ભારતમાં જ્યારે પણ ક્રાઈમના કેસની તપાસની વાત આવે ત્યારે મોટાભાગના લોકો CBI તપાસની માગણી કરે છે. જ્યારે પણ વિવાદ વધે ત્યારે CBI તપાસની માગ થવા લાગે છે. એક્ટર સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ પોતાના મુંબઈ સ્થિત ફ્લેટમાં ગળેફાંસો ખાધો હતો. કેટલાક લોકો કહી રહ્યા છે કે આ આત્મહત્યા છે તો કેટલાક લોકો સુશાંતના મોતને શંકાસ્પદ માની રહ્યા છે. આ મુદ્દે રાજકીય માહોલ પણ ગરમાયો છે. બિહાર પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું હતું કે સુશાંતના પિતા ઈચ્છશે તો CBI તપાસની ભલામણ કરી શકાય છે.
આ કેસમાં મહારાષ્ટ્રની ઉદ્વવ ઠાકરે સરકારની ભૂમિકા સ્પષ્ટ છે. આ કેસની તપાસ મહારાષ્ટ્ર પોલીસ જ કરશે. મહારાષ્ટ્ર સરકાર ઈચ્છતી નથી કે આ કેસની તપાસ CBIને સોંપવામાં આવે. સવાલ એ છે કે CBI તપાસની માગ કેમ થઈ રહી છે? આ તપાસથી શું થશે? શું CBI જાતે આ કેસની તપાસ પોતાના હાથમાં લઈ શકે ખરા?
સુશાંત સિંહના મોત પર રાજકારણ કેમ ગરમાયું?
સુશાંત સિંહ રાજપૂત બિહારનો છે. તેનું મોત બિહારમાં આ વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય મુદ્દો બની શકે છે. મુંબઈમાં મોત થયું છે અને આ જ કારણે શિવસેના, કોંગ્રેસ તથા NCPની સરકાર નિશાના પર છે.સુશાંતના પિતા કે કે સિંહે પટનામાં પોલીસ ફરિયાદ કરી હતી. તેમણે રિયા ચક્રવર્તી પર ગંભીર આક્ષેપો કર્યા હતા. ત્યારબાદ બિહાર પોલીસે તપાસ શરૂ કરી દીધી હતી. આ સમયે બિહાર પોલીસ મુંબઈમાં જ છે. બિહાર પોલીસે સુશાંતની બહેન સહિત કેટલાક લોકોના નિવેદન નોંધ્યા છે.એવો પણ આક્ષેપ મૂકવામાં આવ્યો છે કે મહારાષ્ટ્ર પોલીસ બિહાર પોલીસને મદદ કરતી નથી. મહારાષ્ટ્રમાં ભાજપ મુખ્ય વિરોધ પક્ષ છે અને બિહારની સાથે કેન્દ્રમાં પણ સત્તા પર છે. આ જ કારણે મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર પર દોષિતોને બચાવવાનો આક્ષેપ લગાવામાં આવી રહ્યો છે.હાલમાં એ બતાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે મહારાષ્ટ્ર પોલીસ એક બિહારી એક્ટરને ન્યાય અપાવી શકતી નથી. નીતીશ કુમારે કહ્યું હતું કે જો સુશાંતના પિતા ઈચ્છશે તો CBI તપાસની ભલામણ થઈ શકે છે. તો ઉદ્ધવે પણ સ્પષ્ટતા કરી છે કે તે આ કેસની તપાસ CBIને સોંપશે નહીં.એક્ટર શેખર સુમને પણ CBI તપાસની માગ લઈને રાજ્યપાલ ભગત સિંહની મુલાકાત કરી હતી. તે સોશિયલ મીડિયામાં સુશાંતને ન્યાય મળે તે માટે અભિયાન ચલાવે છે. ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે સુશાંત સિંહે આત્મહત્યા કરી નથી પરંતુ તેની હત્યા થઈ છે. તેઓ CBI તપાસની માગણી સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવાની તૈયારી કરી રહ્યા છે.મહારાષ્ટ્ર સરકારને CBI તપાસ સામે કેમ વાંધો છે?
મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું હતું કે મુંબઈ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. પોલીસની તપાસ યોગ્ય દિશામાં છે. CBIને તપાસ સોંપવાનો સવાલ જ નથી. ટૂંક સમયમાં જ ફાઈનલ રિપોર્ટ સામે આવશે.અત્યાર સુધી મહારાષ્ટ્ર પોલીસે મહેશ ભટ્ટ, રાજીવ મસંદ, સંજય લીલા ભણસાલી, આદિત્ય ચોપરા સહિત 41 લોકોની પૂછપરછ કરી છે.સુશાંતના મોતની તપાસ જો CBIને સોંપવામાં આવે છે તો તેને અર્થ એવો થશે કે મહારાષ્ટ્ર પોલીસની તપાસ યોગ્ય દિશામાં નહોતી. પોલીસે આરોપીઓને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.સુશાંતના સંબંધી તથા ભાજપ MLA નીરજ કુમાર સિંહે કહ્યું હતું કે મહારાષ્ટ્ર પોલીસે અત્યાર સુધી કોઈ કેસ દાખલ કર્યો નથી. તપાસ પણ ઔપચારિક છે. તેમને પોલીસ તપાસ પર વિશ્વાસ નથી.શા માટે CBIએ પોતાના હસ્તક તપાસ નથી લીધી?
