સરોજ ખાનને લાગતું હતું કે માધુરી ‘એક, દો, તીન...’ ગીત પર ડાન્સ નહીં કરી શકે, એક્ટ્રેસે કોરિયોગ્રાફરની વાતને ખોટી પાડી હતી

સરોજ ખાનને લાગતું હતું કે માધુરી ‘એક, દો, તીન...’ ગીત પર ડાન્સ નહીં કરી શકે, એક્ટ્રેસે કોરિયોગ્રાફરની વાતને ખોટી પાડી હતીમાધુરી દીક્ષિતનું નામ જ્યારે પણ લેવામાં આવે ત્યારે તેના ગીતોની વાત અચૂકથી થાય છે. માધુરીની ફિલ્મ ‘તેઝાબ’નું ગીત ‘1, 2, 3...’ યાદ આવી જ જાય છે. આ ગીતની કોરિયોગ્રાફી સરોજ ખાને કરી હતી. માધુરીની કરિયરમાં સરોજ ખાનનું આગવું મહત્ત્વ રહ્યું છે. બંનેએ એકબીજાની સાથે અનેક હિટ સોંગ્સ પર કામ કર્યું હતું. જોકે, પહેલીવાર જ્યારે સરોજ ખાને માધુરી સાથે કામ કર્યું ત્યારે તેમને લાગતું હતું કે એક્ટ્રેસ ‘1, 2, 3...’ પર ડાન્સ કરી શકશે નહીં. જોકે, માધુરીએ તેમને ખોટા પાડ્યાં હતાં. માધુરીએ એક ઈન્ટરવ્યૂમાં આ અંગે વિગતે વાત કરી હતી.

માધુરીએ સરોજ ખાનને ખોટાં સાબિત કર્યાં
બીબીસી એશિયન નેટવર્ક સાથેની વાતચીતમાં માધુરીએ કહ્યું હતું, ‘1, 2, 3...’ના કોરિયોગ્રાફર સરોજ ખાન સાથે મેં ‘ઉત્તર દક્ષિણ’ તથા ‘રામ લખન’માં સાથે કામ કર્યું હતું. સરોજજીને ખ્યાલ હતો કે ભારતીય ક્લાસિકલ ડાન્સ સારો કરી શકું છું પરંતુ તેઓ કહેતાં કે આ છોકરી વેસ્ટર્ન ડાન્સ કરી શકશે નહીં.’

‘1, 2, 3...’ ગીતને કારણે માધુરીની અલગ જ ઓળખ બની હતી

માધુરીને પૂછવામાં આવ્યું કે તો તમે ‘1, 2, 3..’ ગીતમાં વેસ્ટર્ન ડાન્સ કરીને કેવી રીતે સરોજ ખાનને ખોટાં પાડ્યાં, જેના જવાબમાં એક્ટ્રેસે કહ્યું હતું, ‘ગીતના શૂટિંગ પહેલાં અમે અનેકવાર રિહર્સલ કર્યું હતું. આ સમયે મેં બોલિવૂડ ડાન્સિંગ સ્ટાઈલ શું હોય છે, તે બાબત શીખી હતી. મને લાગે છે કે મેં આ ગીતમાં સારું કામ કર્યું છે પરંતુ આ સરોજજી વગર ક્યારેય શક્ય નહોતું.’

આ ગીતને કારણે માધુરી સ્ટાર બની
આ ગીત સાથે જોડાયેલી વાત કરતાં માધુરીએ કહ્યું હતું, ‘જ્યારે ‘તેઝાબ’ રિલીઝ થઈ ત્યારે હું ભારતમાં નહોતી. હું મારી બહેનના લગ્નમાં અમેરિકા ગઈ હતી. મને ખ્યાલ નહોતો કે ‘એક, દો, તીન...’ ગીત આટલું હિટ જશે. મારા સેક્રેટરી રાકેશ નાથે મને ફોન કરીને કહ્યુ હતું કે ફિલ્મ હિટ ગઈ છે અને મને સહેજ પણ વિશ્વાસ થયો નહોતો. ‘તેઝાબ’ મારી પહેલી હિટ ફિલ્મ હતી.’

અંતિમ ફિલ્મ માધુરીની સાથે
સરોખ ખાને અંતિમ ગીત ગયા વર્ષે કરન જોહરની ફિલ્મ ‘કલંક’ માટે કોરિયોગ્રાફ કર્યું હતું. આ ગીત ‘તબાહ હો ગયે’ હતું. આ ગીતમાં માધુરી દીક્ષિત જોવા મળી હતી.

‘કલંક’ ના સેટ પર સરોજ ખાન તથા માધુરી દીક્ષિત

માધુરીએ શોક પ્રગટ કર્યો
સરોજ ખાનના નિધનથી માધુરી દીક્ષિત દુઃખી છે. તેણે સોશિયલ મીડિયામાં સરોજ ખાન સાથેની તસવીરો શૅર કરીને શ્રદ્ધાંજલિ પાઠવીને કહ્યું હતું, ‘હું ઘણી જ દુઃખી છું અને આજે શબ્દો પણ ખૂટી પડ્યાં છે. સરોજજી મારી કરિયરની શરૂઆતથી મારી સાથે હતાં. તેમણે મને માત્ર ડાન્સ નથી શીખવ્યો પરંતુ ઘણું બધું શીખવ્યું હતું. મારા મનમાં તેમની યાદો છે. હું તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કર્યું છે.’