Translate to...

શેડયૂલમાં 2 દિવસનો વધારો થયો, 10 નવેમ્બરે પહેલીવાર વીક-ડે પર ફાઇનલ થશે; ચાઇનીઝ કંપની વીવો ટાઇટલ સ્પોન્સર બની રહેશે

શેડયૂલમાં 2 દિવસનો વધારો થયો, 10 નવેમ્બરે પહેલીવાર વીક-ડે પર ફાઇનલ થશે; ચાઇનીઝ કંપની વીવો ટાઇટલ સ્પોન્સર બની રહેશે
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ને 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર દરમિયાન કરાવવાનો નિર્ણય લીધો છે. BCCIના એક વરિષ્ઠ અધિકારીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે ટૂર્નામેન્ટમાં રવિવારે 2-2 મેચ રમાશે. સાંજની મેચો જૂના શેડયૂલથી અર્ધી કલાક પહેલાં એટલે કે 7.30 વાગ્યે શરૂ થશે. ઉપરાંત, ચાઇનીઝ મોબાઇલ કંપની વિવો ટાઇટલ સ્પોન્સર બની રહેશે.

દરેક ફ્રેન્ચાઇઝ માટે મેક્સિમમ (વધુમાં વધુ) સ્ક્વોડ લિમિટ 24 ખેલાડીઓની છે. એટલે કે દરેક ટીમમાં વધુમાં વધુ 24 ખેલાડીઓ હોય શકે છે. ટૂર્નામેન્ટમાં દસ દિવસ ડબલ-હેડર એટલે કે એક દિવસે 2 મેચ રમાશે. ફ્રેન્ચાઇઝને કહેવામાં આવ્યું છે કે તેઓ ટૂર્નામેન્ટ દરમિયાન ઈચ્છે એટલી વાર કોવિડ-19 ટેસ્ટ કરાવી શકે છે.

10 નવેમ્બર મંગળવાર છે. IPLના ઇતિહાસમાં આ પહેલીવાર હશે, જ્યારે ફાઇનલ વીક-ડે ​​પર રમવામાં આવશે. અધિકારીએ જણાવ્યું કે, આ વખતે કોરોનાને કારણે ટૂર્નામેન્ટ બાયો-સુરક્ષિત વાતાવરણમાં રમાશે. ઘણી ગાઈડલાઇન્સનું પણ ધ્યાન રાખવું પડશે. આ કારણે ટૂર્નામેન્ટમાં બે દિવસનો વધારો કરવામાં આવ્યો છે.

ફેન્સની એન્ટ્રી અંગે સવાલનો જવાબ આપતા અધિકારીએ કહ્યું- ટૂર્નામેન્ટમાં ફેન્સની એન્ટ્રી મળી શકે તો સારું રહેશે. આ ક્ષણે, અમારા માટે ખેલાડીઓ સહિત અન્યની સલામતી પ્રાથમિકતા છે. UAE ક્રિકેટ બોર્ડ સાથે ફેન્સની એન્ટ્રી અંગે વાત કરીશું અને ત્યારબાદ જ નિર્ણય લેવામાં આવશે.

રમત મંત્રાલયની મંજૂરી મળી

સરકારની મંજૂરી મેળવવાના સવાલ પર તેમણે કહ્યું કે, IPL માટે રમત મંત્રાલયની મંજૂરી મળી ગઈ છે. અમને આશા છે કે જલ્દી જ ગૃહ અને વિદેશ મંત્રાલય પણ પરવાનગી આપશે.

વીવો IPLને દર વર્ષે 440 કરોડ રૂપિયા આપે છે

મોબાઇલ કંપની વીવો IPLની ટાઇટલ સ્પોન્સર છે, જે દર વર્ષે કોન્ટ્રેક્ટ રૂપે બોર્ડને 440 કરોડ ચૂકવે છે. કંપની સાથે IPLનો 5 વર્ષનો કરાર 2022માં સમાપ્ત થશે.તાજેતરમાં, ભારત સરકારે ચીન સાથેના વિવાદ બાદ સુરક્ષાને કારણે ટિક ટોક, યુસી બ્રાઉઝર સહિત 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.

IPL 3 વેન્યૂ પર, ફિક્સિંગ પર નજર રાખવી સરળ

તાજેતરમાં જ બોર્ડના એન્ટી કરપ્શન યુનિટ (ACU)ના ચીફ અજિત સિંહે કહ્યું હતું કે IPLમાં ભ્રષ્ટાચાર અંગે ટેંશન લેવાની જરૂર નથી.આ વખતે લીગ ફક્ત ત્રણ જગ્યાએ યોજાઈ રહી છે, તેથી મેચ ફિક્સિંગ જેવી બાબતો પર નજર રાખવી વધુ સરળ રહેશે.IPLની મેચ UAEમાં દુબઇ, અબુ ધાબી અને શારજાહમાં યોજાશે, જ્યારે ભારતના 8 સ્થળોએ મેચ રમાતી હતી.અજિત સિંહે કહ્યું, "ACUના 8 અધિકારીઓ પેરોલ પર છે. તેઓ ખાસ ધ્યાન રાખશે. જો જરૂર પડે તો દેખરેખ માટે અમે વધુ અધિકારીઓની નિમણૂક કરીશું. અમે ICCની મદદ પણ લઈ શકીશું."

ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ પ્રારંભિક મેચ રમી શકશે નહીં

ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ પ્રારંભિક મેચ રમી શકશે નહીં. તેઓ પ્રથમ સપ્તાહ પછી જ તેમની સંબંધિત ટીમોમાં જોડાશે.ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ત્રીજી અને છેલ્લી વનડે મેચ 16 સપ્ટેમ્બરે માન્ચેસ્ટરમાં થશે. બંને ટીમોના ખેલાડીઓ 16મી કે પછી બીજા દિવસે લંડનથી દુબઇ જવા રવાના થશે.UAE પહોંચ્યા પછી ત્યાંની સરકારના નિયમો અનુસાર, તેઓએ કોરોના ટેસ્ટ કરાવવો પડશે. જો તેમનો ટેસ્ટ નેગેટિવ આવે તો તે આઇસોલેશન ઝોનની બહાર નીકળી શકશે.લીગમાં ઓસ્ટ્રેલિયાના 17 અને ઇંગ્લેંડના 13 ખેલાડીઓ ભાગ લેવાના છે.

ગઈ વખતે મુંબઇ ઇન્ડિયન્સ ચેન્નાઇ સુપરકિંગ્સને ફાઇનલમાં 1 રને હરાવી ચેમ્પિયન બન્યું હતું.