ભાવનગર જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા સતત વધી રહી છે. ભાવનગર જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંક 1700ને પાર પહોંચી ગયો છે. ત્યારે કોરોનાની સમીક્ષા કરવા માટે આજે CM વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી ભાવનગર પહોંચ્યા હતા. અહીં તેમણે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે વધતા જતા કોરોના કેસને લઈને સમીક્ષા બેઠક કરી હતી. વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે કોરોના સામેની લડત લાંબી છે જેથી સરકારે પણ પૂરતી વ્યવસ્થા કરી છે. જિલ્લામાં કોરોનાના ટેસ્ટ વધારવામાં આવશે. આ સાથે જ અમદાવાદ અને સુરતથી આવતા લોકોનું ચેકપોસ્ટ પર જ ચેકિંગ કરવામાં આવશે.
ચેકપોસ્ટ પર જ બહારથી આવતા લોકોનું ચેકિંગ કરાશે વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યા સતત વધારવામાં આવી રહી છે. રાજ્યમાં દરરોજ 25 હજાર જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. સૌરાષ્ટ્રમાં અમદાવાદ અને ખાસ કરીને સુરતથી આવતા લોકોથી સંક્રમણ ફેલાઈ રહ્યું છે. જેથી ભાવનગર જિલ્લામાં સુરત અને અમદાવાદથી આવતા લોકોનું ચેકિંગ કરવા ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. સુરત, અમદાવાદથી આવતા લોકોનું ત્યાં જ સ્ક્રીનિંગ કરવામાં આવશે અને જરૂર પડી તો ત્યાં ટેસ્ટ કરવામાં આવશે. જેથી કોરોના લક્ષણ ધરાવતા લોકોને અલગ તારવી શકાય અને ગામડાંમાં ફેલાતું સંક્રમણ અટકાવી શકાય. આ સાથે જ જણાવ્યું હતું કે કોરોના દર્દીઓ માટે ઇન્જેક્શન પૂરતા પ્રમાણમાં છે. આ ઇન્જેક્શનોમાંથી દેશમાં કુલ આયાતમાંથી 55 ટકા ઇન્જેક્શન માત્ર ગુજરાત આયાત કરે છે.
ફાયર સેફટીનું પાલન નહીં કરનારાઓ સામે કાર્યવાહી કરાશે અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં થયેલી ઘટનાનો ઉલ્લેખ કરતા રૂપાણી જણાવ્યું કે, આ ઘટના દુ:ખદ છે. જેથી સરકારે રાજ્યની તમામ હોસ્પિટલોમાં ફાયર સેફટીનું ચેકિંગ કરવાનો આદેશ આપ્યો છે. હાલ તેના પર કામગીરી શરૂ છે. યોગ્ય માપદંડનું પાલન નહીં કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.
ધન્વંતરી રથના માધ્યમથી ગીચ વિસ્તારોમાં તપાસ કરાશે સમીક્ષા બેઠકમાં રૂપાણીએ જણાવ્યું હતું કે ભાવનગર શહેરમાં ધન્વંતરી રથના માધ્યમથી ગીચ વિસ્તારોમાં જઇને લોકોના આરોગ્યની તપાસ કરવા આવશે. રથ દ્વારા નિયત સમયે નિયત સ્થળે સતત 15 દિવસ સુધી લોકોની તપાસણી થતી રહેશે અને જરૂર જણાય વધુ સારવાર માટે રીફર કરી કરવાની સૂચના આપી છે. રાજ્યની પહેલ એવાં ધન્વંતરી રથની નોંધ દેશ અને દુનિયામાં લેવાઈ છે. ગુજરાતની આ પહેલ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કેસ સ્ટડી તરીકે લઇ શકાય તે માટે પણ વિશ્વ આરોગ્ય સંસ્થાએ સૂચવ્યું છે.
corona testing will be increased: Rupani