સકલૈન મુસ્તાકે પત્નીને સાથે રાખવા હોટલના કબાટમાં સંતાડી હતી, ત્યારે અઝહર અને યુસુફે પકડી લીધા હતા

સકલૈન મુસ્તાકે પત્નીને સાથે રાખવા હોટલના કબાટમાં સંતાડી હતી, ત્યારે અઝહર અને યુસુફે પકડી લીધા હતા



પાકિસ્તાનના પૂર્વ સ્પિનર ​​સકલૈન મુસ્તાકે 1999ના વર્લ્ડ કપનીયાદો ફેન્સ સાથે શેર કરી હતી. તેમણે કહ્યું કે ટૂર્નામેન્ટની મધ્યમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ખેલાડીઓને તેમના પરિવારને ઘરે મોકલવા કહ્યું હતું. મુસ્તાકે આ વાત ન માની અને તેમની પત્નીને હોટલના કબાટમાં સંતાડી દીધી હતી. પરંતુ અઝહર મેહમુદ અને યુસુફે તેમને પકડ્યા હતા.

પાકિસ્તાનની ટીમ 1999ના વર્લ્ડ કપમાં ફાઇનલમાં પહોંચી હતી.તેણે ઓસ્ટ્રેલિયાને 133 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે કાંગારૂએ 20.1 ઓવરમાં ચેઝ કર્યો હતો. 8 વિકેટે મેચ જીતીને ઓસ્ટ્રેલિયા બીજીવાર વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું.

મુસ્તાકના લગ્ન 1998માં થયા હતા
રોનક કપૂરના શો બિયોન્ડ ધ ફિલ્ડમાં ચાહકોના સવાલ પર મુસ્તાકે કહ્યું, "હા, તે સાચી વાત છે. મારો લગ્ન 1998માં થયા હતા. મારી પત્ની લંડનમાં રહેતી હતી અને તે 1999 વર્લ્ડ કપમાં મારી સાથે હોટેલમાં રોકાઈ હતી. મારી સેટ પેટર્ન એ હતી કે હું દિવસ દરમિયાન એક પ્રોફેશનલની જેમ સખત મહેનત કરતો હતો. સાંજનો બધો સમય પત્નીને આપતો હતો. ત્યારે અચાનક તેમણે કહ્યું કે પરિવારને પરત મોકલો. આ અંગે હેડ કોચ રિચાર્ડ પાયબસ સાથે વાત કરી. "

મેનેજર અને અધિકારીએ ઘણી વાર તપાસ કરી,પણ કંઈ મળ્યું નહીં
તેમણે કહ્યું, "હું અર્થહીન વસ્તુઓનો ઉપયોગ કરવામાં માનતો નથી." આ કારણોસર, મેં તે નિર્ણય સ્વીકાર્યો નહીં. મેનેજર અને કોચની સાથે ઘણા ખેલાડીઓ તપાસ કરવા અને વાત કરવા માટે રૂમમાં આવતા હતા. એકવાર કોઈના દરવાજા ખખડાવવા પર મેં પત્નીને કબાટમાં સંતાડી દીધી હતી. ત્યારે મેનેજર અને એક અધિકારી આવ્યા હતા. તેમને રૂમમાં કઈ ન મળ્યું. પછી અઝહર મેહમુદ અને યુસુફ રૂમમાં આવ્યા, તેમને શંકા થઈ અને હું પકડાઈ ગયો હતો. ત્યારે મેં પત્નીને પણ કબાટમાંથી બહાર કાઢી હતી.

ફાઇનલમાં મુસ્તાકે એક વિકેટ લીધી હતી
મુસ્તાકે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે 4.1 ઓવરમાં 21 રન આપીને 1 વિકેટ લીધી હતી. તેમણે પાકિસ્તાન માટે 49 ટેસ્ટમાં 208 અને 169 વનડેમાં 228 વિકેટ લીધી હતી.









સકલૈન મુસ્તાક (જમણી બાજુ), પત્ની અને પરિવારના અન્ય સદસ્યો.