સરદારનગરમાં થયેલી 52 લાખની ચોરી મામલે ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી છે. સોનુ નામના આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને સાથે જ પોલીસે રોકડ રકમ સહિત 25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે અન્ય એક આરોપીની શોધખોળ ચાલુ છે. હાલ પોલીસે આરોપી પાસેથી વધુ વિગત મેળવવા માટે પૂછપરછ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
નિવૃત શિક્ષકના ઘરમાંથી કરી હતી ચોરીશહેરના સરદારનગર વિસ્તારમાં કુબેરનગરમાં આવેલા ન્યૂ જી વોર્ડમાં રહેતા નિવૃત્ત શિક્ષકના ઘરમાંથી રૂ. 52 લાખની ચોરીની ઘટના બની હતી. તસ્કરો ઘરમાં રહેલી તિજોરીમાંથી રોકડ રૂ.50 લાખ અને સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. નવું મકાન લેવા લોકડાઉન પહેલા ઉછીના અને બચતના મળી રૂ. 50 લાખ રૂપિયા તસ્કરો ચોરી જતાં ફરિયાદના આધારે સરદારનગર પોલીસે તપાસ શરૂ કરી હતી.
પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરી હતીકુબેરનગરના ન્યૂ જી-વૉર્ડમાં રહેતા ઉત્તમચંદ ગોલાણી નિવૃત્ત શિક્ષક છે. દીકરા માટે ચિલોડા પાસે તેઓને નવું મકાન લેવાનું હોવાથી માર્ચ મહિનામાં પાડોશી પાસેથી રૂપિયા 20 લાખ ઉછીના લીધા હતા. જ્યારે તેમના પત્નીએ રૂપિયા 17 લાખની બચત અને તેમના દીકરાના ધંધામાંથી લાવેલા 13 લાખ રૂપિયા રોકડા મળી કુલ 50 લાખ રૂપિયા અને બીજા સોનાના દાગીના તીજોરીમાં મૂક્યા હતા. પહેલી જુલાઈના વહેલી સવારે તેઓ જાગી જતા તેઓએ જોયું તો તિજોરીના દરવાજા તૂટેલા હતા અને લોકર પણ તૂટેલું હતું. જેમાં તપાસ કરતા રોકડ રકમ અને દાગીનાની ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી સમગ્ર ઘટનાની જાણ તેમણે પોલીસને કરી હતી. સરદારનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ જોતા બે અજાણ્યાં શખ્સ જોવા મળ્યા હતાં હાલમાં પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે.
પોલીસે 25 લાખના મુદ્દામાલ સાથે ઝડપેલો આરોપી સોનુ