Translate to...

સાયબર ક્રાઇમે 6 મહિનામાં ઓનલાઈન ચીટિંગના રૂ.5 કરોડ પાછા અપાવ્યા, 12000 લોકોએ સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો

સાયબર ક્રાઇમે 6 મહિનામાં ઓનલાઈન ચીટિંગના રૂ.5 કરોડ પાછા અપાવ્યા, 12000 લોકોએ સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો



હાલ સમગ્ર દેશમાં ઓનલાઈન ચીટિંગનું પ્રમાણ વધી રહ્યું છે અને ગુજરાત પણ તેમાંથી બાકાત નથી. પરંતુ ગુજરાત પોલીસ દ્વારા ગત જાન્યુઆરીમાં શરૂ કરવામાં આવેલો સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ લોકોને ખૂબ મદદરૂપ થઈ રહ્યો છે. સાયબર ક્રાઈમે છેલ્લા છ મહિનામાં સાયબર આશ્વસ્ત દ્વારા લોકોના 5 કરોડ રૂપિયા રિકવર કરવામાં મદદ કરી છે. આ અંગે સાયબર ક્રાઇમના DCP રાજદીપ ઝાલાએ DivyaBhaskarને જણાવ્યું હતું કે સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ હેઠળ અત્યાર સુધીમાં અમે 12,000 કોલ એટેન્ડ કર્યા છે. છેલ્લા 6 મહિનામાં અમે લોકોના ઓનલાઇન ફ્રોડ પ્રકરણમાં 5 કરોડ રૂપિયાની રિકવરી કરાવી છે. હું લોકોને અપીલ કરું છું કે જો તમારી સાથે કોઈ ઓનલાઇન ચીટિંગ થાય તો 100 નંબર પર ફોન કરો અથવા સાયબર ક્રાઈમનો પણ સંપર્ક કરી શકો છો.

કિસ્સો 1- સિનિયર સિટીઝનને KYC કરવાનું કહી રૂ.16 લાખ પડાવ્યા, ક્રાઇમ બ્રાન્ચે 15 લાખ બચાવ્યા અમદાવાદના મણિનગરમાં રહેતા સિનિયર સિટીઝનને એક ફોન આવ્યો અને કહ્યું કે તમારું પેટીએમ KYC કરવું છે. ત્યાર બાદ સિનિયિર સિટીઝન ધીમે ધીમે તેમની વાતોમાં આવતા ગયા અને તેમની બચતના 16 લાખ રૂપિયા બેંક એકાઉન્ટમાંથી ઉપડી ગયા હતા. બેંકમાંથી આટલી મોટી રકમ ઉપડી ગયા બાદ તેમને ઓનલાઈન ચીટિંગનો ભોગ બન્યા હોવાનો અહેસાસ થતા તેઓએ સાયબર ક્રાઇમની મદદ માંગી. જેને પગલે સાયબર ક્રાઈમે ઓપરેશન આશ્વસ્ત હેઠળ ક્રાઇમ તેમના 15 લાખ રૂપિયા બચાવી લીધા હતા.

કિસ્સો 2-બિઝનેસમેને ચીટિંગ કરનારને OTP આપી દીધો અને રૂ. 5 લાખ ગયા નરોડા વિસ્તારમાં ક્રેનનો બિઝનેસ કરતા એક બિઝનેસમેનને એક ફોન આવ્યો અને એરપોર્ટ પર બિઝનેસ કરવાની ઓફર કરી. આ ઓફર અંતર્ગત તેને એડવાન્સ પેમેન્ટ આપવા માટે બિઝનેસમેનના મોબાઈલમાં આવેલો OTP(વન ટાઈમ પાસવર્ડ) માંગ્યો અને બિઝનેસમેને તે વ્યક્તિને OTP આપી દીધો. ત્યાર બાદ તેમના બેંક એકાઉન્ટમાંથી 5 લાખ રૂપિયા ઉપાડી લીધા. જેને પગલે તેમણે સાયબર ક્રાઈમની મદદ લીધી અને સાયબર ક્રાઈમે આ રૂ.5 લાખમાંથી 4.86 લાખ રિકવર કરાવી દીધા.

કિસ્સો 3-લોકડાઉનમાં માસ્કની ખરીદીમાં રૂ.1.81 લાખનું ફ્રોડ લોકડાઉન દરમિયાન મણિનગરના એક વ્યક્તિએ ઓનલાઇન સાઇટ પરથી નંબર મેળવીને માસ્કની ખરીદી માટે ઓર્ડર આપ્યો હતો. આ ઓર્ડર બદલ સામેની વ્યક્તિએ તેની પાસે એડવાન્સ પેમેન્ટ પેટે 1.81 લાખ રુપિયા માગ્યા હતા. જેથી તેમણે પેમેન્ટ કર્યું. પરંતુ ઓર્ડર આવ્યો નહી અને તેનો કોઈ સંપર્ક પણ ના થયો. સંપર્ક ન થતા આ વ્યક્તિએ સાયબર ક્રાઈમનો સંપર્ક કર્યો અને સાયબર ક્રાઈમે તેની પુરેપુરી રકમ બચાવી લીધી.

કિસ્સો 4-ક્રેડિટ કાર્ડમાંથી અચાનક જ 2.75 લાખ રૂપિયા ડેબિટ થઈ ગયા નારણપુરા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિ પાસે ક્રેડિટ કાર્ડ હતું. તેઓ રાતે ઉંઘી ગયા અને સવારે ઉઠ્યા તો તેમના મોબાઈલમાં મેસેજ હતો કે તેમના ક્રેડિટ કાર્ડમાંથી 2.75 લાખ રૂપિયા ડેબિટ થઈ ગયા છે. જેથી તેમણે તુરંત જ સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો અને તેમના 2.75 લાખ રૂપિયા પરત મળી ગયા.

જાન્યુઆરીમાં અમદાવાદમાં બે દિવસમાં સાયબર ક્રાઈમની 40 ફરિયાદ નોંધાઈ હતી ગત જાન્યુઆરીમાં અમદાવાદ શહેરમાં 40થી વધુ લોકો સાયબર ક્રાઈમનો ભોગ બન્યા હતા. બે દિવસમાં સાયબર ક્રાઈમ બ્રાન્ચ અને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ બહાના હેઠળ 40થી વધુ લોકો સાથે લાખો રૂપિયાની સાયબર ગઠિયાઓએ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ ઉપરાંત કચ્છ-ભુજમાં 10થી વધુ અને ગાંધીનગરમાં પણ 10 દિવસમાં ચિટિંગની 3 ઘટના બની હતી.







cybercrime recovered Rs 5 crore of online fraud in 6 months in ahmedabad