Translate to...

હવે કેન્દ્ર સરકાર ભારતીય ભાષાનાં અખબારોને 80% જાહેરખબર આપશે

હવે કેન્દ્ર સરકાર ભારતીય ભાષાનાં અખબારોને 80% જાહેરખબર આપશેકેન્દ્ર સરકાર અખબારોને અપાતી જાહેરખબરોને લઈને એક મહત્ત્વનો નિર્ણય કરવા જઈ રહી છે. સરકાર હવે 80% અખબારી જાહેરખબરો ભારતીય ભાષાઓના અખબારોને અને બાકીની 20% અંગ્રેજી સમાચારપત્રોને આપશે. સરકારની પ્રિન્ટ મીડિયા જાહેરખબર નીતિમાં આ પ્રસ્તાવ રજૂ કરાયો છે.

સૂચના અને પ્રસારણ મંત્રાલયે કહ્યું કે, હવે મંત્રાલય/વિભાગોએ નવી નીતિ હેઠળ વ્યૂહ બનાવવો પડશે, જેનાથી વધુને વધુ પ્રસાર નક્કી થઈ શકે. નવી નીતિ હેઠળ 15% જાહેરખબર નાના અખબારો, 35% મધ્યમ કક્ષાના અખબારો અને 50% જાહેરખબરો મોટા સમાચાર પત્રોને અપાશે. 25 હજાર સુધીનો ફેલાવો ધરાવતા અખબારો નાના, 25,001થી હજારથી 75 હજાર સુધીનો ફેલાવો ધરાવતા અખબારો મધ્યમ તેમજ 75 હજારથી વધુ ફેલાવો ધરાવતા અખબારો મોટા ગણાશે.

સરકારનું કહેવું છે કે, આ નિયમથી બોડો, ડોગરી, ગઢવાલી જેવી ભારતીય ભાષાઓને પણ સમાન તક મળશે. નવા નિયમોનો લાભ એ જ અખબારોને મળશે, જે ઓછામાં ઓછા 36 મહિનાથી કોઈ અવરોધ વિના પ્રકાશિત થઈ રહ્યા છે. બોડો, ડોગરી, ગઢવાલી, કાશ્મીરી, ખાસી કોંકણી અને મૈથિલી સહિત કેટલીક ભાષાના અખબારોને છ મહિનાની છૂટ અપાઈ શકે છે.

આ સાથે જમ્મુ-કાશ્મીર અને લદાખ જેવા સરહદી વિસ્તારોના અખબારોને પણ છૂટ મળશે. વિશેષ સંજોગોમાં આ નિયમમાં છૂટની પણ જોગવાઈ છે, પરંતુ એ માટે જાહેરખબર આપનારા મંત્રાલયે વિસ્તૃત કારણ જણાવવું પડશે. કયા અખબારોને જાહેરખબર અપાશે, તેનો નિર્ણય બ્યુરો ઓફ આઉટરિચ એન્ડ કોમ્યુનિકેશન (બીઓસી)એ કરવાનો છે.

રાજ્યો ટૂંકમાં નિર્ણય લેશે હમણા સુધી દેશની લગભગ તમામ રાજ્ય સરકારોની ગાઈડલાઈનની રીતે જ રાજ્યોની જાહેરખબર નીતિ બનતી હતી. હવે કેન્દ્રની પ્રસ્તાવિત ગાઈડલાઈન પછી દેશનાં તમામ રાજ્યો પોતાની જાહેરખબર નીતિ નક્કી કરી શકશે. હાલ રાજ્ય સરકારોના જાહેરખબર બજેટનો મોટો હિસ્સો અંગ્રેજી અખબારો અને ન્યૂઝ ચેનલોને જતો રહે છે. રાજ્ય સરકારો એ મુદ્દો પણ જોશે કે, જે જાહેરખબરોના પૈસા પ્રદેશ બહારના અખબારો-ટીવી ચેનલોને અપાય છે, તેની ઉપયોગિતા શું છે અને તેની મર્યાદા કેવી રીતે નક્કી થાય. સંભવત: કેન્દ્રની નીતિ જાહેર થતાં જ તમામ રાજ્ય સરકારો એક સમિતિની રચના કરીને નીતિ બનાવશે, જેથી રાજ્યમાં પ્રચાર-પ્રસાર કરવા જાહેરખબરના બજેટનો યોગ્ય ઉપયોગ થઈ શકે.ફાઇલ તસવીર.