CBI કોઈ પણ કેસની તપાસ જાતે પોતાના હસ્તક લઈ શકે નહીં. આ માટે ચોક્કસ પ્રક્રિયા નિર્ધારિત છે. કેન્દ્રીય તપાસ એજન્સી સુશાંતના મોતની તપાસ ત્યારે જ કરી શકે જ્યારે...મહારાષ્ટ્ર સરકાર CBIને ત્યારે જ તપાસનું કહી શકે જ્યારે કેન્દ્ર સરકાર પરવાનગી આપે. સામાન્ય રીતે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની ભલામણ પર તપાસ એજન્સી પાસેથી કમેન્ટ લે છે અને પછી જ તપાસ માટે નોટિફિકેશન જાહેર થાય છે.રાજ્ય સરકાર દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ (DSPE) એક્ટના સેક્શન 6 હેઠળ સહમતિનું નોટિફિકેશન જાહેર કરે છે. આના પર કેન્દ્ર સરકાર DSPE એક્ટના સેક્શન 5 હેઠળ નોટિફિકેશન ઈશ્યૂ કરે છે.સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ પણ CBI તપાસ માટે આદેશ આપી શકે છે. જોકે, અલખ પ્રિયાએ સુપ્રીમ કોર્ટમાં આ કેસની તપાસ CBIને સોંપવામાં આવી તેવી અરજી કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે CBI તપાસની મગાણી કરતી અરજી હાઈકોર્ટમાં કરવામાં આવે.ભાજપ જ CBI તપાસની માગણી કરી રહી છે અને કેન્દ્રમાં પણ તેમની સરકાર હોવા છતાંય મોડું કેમ થાય છે?
કાયદો-વ્યવસ્થાની જવાબદારી રાજ્યો હસ્તક છે. કેન્દ્ર સરકાર કોઈ પણ રાજ્યને કારણ વગર આ કેસની તપાસ CBIને સોંપવાનો આદેશ આપી શકે નહીં.રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને ભલામણ કરે તો પણ કેન્દ્ર સરકાર પહેલા CBIને પૂછે છે કે તે આ કેસની તપાસ કરી શકશે કે કેમ. તેના જવાબ બાદ જ નોટિફિકેશન જાહેર કરવામાં આવે છે.CBI સામાન્ય રીતે ભ્રષ્ટાચાર કેસની તપાસ કરે છે, તો શું શંકાસ્પદ મોતની પણ તપાસ કરી શકે? બિલકુલ કરી શકે છે. CBI કેન્દ્રીય તપાસ એજન્સી છે. ભ્રષ્ટાચારથી લઈ કોઈ પણ ગંભીર પ્રકારના ગુનાઓની તપાસ કરી શકે છે. CBIમાં દરેક પ્રકારના ગુનાઓ માટે ત્રણ અલગ-અલગ ડિવીઝન છે.
એન્ટી કરપ્શન ડિવીઝનઃ કેન્દ્ર સરકાર, સરકારી કંપની, ભારત સરકારની માલિકી હેઠળ આવતા નિગમો અથવા અન્ય સંસ્થાઓના કર્મચારીઓ વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ 1988ના કેસોની તપાસ કરે છે. આ સૌથી મોટું ડિવીઝન છે અને દેશના દરેક રાજ્યમાં આની શાખા છે.ઈકોનોમિક ઑફેન્સ ડિવીઝનઃ CBIનું આ ડિવીઝન મોટા નાણાકીય કૌભાંડ તથા ગંભીર પ્રકારની આર્થિક છેતરપિંડીની તપાસ કરે છે. આ ડિવીઝન હેઠળ ફૅક કરન્સી, બેંક કૌભાંડ તથા સાઈબર ક્રાઈમ આવે છે.સ્પેશિયલ ક્રાઈમ ડિવીઝનઃ IPC હેઠળ નોંધાયેલા ગંભીર તથા સંવેદનશીલ ગુનાઓની તપાસ કરે છે. રાજ્ય સરકારની ભલામણ કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના આદેશ પર આ જ ડિવીઝન તપાસ કરે છે. જો સુશાંત કેસની CBI તપાસ સોંપવામાં આવે તો આ જ ડિવીઝન તપાસ કરશે.CBI તપાસ રાજ્યની પોલીસ તપાસથી અલગ કેમ? તપાસની રીતમાં કોઈ ખાસ ફેરફાર હોતો નથી પરંતુ રાજ્યની પોલીસ પાસે અનેક પ્રકારના અને અનેક સ્તરના કામ હોય છે. આ જ કારણે સ્થાનિક સ્તરને પ્રભાવિત કરતી બાબતો અહીંયા અસર કરે છે. માનવામાં આવે છે કે રાજ્ય પોલીસ યોગ્ય રીતે તપાસ કરી શકતી નથી. તેની પર સતત દબાણ હોય છે. તેની ક્ષમતા CBI કરતાં ઓછી હોય છે. જોકે, CBI તપાસ પણ કોઈ દબાણ કે પ્રભાવથી મુક્ત હોતી નથી. CBIને સ્વતંત્રતા આપવાની માગણી બહુ જૂની છે. સુપ્રીમ કોર્ટે એક કેસમાં CBIની તુલના પાંજરામાં પૂરાયેલા પોપટ સાથે કરી હતી.
Dispute between Bihar and Maharashtra governments over Sushant's death, why CBI does not investigate on its own?