શ્રેય હોસ્પિટલમાં પોતાના સગાંને ગુમાવી બેઠેલા પરિવારજનું દુઃખ ઓછુ કરવાના બદલે પોસ્ટમોર્ટમ બાદ સિવિલ હોસ્પિટલમાંથી મૃતદેહને શબવાહીનીમાં મુકવા માટે પણ આવેલા કર્મચારીઓએ મૃતકોના સગાંને ‘રાજી ખુશીથી જે આપવું હોય તે આપો’ કહી રૂ.300 સુધી પડાવ્યા હતા. પોતાના પર આવી પડેલા દુઃખને ભૂલીને સિવિલમાં કોઇ વિવાદ ન થાય એટલા માટે મૃતકોના સગાએ પૈસા આપી દીધા હતા. સ્મશાનમાં પણ અગ્નિસંસ્કારના પૈસા આપવા પડ્યા હોવાની કબૂલાત પરિવારજનોએ કરી છે.
શ્રેય હોસ્પિટલના અગ્નિકાંડમાં મૃત્યુ પામેલાના પરિવારજનને આશા હતી કે શ્રેય હોસ્પિટલથી સારા સમાચાર આવશે કે તમારા આત્મજન કોરોનાથી મુક્ત થઇ ગયા છે, તેમને ઘરે લઇ જાઓ. પરંતુ કોઇએ કલ્પના પણ નહોતી કરી કે પોતાના આત્મજનને સિવિલના પોસ્ટમોર્ટમ રૂમમાંથી લેવા પડશે, ઘરે લાવવાને બદલે સ્મશાને લઇ જવા પડશે. સળગેલા મૃતદેહોને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવ્યા ત્યારે તેમના ઘરના લોકો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. મોડી સાંજ સુધી રાહ જોઇને બેઠેલા સગાઓને તેમના આત્મજનનો મૃતદેહ મળ્યો ન હતો. મોડી સાંજે ધીરે ધીરે તમામ પરિવારજનોને તેમના સગાઓના મૃતદેહો સોંપાયા હતા.
પોતાના પિતાને ગુમાવી ચૂકેલા એક પરિવારજને નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, અમારા પિતાનો મૃતદેહ મોડી સાંજે અમને સોંપવામાં આવ્યો હતો. સાંજે મોડું થઈ ગયું હોવાથી પૂરતા પ્રમાણમાં સ્ટાફ હાજર ન હતો. તેમણે મૃતદેહને અમારા વાહન પાસે આવીને મૂકીને કહ્યું કે તમે કેવા સગા છો, બોડીને વાહનમાં મૂકી દો. ત્યારબાદ બીજા કર્મચારીઓ આવ્યા અને તેમણે અમને મૃતદેહ શબવાહીનીમાં મૂકવા કહ્યું એટલું જ નહીં, પરંતુ 200થી 300 રૂપિયા માગ્યા હતા. બાજુમાં ઊભેલા કેટલાક લોકોએ આ કર્મચારીઓને પૈસા માગવા બદલ ટપાર્યા હતા. પરંતુ તે લોકો ત્યાંથી ચાલ્યા ગયા અમે બોડી લઇને નીકળી ગયા. જ્યાં અમારુ દુઃખ સહન નહોતું થતું ત્યાં બીજા કોઈ વિવાદમાં અમે પડવા માંગતા ન હતા.
મોતનો મલાજો જાળવવાને બદલે પૈસાની શરમજનક માગ એક મહિલા મૃતકના પરિવારના સભ્યએ કહ્યું કે, સિવિલમાં મૃતદેહના પોસ્ટમોર્ટમ બાદ બોડી સોંપવામાં સાંજ પડી ગઈ હતી. મારા પિતા મારા મમ્મીના મૃતદેહ સાથે હતા. જે લોકોએ મૃતદેહને શબવાહિનીમાં મૂક્યો તેમણે મારા પિતા પાસે આ કામના પૈસા માગ્યા હતા. અમે કોઈ વિવાદ ન થાય તે માટે 300 રૂપિયા પણ આપી દીધા હતા. અમને આ કર્મચારીઓ પ્રત્યે રોષ છે કે આટલી ગંભીર ઘટના હોવા છતાં માનવતાનો અને મોતનો મલાજો જાળવવાને બદલે તેમણે અમારી પાસેથી પૈસાની માગણી કરી હતી. અમે સ્વજન ગુમાવ્યાના દુ:ખમાંથી હજુ બહાર પણ આવ્યા ન હતા ત્યારે સિવિલના કર્મચારીઓના આવા અમાનવીય વ્યવહારથી અમને ઠેસ પહોંચી છે.
નવરંગપુરામાં આવેલી શ્રેય હોસ્પિટલમાં આગને કારણે કોરોનાના 8 દર્દી મૃત્યુ પામ્યા હતા. તમામના મૃતદેહ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લવાયા હતા જ્યાં દર્દીના સગાંને ખરાબ અનુભવ થયો.