Translate to...

શ્રીલંકાના પૂર્વ કેપ્ટન સંગાકારાએ કહ્યું- ICC ચેરમેન બનવા માટે ગાંગુલી યોગ્ય વ્યક્તિ, તેમનામાં ક્રિકેટની સારી સમજ છે

શ્રીલંકાના પૂર્વ કેપ્ટન સંગાકારાએ કહ્યું- ICC ચેરમેન બનવા માટે ગાંગુલી યોગ્ય વ્યક્તિ, તેમનામાં ક્રિકેટની સારી સમજ છેશ્રીલંકાના પૂર્વ કેપ્ટન કુમાર સંગાકારાએ પણ ક્રિકેટ સાઉથ આફ્રિકાના ડિરેક્ટર ગ્રીમ સ્મિથ પછી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC)ના આગામી અધ્યક્ષ તરીકે સૌરવ ગાંગુલીને સમર્થન આપ્યું છે. સંગાકારાએ ગાંગુલીની પ્રશંસા કરતાં કહ્યું કે તેમને ક્રિકેટની બહુ સારી સમજ છે અને આ જવાબદારી નિભાવવા માટે તે યોગ્ય વ્યક્તિ છે. સંગાકારાએ ઈન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં આ વાત કરી હતી.

સંગાકારાએ વધુમાં કહ્યું કે, BCCI અધ્યક્ષ ઇન્ટરનેશનલ ક્રિકેટને આગળ લઈ જવા માટે શ્રેષ્ઠ વ્યક્તિ છે કારણ કે તે આ રમતને સમજે છે. શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટને વધુમાં કહ્યું કે તે ગાંગુલીનો મોટો ચાહક છે અને માને છે કે BCCI અધ્યક્ષ હંમેશાં રમતની વધુ ભલાઈ જ ઇચ્છે છે.

ગાંગુલી ક્રિકેટમાં બદલાવ લાવી શકે છે: સંગાકારા

સંગાકારાએ કહ્યું કે મને લાગે છે કે સૌરવ ક્રિકેટમાં ચોક્કસપણે પરિવર્તન લાવી શકે છે. હું દાદાનો એક મોટો ચાહક છું, ફક્ત એક ક્રિકેટર તરીકેના તેમના કદને કારણે જ નહીં, પણ મને લાગે છે કે તેમની પાસે સારું ક્રિકેટિંગ બ્રેન છે. રમત તેમના હૃદયની ટોચ પર છે અને આ વિચારસરણી બદલાશે નહીં. પછી ભલે તમે BCCI કે ECB અથવા CA અથવા અન્ય કોઈ બોર્ડના અધ્યક્ષ બન્યા પછી ICCના અધ્યક્ષ પદની જવાબદારી સ્વીકારો છો.

શશાંક મનોહરે ICCનું અધ્યક્ષ પદ છોડ્યું

શશાંક મનોહરે તાજેતરમાં જ બે ટર્મ બાદ ICCનું અધ્યક્ષ પદ છોડ્યું છે. ત્યારબાદથી ગાંગુલીનું નામ આ પદ માટે ચર્ચામાં આવ્યું છે. જોકે, આ જવાબદારી સંભાળવાનો તેમણે હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી. જો તે ICCના અધ્યક્ષ બનવાની રેસમાં જોડાય છે, તો તેમના માટે જીતવું સરળ રહેશે.

સુપ્રીમ કોર્ટે 22 જુલાઈએ BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ પોતાનું પદ જાળવી રાખશે કે કુલિંગ ઓફ પીરિયડ પર જશે તે અંગે નિર્ણય લેવાનો હતો. જો કે, કોર્ટે તે દિવસે ટૂંકી સુનાવણી બાદ કહ્યું કે, તે આ મામલે બે અઠવાડિયા પછી ફરી સુનાવણી કરશે. જેથી હવે તેઓ કૂલિંગ ઓફ પીરિયડમાં જશે કે BCCIમાં કામગીરી ચાલુ રાખશે તે બે અઠવાડિયા પછી ખબર પડશે.

BCCIએ તેના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહની મુદત વધારવા અને બોર્ડના બંધારણમાં સુધારો કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ગયા વર્ષે ઓક્ટોબરમાં પદ સંભાળનાર ગાંગુલીનો જુલાઇ અને શાહનો (જૂનમાં) કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. બંનેએ ત્રણ વર્ષ ફરજિયાત બ્રેક (કૂલિંગ ઓફ પીરિયડ) પર જવું પડશે.

કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (COA)એ એક નિયમ બનાવ્યો હતો કે જો કોઈ વ્યક્તિ સ્ટેટ ક્રિકેટ એસોસિએશન અથવા BCCIમાં સતત 6 વર્ષ કોઈ પદ સંભાળે છે, તો તેણે 3 વર્ષના કૂલિંગ ઓફ પીરિયડમાં પણ જવું પડશે. તેને સુપ્રીમ કોર્ટે પણ મંજૂરી આપી દીધી હતી.સૌરવ ગાંગુલી 5 વર્ષ 3 મહિના બંગાળ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રહ્યા છે. તેથી તેમની પાસે BCCI અધ્યક્ષ તરીકે 9 મહિનાનો કાર્યકાળ જ બાકી રહ્યો હતો. જે આ મહિને સમાપ્ત થઈ રહ્યો છે. -ફાઇલ