સિંગાપોરમાં કોરોનાથી મોતનો દર વિશ્વમાં સૌથી ઓછો, અમેરિકા જેટલા ટેસ્ટ કર્યા

સિંગાપોરમાં કોરોનાથી મોતનો દર વિશ્વમાં સૌથી ઓછો, અમેરિકા જેટલા ટેસ્ટ કર્યાસિંગાપોરમાં મંગળવારથી લગ્ન, અંતિમવિધિ જેવા કાર્યક્રમોમાં મહત્તમ 20ની જગ્યાએ 50 લોકો હાજરી આપી શકશે જ્યારે પર્યટન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા 10 ઓગસ્ટથી મલેશિયા સાથેની સરહદ ખોલી દેવાશે. સરકારે તે માટે મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય 19 જૂનથી શરૂ થયેલા તબક્કાવાર અનલૉકનો ભાગ છે. સિંગાપોરે કોરોનાને બરાબરની ટક્કર આપી છે. અહીં 23 જાન્યુ.એ કોરોનાનો પહેલો દર્દી મળ્યો હતો. 20 એપ્રિલે સૌથી વધુ 1,426 નવા દર્દી મળ્યા. એપ્રિલ મહિનો પૂરો થતાં થતાં 20,198 દર્દી થઇ ગયા.

સિંગાપોરમાં મોતનો દર સૌથી ઓછો સિંગાપોર દક્ષિણ-પૂર્વ એશિયામાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશ બની ગયો. ત્યારે સરકારે મોટું પગલું ભરતાં 8 અઠવાડિયાનું સખત લૉકડાઉન કરી દીધું, કોરોના ટેસ્ટની ક્ષમતા વધારી. સિંગાપોરમાં દર 10 લાખની વસતીદીઠ 1,77,100 ટેસ્ટ થઇ ચૂક્યા છે, જે દક્ષિણ-પૂર્વ એશિયામાં સૌથી વધુ અને અમેરિકાની નજીક છે. અમેરિકામાં દર 10 લાખની વસતીદીઠ 1,78,855 ટેસ્ટ કરાયા છે. નેશનલ યુનિ. ઑફ સિંગાપોર 3ડી પ્રિન્ટિંગ અને ઇન્જેક્શન મોલ્ડની મદદથી 4 કરોડ સ્વાબ ટેસ્ટિંગ કિટ બનાવી રહી છે. તે બહુ સસ્તી મનાઇ રહી છે. આ પગલાંનું સારું પરિણામ એ રહ્યું કે 25 જુલાઇ બાદ 500થી ઓછા નવા દર્દી આવવા લાગ્યા. સિંગાપોરમાં અત્યાર સુધીમાં 52,825 દર્દી મળ્યા છે અને 27 મોત થયા છે. 46,740 દર્દી સાજા થઇ ચૂક્યા છે. અહીં મોતનો દર વિશ્વમાં સૌથી ઓછો 0.051 ટકા છે.

બેરોજગારી દરમાં વધારો થયો બેરોજગારીનો દર એક દાયકામાં સૌથી વધુ 2.9 ટકા પર પહોંચ્યો: દેશમાં ચાલુ વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં બેરોજગારીનો દર એક દાયકામાં સૌથી વધુ 2.9 ટકા થઇ ગયો છે. બીજી તરફ સિંગાપોરમાં ડીબીએસ બેન્કના વરિષ્ઠ અર્થશાસ્ત્રી ઇરવિન સિયાહએ કહ્યું કે કોરોના સંકટના કારણે નબળા પડેલા અર્થતંત્રને અને ખાસ તો પર્યટન તથા ઉડ્ડયન જેવા ઉદ્યોગોને સરેરાશ સ્તરે આવતાં 2 વર્ષ લાગશે. કામદારોની સુરક્ષાનું ધ્યાન રાખવું પડશે. તેમને પ્રોત્સાહિત કરાશે તો તેઓ કામ પર પાછા ફરી શકશે. સિંગાપોરમાં કોરોનાનો સૌથી મોટો પડકાર ડૉરમેટ્રીમાં મળી રહ્યો છે. અહીં અંદાજે 30 હજાર વિદેશી કામદારો સાવ ઓછી જગ્યામાં રહે છે.

કોરોના બાદ નવો પડકારઃ અઠવાડિયામાં ડેન્ગ્યુના 1,736 દર્દી મળ્યા, રેકોર્ડ તૂટવાની પર્યાવરણ એજન્સીની ચેતવણી સિંગાપોરમાં કોરોના બાદ ડેન્ગ્યૂનો તાવ મોટો પડકાર બની રહ્યો છે. સરકારી આંકડા મુજબ આ વર્ષના પ્રથમ 7 મહિનામાં દેશમાં ડેન્ગ્યૂના 19 હજાર દર્દી મળ્યા છે. એક અઠવાડિયામાં જ અહીં ડેન્ગ્યૂના 1,736 દર્દી સામે આવ્યા છે. સિંગાપોરમાં અઠવાડિયામાં ડેન્ગ્યૂના સૌથી વધુ દર્દીનો આ રેકોર્ડ છે. રોજ સરેરાશ 150 દર્દી મળી રહ્યા છે. પર્યાવરણ એજન્સીએ ચેતવણી આપી છે કે આ વર્ષે દેશમાં ડેન્ગ્યૂના 22 હજારથી વધુ દર્દી મળી શકે છે, જેનાથી 2013નો રેકોર્ડ તૂટશે. ત્યારે દેશમાં લગભગ તેટલા જ દર્દી મળ્યા હતા. તંત્રએ જાહેરાત કરી છે કે ઘરમાં કે કામકાજના સ્થળે મચ્છરો હશે તો દંડ થશે. તેથી લોકો સ્વચ્છતા અને દવાના છંટકાવ જેવી તકેદારીઓનું ધ્યાન રાખે. તાવ 2 દિવસથી વધારે રહે તેવા દર્દી સારવાર માટે હોસ્પિટલમાં પહોંચે.તસવીર સિંગાપોરના એક બજારની છે. અનલૉક બાદ અહીં વધુ દુકાનો ખૂલી રહી છે.