સુશાંતની જેમ જ આ સ્ટાર્સની આત્મહત્યા બાદ પણ કોઈ સુસાઈડ નોટ મળી નહોતી, 9 સેલેબ્સે ગળેફાંસો ખાઈને જીવ આપ્યો હતો
સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ બાંદ્રા સ્થિત ફ્લેટમાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. એક્ટરના મોત બાદ તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર કેસ ફાઈલ કરવામાં આવ્યો છે. CBI આ કેસની તપાસ કરી રહી છે. ED પણ પોતાની રીતે આ કેસની અલગથી તપાસ કરે છે. સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે કે સુશાંતની હત્યા કરવામાં આવી હતી.

ગ્લેમર વર્લ્ડની ચમક-દમકને કોરાણે મૂકીને આત્મહત્યા કરનાર સુશાંત સિંહ એક માત્ર સેલેબ નથી. સુશાંત પહેલાં ઘણાં સ્ટાર્સે આત્મહત્યા કરી હતી. કેટલાંક ટીવી સ્ટાર્સ તો કેટલાંક ફિલ્મ કલાકારોએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આમાંથી ઘણાં સેલેબ્સે તો સુસાઈડ નોટ પણ લખી નહોતી.

જિયા ખાનઃ ‘નિ:શબ્દ’, ‘હાઉસફુલ’ તથા ‘ગજની’ જેવી ફિલ્મ્સમાં જોવા મળેલી જિયા 3 જૂન, 2013ના રોજ તેના જુહૂ સ્થિત એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી હતી. શરૂઆતમાં એમ કહેવામાં આવતું હતું કે જિયાએ આત્મહત્યા કરી હતી. જોકે, જિયાની માતા રાબિયાએ સૂરજ પંચોલીને દીકરીનો ખૂની ગણાવ્યો હતો. જિયાના મોત બાદ આવેલા રિપોર્ટ્સ પ્રમાણે મોતના થોડાંક મહિના પહેલાં જ જિઆ પ્રેગ્નન્ટ હતી અને સૂરજ પંચોલીએ અબોર્શન માટે દવાઓ આપી હતી. આટલું જ નહીં ભ્રૂણને સૂરજે જ ટોયલેટમાં નાખીને તેનો નિકાલ કર્યો હતો. આ ઘટના બાદ જિઆ પૂરી રીતે ભાંગી પડી હતી. સૂરજે પણ જિઆ સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું, જેને કારણે એક્ટ્રેસ ડિપ્રેશનમાં જતી રહી હતી. થોડાં દિવસો બાદ તેણે આત્મહત્યા કરી હોવાનું માનવામાં આવે છે. હાલમાં CBI આ કેસની તપાસ કરી રહી છે. જિયાએ જ્યારે આત્મહત્યા કરી ત્યારે તેની ઉંમર 25 વર્ષની હતી.

પ્રત્યુષા બેનર્જીઃ ‘બાલિકાવધૂ’ની આનંદી એટલે કે પ્રત્યુષા બેનર્જીએ પહેલી એપ્રિલ, 2016ના રોજ પોતાના ફ્લેટમાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. પ્રત્યુષાનાં પેરેન્ટ્સે તેના પ્રેમી રાહુલ રાજ સિંહ પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આક્ષેપ કર્યો હતો. પ્રત્યુષા પ્રેમી સાથે લીવ-ઈનમાં રહેતી હતી. આત્મહત્યા પહેલાં પ્રત્યુષા અને રાહુલ વચ્ચે ઝઘડો થયો હતો. પ્રત્યુષાએ આત્મહત્યા કરી તે સમયે તેની ઉંમર 25 વર્ષની છે.

સિલ્ક સ્મિતાઃ સાઉથ ફિલ્મ્સની એક્ટ્રેસ સિલ્ક સ્મિતાની (35 વર્ષ) લાશ 3 સપ્ટેમ્બર, 1996ના રોજ તેના ઘરમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. પોલીસે આત્મહત્યાનો કેસ કહ્યો હતો. જોકે, અનેક લોકો માનતા હતાં કે સિલ્ક સ્મિતાનાં મોત પાછળ અન્ય કારણ જવાબદાર છે. સિલ્ક સ્મિતાએ એક્ટિંગ તથા ગીતોમાંથી સારી કમાણી કરી હતી. એક નિકટના મિત્રે પ્રોડ્યૂસર બનીને વધુ પૈસા કમાવવાની લાલચ આપી હતી. પ્રોડ્યૂસર તરીકે સિલ્કને પહેલી બે ફિલ્મ્સમાં બે કરોડનું નુકસાન થયું હતું. ત્રીજી ફિલ્મ પૂરી થઈ શકી નહીં. ફિલ્મમાં થયેલા નુકસાનની અસર તેના અંગત જીવન પર પડી હતી અને તે માનસિક રીતે ભાંગી પડી ગઈ હતી. આટલા વર્ષો બાદ પણ આત્મહત્યાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. સિલ્ક સ્મિતાના ઘરમાંથી કોઈ સુસાઈડ નોટ મળી આવી નહોતી.

