સૌરાષ્ટ્રમાં મેઘમહેર વચ્ચે મેઘકહેરઃ હાલાર પાણીમાં તો સોરઠમાં નાળિયેરીના પાકને નુકસાન, અનેક વીજપોલ ધરાશાયી

સૌરાષ્ટ્રમાં મેઘમહેર વચ્ચે મેઘકહેરઃ હાલાર પાણીમાં તો સોરઠમાં નાળિયેરીના પાકને નુકસાન, અનેક વીજપોલ ધરાશાયી



સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસમાં મેઘમહેરની સાથે મેઘકહેર પણ જોવા મળી છે. હાલાર અને સોરઠ પંથકને મેઘરાજાએ ધમરોળી નાખતા ઠેર ઠેર નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે. જામનગરમાં ઘાયી કી ખડકી વિસ્તારમાં કેડસમા પાણી ભરાતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તો ખંભાળીયામાં મૂશળધાર 20 ઇંચ વરસાદથી શહેરમાં હજી પણ પાણી ઓસર્યા નથી. જામનગરનું સ્મશાન 13 વર્ષ બાદ વરસાદને કારણે બંધ રહ્યું છે. કારણ કે સ્મશાનમાં કેડસમા પાણી ભરાયું છે. આથી સ્મશાન બંધ રાખવામાં આવ્યું છે. રાજકોટના મુંજકા સ્લમ ક્વાર્ટરની છત ધરાશાયી થઇ છે. જો કે, આ બનાવમાં કોઇ જાનહાનિ સર્જાઇ નથી. એક વ્યક્તિને ઇજા પહોંચતા સારાવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અતિ ભારે વરસાદથી પડધરી તાલુકાના ખીજડીયા ગામે ગૌશાળામાંથી 40 જેટલા મુંગા પશુઓ ધસમસતા પાણીમા તાણાયા હતા. જેને જોઇ કોઇ પણના મોઢામાંથી શબ્દ નીકળી જાય કે હે ભગવાન આને બચાવજે. તેમજ આ પંથકમાં અનેક જગ્યાએ વીજ પોલ ધરાશાયી થયા છે. પડધરી પંથકમાં ગઇકાલથી વીજળી ગુલ છે.

નવાબંદરના દરિયા કિનારે વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા વીજપોલ ધરાશાયી થયારાજકોટ-શાપર નેશનલ હાઇવે પર ઓવરબ્રિજ નીચે રોડ પર ખાડો પડતા વાહનચાલકો હેરાન-પરેશાન થયા છે. જેને કારણે એક કાર અને રીક્ષા પણ ખાડામાં ફસાઇ હતી. કોડીનારમા રાત્રે ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે છારા ઝામ્પા વિસ્તારમા 2 વીજપોલ ધરાશાયી થયા છે.વીજપોલ ધરાશાયી થતા છારા ઝાંપા વિસ્તારનો વીજળી પુરવઠો ખોરવાયો છે. દરિયાકાંઠામાં ભારે પવન સાથે વરસાદથી નાળિયેરીના બગીચાઓમાં ભારે નુકસાન પહોંચ્યું છે. નાળિયેરીનું ઉત્પાદન કરતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. 15થી 20 ટકા નાળિયેરીના પાકને નુકસાન પહોંચ્યું છે. ભારે પવનના કારણે કાચા નાળિયેર ખરી પડ્યા છે. તો સાથેસાથે નાળિયેરીના ઝાડના પત્તા પણ ખરી પડ્યા છે.. ઉલ્લેખનીય છે કે ગીર સોમનાથના દરિયાકાંઠામાં મોટા પ્રમાણમાં ખેડૂતો નાળિયેરીનું ઉત્પાદન કરે છે. ત્યારે ભારે પવનના કારણે ખેડૂતોને ફટકો પડ્યો છે. ઉનાના નવાબંદરમા ભારે પવન અને ધોધમાર વરસાદના કારણે 15 વીજપોલ જમીનદોસ્ત થયા છે.નવાબંદરના દરિયા કિનારે વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો હતો. જેના કારણે વીજપોલ ધરાશાયી થતા વીજ પુરવઠો ખોરવાયો છે.







જામનગરમાં ઘાય કી ખડકી વિસ્તારમાં પાણી ભરાયા