નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં બુધવારે રાત્રે 3 વાગ્યાની આસપાસ ICU વોર્ડમાં શોર્ટ સર્કિટથી લાગેલી આગમાં કોરોનાના 8 દર્દીનાં મૃત્યુ થયા હતા. મોટાભાગના દર્દી દાઝી જવાથી કે ગૂંગળાઈ જવાથી મૃત્યુ પામ્યા હતા. જ્યારે કોરોનાના અન્ય 41 દર્દીના જીવ બચી ગયા હતા. હાલ SVP હોસ્પિટલમાં દાખલ આ 41 દર્દીના જીવ બચાવવામાં નવરંગપુરા પોલીસ સ્ટેશનના મહિલા PSIનો પણ ફાળો છે. તેઓ કન્ટ્રોલમાંથી મેસેજ મળતા ટીમ સાથે 10 મિનિટમાં જ શ્રેય હોસ્પિટલે પહોંચ્યા હતા
PPE કિટ પહેરવા માટે ક્ષણનો પણ વિચાર કર્યો નહીં કોરોનાની સ્થિતિમાં જ્યારે કોરોનામુક્ત થઈને પરત ઘરે આવનાર વ્યક્તિથી પણ લોકો દૂર રહે છે ત્યારે કોરોનાના દર્દીઓના સંપર્કમાં આવવાના ડર અંગે કલ્પના જ શું કરવી. પરંતુ મહિલા મહિલા PSI કે.એમ.પરમારે દર્દીનાજીવ બચાવવા ના તો PPE કિટ પહેરવા માટે કે અન્ય સાવધાની રાખવા ક્ષણનો પણ વિચાર કર્યો નહીં અને સીધા જ સેકન્ડ અને થર્ડ ફ્લોર પર પહોંચ્યા. ત્યાર બાદ ફાયર બ્રિગેડ અને હોસ્પિટલના સ્ટાફની મદદથી 41 દર્દીને સલામત રીતે હોસ્પિટલની બહાર લાવ્યા. મહિલા PSI પરમારના કામગીરીની ઉચ્ચ અધિકારીઓએ પણ પ્રશંસા કરી છે. આ કામગીરી અન્ય લોકો માટે પણ ઉદાહરણરૂપ છે.
અમે પહોંચ્યા ત્યારે ત્રણ-ચાર માણસો બચાવો બચાવોની ચીસો પાડી રહ્યા હતાઃ મહિલા PSI તે ગોઝારી રાતનો અનુભવ વર્ણવતા મહિલા PSI કે.એમ.પરમારે જણાવ્યું કે, અમે જ્યારે પહોંચ્યા ત્યારે બહાર અવાજ આવતો હતો અને કાચમાંથી દેખાતું હતું કે ત્રણ-ચાર માણસો બચાવો બચાવોની ચીસો પાડી રહ્યા હતા. અમારી ગાડીમાંથી ભરતભાઈ સાથેનો સ્ટાફ ઉપર ગયો. જ્યાં હોસ્પિટલનો સ્ટાફ ટ્રાય કરતો હતો. જ્યાં અમે તેમની સાથે મળીને ફાયર એક્સ્ટિંગ્વિશર ફોડીને ટ્રાય કરી પણ અંદર જઈ શકાયું નહીં. ત્યાર બાદ નીચે આવ્યા પણ નીચેથી અંદર જઈ શકાય તેમ નહોતું. ત્યાં સુધીમાં ફાયર બ્રિગેડ આવી ગઈ હતી, જેથી અમે તેની મદદથી બીજા અને થર્ડ ફ્લોરના દર્દીને ગ્રાઉન્ડ ફ્લોર પર લાવ્યા. 41 દર્દીને નીચે લાવીને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કર્યા હતા. કોરોનાના ડર અંગે કહ્યું કે, લોકોને બૂમ પાડતા જોઈ અમને લાગ્યું નહીં કે PPE કિટ પહેરવા વિચારવું જોઈએ. આ અમારી ફરજનો ભાગ હતો.
shrey hospital fire tragedy: woman PSI rescue 41 corona patients