સચિનને પહેલીવાર બોલિંગ કરતી વખતે શોએબ અખ્તરે પોતાને કહ્યું હતું- આ ભગવાન છે? આજે તેને નહિ છોડું

સચિનને પહેલીવાર બોલિંગ કરતી વખતે શોએબ અખ્તરે પોતાને કહ્યું હતું- આ ભગવાન છે? આજે તેને નહિ છોડુંસચિન તેંડુલકર અને રાવલપિંડી એક્સપ્રેસ તરીકે ઓળખાતા પાકિસ્તાનના ફાસ્ટ બોલર શોએબ અખ્તર વચ્ચે મેદાનમાં ઘણી રસપ્રદ ટક્કર જોવા મળી છે. એક દિવસ પહેલા શોએબે પાકિસ્તાની ન્યૂઝ ચેનલ એઆરવાય ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં પહેલીવાર સચિનને ​​બોલિંગ કરવાનો અનુભવ શેર કર્યો હતો. તેણે કહ્યું કે 1999માં કોલકાતા ટેસ્ટમાં મેં પહેલીવાર સચિન સામે બોલિંગ કરી હતી.

અખ્તરે કહ્યું કે તે સમયે તેંડુલકર વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન હતા. મેં સાંભળ્યું હતું કે તે ભગવાન છે. તેમને બોલિંગ કરતા પહેલાં મેં પોતાને કહ્યું - આ ભગવાન છે? આજે તેને નહિ છોડું. અમે બંને એકબીજાને ઓળખતા નહોતા. તેમજ પોતપોતાના ઍટિટ્યૂડમાં હતા. હું તેમને પહેલા બોલે જ આઉટ કરવા માગતો હતો અને તેવું જ થયું.

સચિનને કોલકાતા ટેસ્ટમાં પહેલા બોલે બોલ્ડ કર્યા હતા

અખ્તરે કોલકાતા ટેસ્ટમાં સચિનને પહેલા બોલે જ ક્લીન બોલ્ડ કર્યા હતા. તે સિવાય તેણે વીવીએસ લક્ષ્મણ, રાહુલ દ્રવિડ અને વેંકટેશ પ્રસાદની વિકેટ લીધી હતી.તેણે ફર્સ્ટ ઇનિંગ્સમાં 71 રન આપીને 4 વિકેટ લીધી હતી. બીજી ઇનિંગ્સમાં પણ ચાર શિકાર કર્યા હતા. પાકિસ્તાન આ ટેસ્ટ 46 રને જીત્યું હતું.

BCCI પર T-20 વર્લ્ડ કપ રદ કરવાનો આરોપ લગાવ્યો

અખ્તર સતત વિવાદિત નિવેદન આપતો રહે છે. તેણે 10 દિવસ પહેલા પાકિસ્તાની ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં BCCI પર આરોપ લગાવ્યો હતો કે તેણે IPL કરાવવા T-20 વર્લ્ડ કપ રદ કરાયો છે. ત્યારે અખ્તરે એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલને કહ્યું હતું કે - આજે ફક્ત શક્તિશાળી મનુષ્ય અને શક્તિશાળી બોર્ડ (BCCI) ક્રિકેટ ચલાવી રહ્યા છે. આ વર્ષ એશિયા કપ થઈ શકે તેમ હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચની પણ સારી તક હતી.T-20 વર્લ્ડ કપ પણ થાય એમ જ હતો, પરંતુ મેં રાશિદને કહ્યું હતું કે આ (BCCI) શક્તિશાળી લોકો તે થવા દેશે નહીં. આ બધું 6 મહિનાથી ચાલતું હતું. BCCI ઇચ્છે છે કે, IPLને નુકસાન ન થાય, પછી ભલેને તે માટે T-20 વર્લ્ડ કપ ભાડમાં જાય.

અખ્તરે કોલકાતા ટેસ્ટમાં સચિનને પહેલા બોલે જ ક્લીન બોલ્ડ કર્યા હતા. તે સિવાય તેણે વીવીએસ લક્ષ્મણ, રાહુલ દ્રવિડ અને વેંકટેશ પ્રસાદની વિકેટ લીધી હતી. -ફાઇલ ફોટો