સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં પરિવારના વકીલ તથા સીનિયર એડવોકેટ વિકાસ સિંહે મુંબઈ પોલીસ રિયા ચક્રવર્તીને મદદ કરતી હોવાનો આક્ષેપ મૂક્યો છે. વિકાસ સિંહે કહ્યું હતું કે રિયા ચક્રવર્તીએ થોડા દિવસ પહેલાં જ CBI તપાસની માગણી કરી હતી અને હવે એ જ રિયા તપાસ અટકાવવા માટે સુપ્રીમ કોર્ટ પહોંચી ગઈ. આ જ વાત એ તરફ ઈશારો કરે છે કે મુંબઈ પોલીસ રિયાની મદદ કરી રહી છે. તો બીજી બાજુ સુપ્રીમ કોર્ટે CBI તપાસની માગણી કરતી અરજી ફગાવી દીધી છે.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું? સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસની તપાસ CBI કરે તેવી જનહિતની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે પોલીસે તેમનું કામ કરવા દો. વધુમાં કોર્ટે કહ્યું હતું કે અરજીકર્તા અલખ પ્રિયાનો આ કેસ સાથે કોઈ સંબંધ નથી. કોર્ટે અરજીકર્તાને બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરવાનું કહ્યું છે.
વકીલે શું કહ્યું? ન્યૂઝ એજન્સી PTI સાથેની વાતચીતમાં વિકાસ સિંહે કહ્યું હતું, જો રિયા સુપ્રીમ કોર્ટ ગઈ તો તેણે આ કેસની તપાસ CBI કરે તેવી અરજી કરવાની જરૂર હતી. પટનામાં FIR કરવામાં આવી છે. હવે તેણે સુપ્રીમ કોર્ટમાં તપાસ અટકાવવાની તથા કેસને પટનાથી મુંબઈ શિફ્ટ કરાવવાની અરજી કરી છે. આનાથી વધુ પુરાવા શું જોઈએ કે મુંબઈ પોલીસ તેને મદદ કરતી હતી.
મુંબઈ પોલીસ પર વકીલે શું કહ્યું? સુશાંતના પિતાના વકીલે ન્યૂઝ ચેનલ આજ તક સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મુંબઈ પોલીસે અત્યાર સુધી સુશાંત સાથે જોડાયેલા લોકો સાથે વાત કરી નથી. તે બસ ઈન્ડસ્ટ્રીના મોટા મોટા લોકોને બોલાવીને પૂછપરછ કરી રહી છે. સૌથી દુઃખની વાત એ છે કે 40-45 દિવસ થઈ ગયા બાદ પણ મોટા લોકોની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવે છે. ખબર નથી પડતી કે તેઓ શું પૂછે છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝઅમ હતું તો તે કોઈ અપરાધની કલમમાં આવતું નથી.
જો નેપોટિઝ્મને કારણે કોઈએ જીવ ગુમાવ્યો તો મુંબઈ પોલીસે કલમ 306 હેઠળ અજ્ઞાત વ્યક્તિ પર કેસ દાખલ કરવાની જરૂર હતી, પરંતુ ક્યાંકને ક્યાંક આ કેસને નબળો પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તપાસ તો હવે પટના પોલીસે શરૂ કરી છે. મુંબઈ પોલીસે માત્ર પૂછપરછ કરી હતી. બોલિવૂડ એન્ગલ સુશાંતના સુસાઈડમાં મુખ્ય એન્ગલ હોઈ શકે નહીં. મુંબઈ પોલીસે આ કેસમાં બ્લન્ડર કર્યું છે.
સુશાંતના પિતાના વકીલ કેવિએટ દાખલ કરશે સુશાંત કેસમાં રિયાએ સુપ્રીમ કોર્ટમાં પટનાથી કેસ મુંબઈ ટ્રાન્સફર કરવાની માગણી કરી છે. તો સુશાંતના પિતાના સીનિયર એડવોકેટ વિકાસ સિંહે કેવિએટ દાખલ કરવાની વાત કરી છે. તેમણે કહ્યું હતું કે રિયાની અરજીમાં કરવામાં આવેલા દરેક સવાલનો જવાબ તેઓ કોર્ટમાં આપશે.
sushant singh suicide case Supreme Court rejects CBI probe