સર્વ ટુ સિક્યોર પર કામગીરી કરવામાં આવશે, સાયબર ક્રાઈમ પર પણ વધુ ધ્યાન અપાશે : પોલીસ કમિશ્નર

સર્વ ટુ સિક્યોર પર કામગીરી કરવામાં આવશે, સાયબર ક્રાઈમ પર પણ વધુ ધ્યાન અપાશે : પોલીસ કમિશ્નરશહેરના પોલીસ કમિશ્નર તરીકે સંજય શ્રીવાસ્તવે આજે બપોરે ચાર્જ સંભાળી લીધો છે. શાહીબાગ પોલીસ કમિશ્નર ઓફિસ ખાતે તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ નવા પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવનું સ્વાગત કર્યું હતું. ક્રાઈમ બ્રાન્ચ જેસીપી અમિત વિશ્વકર્માએ સૌથી પહેલા સ્વાગત કરી આવકાર્યા હતા. તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને તેઓ મળ્યા હતા.

મહિલાઓ, બાળકો અને સિનિયર સીટીઝનોની સુરક્ષા પર વધુ ધ્યાન આપવામાં આવશે પોલીસ કમિશ્નરના ચાર્જ સંભાળતા તેઓએ જણાવ્યું હતું કે શહેરમાં મહિલાઓ, બાળકો અને સિનિયર સીટીઝનોની સુરક્ષા પર વધુ ધ્યાન આપવામાં આવશે. સર્વ ટુ સિક્યોર એટલે કે સલામતી પુરી પાડીએ. પોલીસ પ્રજાલક્ષી કામ કરી અને સલામતીનો અનુભવ કરાવે તેવી કામગીરી કરવામાં આવશે. પ્રજાને સાથે રાખી પોલીસ કામ કરશે. હાલમાં પ્રાથમિકતા કોરોના ઉપર રહેશે. સરકારના દરેક વિભાગ કામ કરી રહ્યા છે તેમની સાથે પોલીસ ખભેખભો મિલાવી કામ કરશે. પ્રજાને પોલીસ પાસે ન આવવું પડે અને અમે એટલે કે પોલીસ પ્રજા પાસે જઈ તેમની તકલીફો સાંભળીએ અને દૂર કરીએ તેવો પ્રયત્ન રહેશે. સાયબર ક્રાઈમના ગુનાઓમાં વધારો થયો છે. ખાસ કરીને કોરોનાનાં સમયમાં આ ગુના વધી રહ્યા છે જેથી તેના ઉપર પણ વધુ ધ્યાન આપવામાં આવશે. સાથી અધિકારીઓ સાથે મળી અને ટીમવર્ક તરીકે કામ કરવામાં આવશે. પ્રજાની સાથે રહી પોલીસ અધિકારીઓ ટીમવર્ક કરીને કામ કરશે તો અમદાવાદને સલામત શહેર બનાવી શકાશે. મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ મારી પસંદગી કરી અને નવી જવાબદારી અને અનુભવ થાય તે માટે નિમણુંક કરી છે તે બદલ તેમનો આભાર માન્યો હતો. રક્ષાબંધન પર્વની પણ તેઓએ શુભેચ્છાઓ પાઠવી હતી.

35મા પોલીસ કમિશ્નર તરીકે નિમણૂક સંજય શ્રીવાસ્તવ 1987ની બેચના IPS અધિકારી છે અને હાલમાં તેઓ સીઆઈડી ક્રાઈમના વડા તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે હવે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે. સંજય શ્રીવાસ્તવ અમદાવાદના 35મા પોલીસ કમિશ્નર તરીકે નીમાયા છે. તાજેતરમાં જ તેમને DG તરીકેનું પ્રમોશન પણ મળ્યું છે. અમદાવાદ શહેર રાજ્યનું સૌથી મોટું શહેર છે અને શહેરના પોલીસ કમિશ્નરના શિરે અનેક જવાબદારી રહેલ છે. જેથી અનુભવના આધારે સંજય શ્રીવાસ્તવની નિમણૂક કરવામાં આવી છે.New city police commissioner Sanjay Srivastava takes charge, guard of honor given