Translate to...

સુપ્રીમકોર્ટે ઇ-સુનાવણીમાં કહ્યું- આખો દેશ ખૂલી રહ્યો છે તો ધાર્મિક સ્થળો બંધ કેમ?

સુપ્રીમકોર્ટે ઇ-સુનાવણીમાં કહ્યું- આખો દેશ ખૂલી રહ્યો છે તો ધાર્મિક સ્થળો બંધ કેમ?
કોરોના મહામારીના કારણે દેશભરમાં બંધ મંદિર, મસ્જિદ તથા અન્ય ધાર્મિક સ્થળો અંગે સુપ્રીમકોર્ટે મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. જસ્ટિસ અરુણ મિશ્રાના વડપણ હેઠળની બેન્ચે શુક્રવારે ઇ-સુનાવણીમાં ઝારખંડના દેવઘર સ્થિત, 12 જ્યોતિર્લિંગ પૈકી એક એવા ઐતિહાસિક વૈદ્યનાથ ધામ મંદિર મામલે કહ્યું કે ઇ-દર્શનને દેવદર્શન ન કહી શકાય. રાજ્ય સરકાર મર્યાદિત સંખ્યામાં શ્રદ્ધાળુઓને કેન્દ્રની માર્ગદર્શિકાના પાલન સાથે મંદિરમાં દર્શન કરવા જવાની મંજૂરી આપે.

મંદિરમાં વાર્ષિક શ્રાવણી મેળા દરમિયાન શ્રદ્ધાળુઓને દર્શનની મંજૂરી માટે અરજી કરાઇ હતી. 3 જુલાઇએ હાઇકોર્ટે માત્ર ઇ-દર્શનની મંજૂરી આપી હતી. આ ચુકાદાને ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ સુપ્રીમમાં પડકાર્યો હતો. સુનાવણી દરમિયાન જસ્ટિસ મિશ્રાએ સવાલ કર્યો કે કોરોનાકાળમાં આખો દેશ ખૂલી રહ્યો છે તો માત્ર ધાર્મિક સ્થળો કેમ બંધ છે? તેમને મહત્ત્વના દિવસોમાં શા માટે ન ખોલવા જોઇએ? તેના જવાબમાં રાજ્ય સરકારના વકીલે કહ્યું કે શ્રદ્ધાળુઓને મંદિરમાં પૂજા કરવાની મંજૂરી અપાય તો તેમને નિયંત્રિત કરવાનું મુશ્કેલ થઇ જશે. તેથી સરકારે મંદિરના સંચાલકો સાથે મળીને ઇ-દર્શનની સગવડ કરી છે. આ સાંભળી જસ્ટિસ મિશ્રાએ કહ્યું કે વૈદ્યનાથ ધામ મંદિરમાં મર્યાદિત સંખ્યામાં શ્રદ્ધાળુઓને દર્શનની મંજૂરી આપી શકાય તેમ છે.

રાજ્ય સરકાર શ્રાવણી પૂનમ નિમિત્તે તથા ભાદરવા મહિનામાં તે માટેની નવી વ્યવસ્થા લાગુ કરે. મર્યાદિત શ્રદ્ધાળુઓને દર્શનની મંજૂરી આપવા ટોકન વ્યવસ્થા પણ લાગુ કરી શકાય. અરજદારનું કહેવું હતું કે યાત્રાધામમાં ભગવાનના સન્મુખ દર્શન કરીને તેમની પાસેથી કંઇક માગવાનું આગવું મહત્ત્વ હોય છે.સુપ્રીમકોર્ટની ફાઇલ તસવીર.