સરમુખત્યારશાહી સામે 37 વર્ષની શિક્ષિકાએ પડકાર ફેંક્યો, કહ્યું- ચૂંટણી હારી છું, હિંમત નહીં, સંઘર્ષ જારી રહેશે

સરમુખત્યારશાહી સામે 37 વર્ષની શિક્ષિકાએ પડકાર ફેંક્યો, કહ્યું- ચૂંટણી હારી છું, હિંમત નહીં, સંઘર્ષ જારી રહેશેબેલારુસના 65 વર્ષીય રાષ્ટ્રપ્રમુખ લુકાશેન્કો છઠ્ઠી વખત પ્રમુખપદની ચૂંટણી જીતી ગયા છે. તેમણે પ્રતિસ્પર્ધી સ્વેતલાના તિખાનોવ્સનાને હરાવી છે. તેઓ 1994માં પહેલી વાર ચૂંટણી જીતીને સત્તા પર આવ્યા હતા ત્યારે સ્વેતલાના 9 વર્ષની હતી. હવે 37 વર્ષની સ્વેતલાનાએ લુકાશેન્કોની સત્તાને પડકારી હતી.

ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ મીડિયા સાથે ચર્ચામાં સ્વેતલાનાએ કહ્યું કે લોકોએ રસ્તા પર ઉતરીને વિરોધ વ્યક્ત કર્યો તે એ વાતનો સાફ સંદેશ છે કે ચૂંટણીમાં ગેરરીતિ થઇ છે. મારી રેલીઓમાં ઉમટેલી ભીડથી નક્કી હતું કે લોકો પરિવર્તન ઇચ્છતા હતા પણ તેવું થવા ન દેવાયું. હું ચૂંટણી ભલે હારી ગઇ પણ હિંમત નથી હારી. તાનાશાહી વિરુદ્ધ મારો સંઘર્ષ જારી રહેશે. સ્વેતલાના જેલમાં કેદ પતિની જગ્યાએ આ ચૂંટણી લડી હતી. તેણે વિપક્ષની ઘણી મોટી રેલીઓની આગેવાની કરી. આ રેલીઓમાં ઐતિહાસિક ભીડ ઊમટી હતી. દેશમાં આવું પહેલાં ક્યારેય થયું નહોતું. વિપક્ષે પહેલાં જ કહ્યું હતું કે તેમને ચૂંટણીમાં ગેરરીતિની આશંકા છે. સ્વેતલાના શિક્ષિકા રહી ચૂકી છે. સક્રિય રાજકારણમાં આવી એ પહેલાં તે ગૃહિણીની જેમ સંતાનોને સમય આપી રહી હતી. પતિની ધરપકડ અને વોટ માટે રજિસ્ટ્રેશન પર રોક બાદ તેણે રાજકારણમાં ઝુકાવ્યું. તે શરૂથી જ કહી રહી છે કે બેલારુસમાં નિષ્પક્ષ ચૂંટણી શક્ય નથી. આપણા રાષ્ટ્રપ્રમુખે સમજવું પડશે કે તેમનો સમય હવે પૂરો થઇ ગયો છે, હવે લોકોને તેઓ પસંદ નથી.

તાજેતરમાં વિપક્ષની સૌથી મોટી રેલીમાં પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો એક્ઝિટ પોલનાં તારણો સામે આવ્યા બાદ મિન્સ્કમાં તથા અન્ય શહેરોમાં થયેલા દેખાવો દરમિયાન પોલીસ અને દેખાવકારો વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. મિન્સ્કમાં પોલીસે દેખાવકારોને વિખેરવા માટે સુન્ન કરી દે તેવા હેન્ડગ્રેનેડનો ઉપયોગ કર્યો હતો, જેનાથી ઘણા લોકો ઘાયલ થયા. કહેવાય છે કે રવિવારે એક્ઝિટ પોલ બાદ બેલારુસમાં વિપક્ષની તાજેતરના ભૂતકાળની સૌથી મોટી રેલી જોવા મળી.સ્વેતલાના તિખાનોવ્સના.