સ્પેનિશ ફૂટબોલ ક્લબ રિયલ મેડ્રિડના સ્ટ્રાઇકર મારિયાનો ડિયાઝ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. ડિયાઝ હવે 8 ઓગસ્ટે ચેમ્પિયન્સ લીગમાં માન્ચેસ્ટર સિટી સામેની મેચમાં રમશે નહીં. ક્લબે આની પુષ્ટિ કરી છે.
ક્લબ દ્વારા મંગળવારે એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું કે, સોમવારે કેટલાક ખેલાડીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમાંથી મારિયાનોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે, તે સ્વસ્થ છે અને રિપોર્ટ આવ્યા ઘરે આઇસોલેશનમાં રહે છે. તેમજ જરૂરી પ્રોટોકોલ ફોલો કરી રહ્યો છે.
મારિયાનો લીગ સમાપ્ત થયા બાદ વેકેશન પર ગયો હતો
મારિયાનો બાકીના સાથી ખેલાડીઓની જેમ, 19મી જુલાઈએ લા લિગાની વર્તમાન સીઝન સમાપ્ત થયાના થોડા દિવસો માટે રજા પર ગયો હતો. ફૂટબોલની વાપસી પછી સ્પેનમાં કોરોના સંક્રમિત થનાર તે પ્રથમ ખેલાડી નથી. એક અઠવાડિયા પહેલાં ફ્યૂલાબ્રાડા ટીમના ઘણા ખેલાડીઓનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.ગઈ સીઝનમાં મારિયાનો મેડ્રિડ માટે 7 મેચ રમ્યો હતો
મારિયાનો ગઈ સીઝનમાં ટીમ માટે 7 મેચ રમ્યો હતો. જે દરમિયાન તેણે એક ગોલ કર્યો હતો. મેડ્રિડને ચેમ્પિયન્સ લીગની ક્વાર્ટરફાઇનલમાં પહોંચવા માટે માન્ચેસ્ટર સિટી સામે જીત મેળવવી જરૂરી છે. આ ટીમ સામે ફર્સ્ટ લેગમાં તેણે 1-2થી હારનો સામનો કર્યો હતો.મારિયાનોએ વીડિયો મેસેજ શેર કરીને સપોર્ટ કરવા બદલ ફેન્સનો આભાર માન્યો. તેણે કહ્યું કે, તે પૂરી રીતે ફિટ છે અને અત્યારે આઇસોલેશનમાં છે. -ફાઇલ ફોટો