છે(ફાઈલ)