Translate to...

સચિનના ખભે બોલ વાગવા છતાં હાર્પરે LBW આપ્યો હતો, 21 વર્ષ પછી કહ્યું- ઘણા દિવસ સુધી ખરાબ સપના આવતા રહ્યા

સચિનના ખભે બોલ વાગવા છતાં હાર્પરે LBW આપ્યો હતો, 21 વર્ષ પછી કહ્યું- ઘણા દિવસ સુધી ખરાબ સપના આવતા રહ્યા




ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ અમ્પાયર ડેરિલ હાર્પરે 1999માં સચિન તેંડુલકરના ખભે બોલ વાગવા છતાં LBW આપ્યો હતો. આ કારણોસર ભારતમાં હાર્પરને હંમેશાં યાદ કરવામાં આવે છે, પરંતુ તેમને આ નિર્ણય પર કોઈ અફસોસ નથી. હાર્પરે કહ્યું કે, મેં નિયમ મુજબ નિર્ણય લીધો હતો. જોકે, પછી મને ઘણા દિવસો સુધી ખરાબ સપના આવ્યા હતા. સચિન અને ગ્લેન મેક્ગ્રા સપનામાં આવતા હતા.

એડિલેડમાં રમાયેલી આ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 285 રનથી હરાવ્યું હતું. આ સીરિઝમાં સચિન જ કપ્તાની કરી રહ્યો હતો.

ખાતું ખોલ્યા વગર આઉટ થયો હતો સચિન

સચિને ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં 61 રન બનાવ્યા હતા, જ્યારે બીજી ઇનિંગ્સમાં શૂન્ય રને મેક્ગ્રાની બોલિંગમાં LBW આઉટ થયો હતો. મેક્ગ્રાના શોર્ટ બોલથી બચવા સચિન બેસી ગયો હતો. આ દરમિયાન બોલ તેના ખભે વાગ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમે અપીલ કરી તો હાર્પરે આઉટ આપ્યો હતો.

મને નિર્ણય પર ગર્વ છે: હાર્પર

હાર્પરે એશિયાનેટ ન્યૂઝેબલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું 'તેંડુલકર નિર્ણય'ને રોજ જોઉં છું. એવું નહોતું કે હું સૂતો નહોતો. મને ખરાબ સપના આવતા હતા. મારા મગજમાં રિપ્લે ચાલતો હતો. મને આવતા જતા સચિન-મેક્ગ્રાની પેન્ટિંગ દેખાતી હતી. મેં મેચમાં નિયમો અનુસાર કોઈનાથી ડર્યા વિના નિર્ણય આપ્યો હતો. મને આ નિર્ણય પર ગર્વ છે. કદાચ તમને આ જાણીને દુખ થઈ શકે છે. "સચિને 200 ટેસ્ટમાં 15921, 463 વનડેમાં 18426 રન બનાવ્યા છે. તેણે એકમાત્ર T-20 માં 10 રન બનાવ્યા હતા. સચિને IPLની 78 મેચોમાં 2334 રન બનાવ્યા છે.

સચિને પણ કહ્યું હતું કે, તે ખરેખર આઉટ હતો

પૂર્વ અમ્પાયરે કહ્યું, "મેચ બાદ ICC અધિકારીએ મને કહ્યું કે વિશ્લેષણ માટે તેમણે મારા નિર્ણયની નોંધ લીધી નથી." હું 20 વર્ષ પછી તે જ સુંદર ગ્રાઉન્ડ (એડિલેડ)માં ડિસેમ્બર 2018માં BCCIના મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદને મળ્યો. તેણે મને કહ્યું કે મેચ બાદ સચિને કહ્યું કે તે ખરેખર આઉટ જ છે. ત્યારે પ્રસાદે એમ પણ કહ્યું કે મને પણ લાગ્યું કે તે આઉટ થયા છે." 1999ની મેચમાં વિકેટકીપર પ્રસાદ તેની ચોથી ટેસ્ટ રમી રહ્યો હતો.





મેક્ગ્રાના શોર્ટ બોલથી બચવા સચિન નીચે બેસી ગયો અને બોલ તેના ખભે વાગ્યો હતો. અમ્પાયર ડેરિલ હાર્પરે તેને LBW આઉટ આપ્યો હતો.