હજુય ગુજરાતમાં કોરોનાને કારણે દર કલાકે એકનું મોત, મંગળવારે 24 મોત

હજુય ગુજરાતમાં કોરોનાને કારણે દર કલાકે એકનું મોત, મંગળવારે 24 મોતગુજરાતમાં કોરોનાના દર્દીઓના મૃત્યુનો આંક નીચો ગયા બાદ છેલ્લા કેટલાક દિવસોથી પાછો વધ્યો છે. મંગળવારે 24 દર્દીઓના મોત નોંધાતા સરેરાશ દર કલાકે એક દર્દીનું ગુજરાતમાં મૃત્યુ નોંધાયું છે. આ સાથે ગુજરાતમાં કોરોનાને કારણે કુલ 2,372 લોકો મૃત્યુ પામ્યા છે. મંગળવારે સુરત શહેરમાં 7,સુરત જિલ્લામાં 5, અમદાવાદ શહેરમાં 4, ભાવનગર શહેર અને રાજકોટ અને જામનગરમાં 2-2, જ્યારે ગાંધીનગર અને વડોદરામાં 1-1 દર્દીઓના મૃત્યુ થયા છે. ગુજરાતમાં હાલ મૃત્યુદર 4.12 ટકા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 1,108 કેસ નોંધાયા છે અને આ સાથે કુલ કોરોના સંક્રમિત દર્દીઓનો આંક 57,982 પર પહોંચ્યો છે.

ગુજરાત સરકારના દાવા મુજબ દૈનિક ધોરણે કોરોનાના નવા કેસ નોંધાવાના આંકડા ચકાસતાં હાલ ગુજરાત અગિયારમા ક્રમે છે. ગુજરાતમાં હાલ 13, 198 એક્ટિવ દર્દીઓ છે અને સમગ્ર ભારતમાં એક્ટિવ દર્દીઓની સંખ્યાએ ગુજરાત નવમા સ્થાને છે. હજુ 87 દર્દીઓની સ્થિતિ નાજુક હોઇ તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. તેની સામે 1,042 દર્દીઓને ગુરુવારે ગુજરાત સરકારે કોરોનામુક્ત જાહેર કરી ડિસ્ચાર્જ આપ્યો છે. આવાં કુલ દર્દીઓનો આંકડો હવે 42,412 થયો છે. જેથી હવે ગુજરાતનો રીકવરી રેટ 73 ટકાથી વધુ છે. ગુજરાતમાં દર દસલાખની વસ્તીએ 9,800થી વધુ સેમ્પલ ટેસ્ટ કરાયાં છે અને તેનો કુલ આંકડો અત્યાર સુધીમાં 6.90 લાખ છે. એક જ દિવસમાં રાજ્યભરમાં 22 હજારથી વધુ સેમ્પલ ટેસ્ટ કરાયા છે. જ્યારે 4.72 લાખ લોકો હાલ ક્વોરન્ટીન છે.

દેશમાં 3 દિવસમાં બીજીવાર 50 હજારથી વધુ કેસ દેશમાં કોરોનાના દર્દી 15 લાખને પાર થઈ ગયા છે. મંગળવારે 50,788 નોંધાયા હતા. ત્રણ દિવસમાં બીજીવાર એવું નોંધાયું છે કે 50 હજારથી વધુ દર્દી મળ્યા હોય. 24 કલાકમાં 788 લોકોના મોત થયા હતા. આમ કુલ મૃત્યુઆંક 34 હજારથી વધુનો થઈ ગયો છે. છેલ્લા ત્રણ દિવસમાં જ 2100 લોકોનાં મોત થયા છે. મંગળવારે મૃત્યુદર 2.23 ટકા રહ્યો હતો. દેશમાં સૌથી વધુ 7717 કેસ મહારાષ્ટ્રમાં મળ્યા હતા. દેશમાં પહેલીવાર પૂણેમાં ગર્ભસ્થ શિશુ સુધી કોરોના પહોંચી ગયો છે. માતા કોરોનાગ્રસ્ત હોવાથી ભ્રૂણ સુધી ચેપ પહોંચ્યો હોવાનું મનાય છે.Still one death every hour due to corona in Gujarat, 24 deaths on Tuesday