નાગા ઝાંસીઃ તેલુગુ ફિલ્મની જાણીતી એક્ટ્રેસ નાગા ઝાંસી હતી. નાગા ઝાંસીએ હૈદરાબાદ સ્થિત પોતાના ઘરમાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. તેના રૂમમાંથી કોઈ સુસાઈડ નોટ મળી આવી નહોતી. પરિવારે નાગા ઝાંસીના પ્રેમી સૂર્યા તેજા પર આક્ષેપો કર્યા હતા અને પોલીસે તેની ધરપકડ કરી હતી.

નિરોશાઃ તેલુગુ ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ નિરોશાએ માત્ર 23 વર્ષની ઉંમરમાં બોયફ્રેન્ડ સાથે વીડિયો કૉલમાં વાત કરતાં સમયે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. ઘરમાંથી કોઈ સુસાઈડ નોટ મળી નહોતી. જોકે, પરિવારે એમ કહ્યું હતું કે તેની તબિયત સારી નહોતી અને તેને જ કારણે તેણે આત્મહત્યા કરી હતી.

કુશલ પંજાબીઃ 42 વર્ષીય કુશલ પંજાબીએ 26 ડિસેમ્બર, 2019ની રાત્રે પોતાના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. કુશલ તથા તેની પત્ની વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. પત્નીથી અલગ થયા બાદ કુશલ ડિપ્રેશનમાં રહેતો હતો. કુશલની આત્મહત્યા પાછળ તેની પત્નીને જવાબદાર ગણવામાં આવી હતી.

નફીસા જોસેફઃ એક્ટ્રેસ તથા મોડલ નફીસા જોસેફની આત્મહત્યા એક રહસ્ય છે. 1997માં મિસ ઈન્ડિયા યુનિવર્સનો તાજ જીતનાર નફીસાએ 26 વર્ષની ઉંમરમાં 2004માં આત્મહત્યા કરી હતી. નફીસાએ પોતાની કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. નફીસાએ ફિલ્મ ‘તાલ’માં પણ કામ કર્યું હતું. નફીસાને પ્રેમમાં વિશ્વાસઘાત મળતાં તેણે આત્મહત્યા કરી હોવાનું માનવામાં આવે છે. નફીસાની આત્મહત્યા બાદ તેના બોયફ્રેન્ડ ગૌતમ ખંડૂજાનું નામ સામે આવ્યું હતું.

ઉદય કિરણઃ તેલુગુ ફિલ્મના એક્ટર ઉદય કિરણે પાંચ જાન્યુઆરી, 2014ના રોજ પોતાના ઘરમાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. પત્નીના મતે, તે ડિપ્રેશનમાં હતો અને તેણે લોકોને હળવા-મળવાનું બંધ કરી દીધું હતું. ઉદયની પહેલી ત્રણ ફિલ્મ ‘ચિત્રમ’, ‘નુવુ નેનુ’ તથા ‘માનાસાંતા નુવી’હિટ કરી હતી. ત્રણેય ફિલ્મ હિટ થતાં તે ‘હેટ્રિક હીરો’ તરીકે લોકપ્રિય બન્યો હતો. ઉદય કિરણે આત્મહત્યા કરતાં પહેલાં કોઈ સુસાઈડ નોટ લખી નહોતી.

કુણાલ સિંહઃ તમિળ સિનેમામાં કુણાલ સિંહ લોકપ્રિય હતો. તેણે 1999માં ‘કધલાર ધીનમ’ ફિલ્મથી એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે સોનાલી બેન્દ્રે હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી ચાલી હતી પરંતુ તે પછી કુણાલની મોટાભાગની ફિલ્મ્સ ફ્લોપ રહી હતી. સાત ફેબ્રુઆરી, 2008ના રોજ 30 વર્ષીય કુણાલે પોતાના મુંબઈ સ્થિત ઘરમાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. તેની આત્મહત્યા કરવા પાછળનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી.

સમીર શર્માઃ ટીવી એક્ટર સમીર શર્માએ આત્મહત્યા કરી હતી. બુધવાર (પાંચ ઓગસ્ટ)ની રાત્રે ચોકીદારે સમીરની લાશને રસોડામાં લટકતી જોઈ હતી. પોલીસ હાલમાં આ કેસની તપાસ કરી રહી છે. 44 વર્ષીય સમીરે આત્મહત્યા કેમ કરી તેની પાછળનું કારણ હજી સુધી સામે આવ્યું નથી. પોલીસને કોઈ સુસાઈડ નોટ મળી નથી. કહેવાય છે કે સમીર શર્માએ બે દિવસ પહેલાં જ આત્મહત્યા કરી હતી.No suicide note was found after the suicide of these stars like Sushant, 9 celebs suicide-by-hanging