જ્યારે કોરોનાવાઈરસના કેસ વધવાની રફ્તાર હાથમાંથી છટકી જાય અને વેક્સિન કે અસરકારક દવાઓ આવવાને હજી વાર હોય ત્યારે સરકારો ‘હર્ડ ઈમ્યુનિટી’ નામનું તરણું ઝાલવા મથે છે. પરંતુ સ્પેનમાં 60 હજાર લોકો પર થયેલો સ્ટડી હર્ડ ઈમ્યુનિટીની આશા પર ઠંડું પાણી રેડી દે છે. સ્પેનમાં લગભગ 61 હજારથી પણ વધુ લોકો પર સ્ટડી કરવામાં આવ્યો હતો, જેમાંથી માત્ર 5.2 ટકા લોકોમાં જ કોરોનાની વિરુદ્ધના એન્ટિબોડી પેદા થયા હતા. એવી થિયરી છે કે જ્યારે કોઈ દેશ કે શહેરની બહુ બધી વસ્તીને કોરોનાનો ચેપ લાગે (અને જેથી તેમનાં શરીરમાં તે રોગની વિરુદ્ધના એન્ટિબોડીઝ પેદા થઈ જાય) ત્યારે તેમનામાં હર્ડ ઈમ્યુનિટી પેદા થાય છે અને વાઇરસનો ફેલાવો અટકી જાય છે. આ માટે સૌથી અસરકારક રસ્તો વધુમાં વધુ લોકોને જે તે રોગની વેક્સિન મૂકવાનો છે. પરંતુ અત્યારના તબક્કે આવી કોઈ હર્ડ ઈમ્યુનિટીની ઈફેક્ટ સ્પેનના લોકોમાં જોવા મળી નહોતી. આ સ્ટડી ‘લાન્સેટ’ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયો છે. યુરપિયન દેશોમાં થયેલો આ પ્રકારનો આ સૌથી મોટો સ્ટડી છે.
‘હર્ડ ઈમ્યુનિટીનો પ્રયાસ કરવો અનૈતિક છે’આ સ્ટડીની સાથે જીનિવા સેન્ટર ફોર ઈમર્જિંગ વાઇરલ ડિસીઝીસના હેડ ઈઝાબેલા એકર્લે અને જીનિવા યુનિવર્સિટીના વાઇરોલોજિસ્ટ બેન્જામિન મેયરે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ‘આ સ્ટડીનાં તારણોને જોતાં નેચરલ ઈન્ફેક્શન એટલે કે કુદરતી રીતે ચેપનો ફેલાવો કરીને હર્ડ ઈમ્યુનિટી મેળવવાનો કોઈપણ પ્રયાસ પૂરેપૂરો અનૈતિક છે. એટલું જ નહીં, તે ક્યારેય હાંસલ થઈ શકે તેમ છે પણ નહીં.’
કોઈ વ્યક્તિના શરીરમાં કોરોનાની સામેના એન્ટિબોડીઝ મોજુદ હોય, તો તેને ચેપ લાગશે જ નહીં તે મુદ્દે પણ ડૉક્ટરો સ્પષ્ટપણે કહી શકે તેવી સ્થિતિમાં નથી. શરીરમાં એન્ટિબોડી હોય તો તે વ્યક્તિને કેટલા સમય સુધી કોરોના સામે રક્ષણ કરી શકે તે પણ સોય ઝાટકીને કહી શકાય તેમ નથી.
લૉકડાઉન દરમિયાન આ સ્ટડી થયો હતોસ્પેન એ યુરોપમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત થનારા દેશોમાં સામેલ છે. છેલ્લા આંકડા પ્રમાણે ત્યાં કોરોનાના લગભગ ત્રણ લાખ જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે, જ્યારે 28 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. સ્પેન જ્યારે સ્ટ્રિક્ટ લૉકડાઉનમાં હતું ત્યારે 27 એપ્રિલથી 11 મે દરમિયાન આ દેશવ્યાપી સ્ટડી કરવામાં આવ્યો હતો. સ્પેનના સૌથી મોટા શહેર મેડ્રિડમાં કોરોનાના સૌથી વધુ કેસો હતા. આ સ્ટડીમાં સામેલ ત્યાંના 10 ટકા લોકોમાં એન્ટિબોડીઝ જોવા મળ્યા હતા. જ્યારે બીજા સૌથી મોટા સ્પેનિશ સિટી બાર્સેલોનામાં આ પ્રમાણ 7 ટકા હતું. જ્યારે અમુક દરિયાકિનારાના વિસ્તારોમાં તો આ પ્રમાણ માંડ 2.5 ટકા જેટલું જ જોવા મળ્યું હતું.
No herd immunity, antibodies were not found in even 5% of people in Spain, the study was done on 61 thousand people.