Translate to...

શેખર કપૂરે પોલીસને મોકલેલા ઈમેલમાં કહ્યું, ‘ફિલ્મ ‘પાની’ નથી બનવાની તે વાત સાંભળીને એક્ટર મારા ખભે માથું મૂકીને રડ્યો હતો’

શેખર કપૂરે પોલીસને મોકલેલા ઈમેલમાં કહ્યું, ‘ફિલ્મ ‘પાની’ નથી બનવાની તે વાત સાંભળીને એક્ટર મારા ખભે માથું મૂકીને રડ્યો હતો’
સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ આત્મહત્યા કરી લેતા બોલિવૂડ તથા ચાહકોને ઘેરો આઘાત લાગ્યો હતો. માનવામાં આવે છે કે સુશાંત ડિપ્રેશનમાં હતો તો કેટલાંકે દાવો કર્યો હતો કે નેપોટિઝ્મને કારણે સુશાંતે આત્મહત્યા કરી હતી. ફિલ્મમેકર શેખર કપૂરે પણ આ વાતનો સંકેત આપતી એક ટ્વીટ કરી હતી. મુંબઈ પોલીસે શેખર કપૂરને સમન્સ પાઠવ્યું હતું. સૂત્રોના મતે, ફિલ્મમેકરે ઈમેલથી પોલીસને પોતાનું સ્ટેટમેન્ટ મોકલાવ્યું છે. શેખર કપૂરે પોતાના નિવેદનમાં ફિલ્મ‘પાની’ ના બનવાને કારણે સુશાંત કેટલો દુઃખી થયો હતો અને તે કેવી રીતે ડિપ્રેશનમાં જતો રહ્યો તેના પર વાત કરી હતી. આ ઉપરાંત શેખર કપૂરે એમ પણ કહ્યું હતું કે સુશાંત ઈન્ડસ્ટ્રીમાં તેની સાથે કરવામાં આવતા ભેદભાવથી પણ નિરાશ હતો.

ટ્વીટને કારણે પોલીસે શેખરનો સંપર્ક કર્યો હતોસૂત્રોના મતે, સીનિયર IPS અધિકારીએ કહ્યું હતું કે શેખર કપૂરની ટ્વીટને કારણે તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પોલીસના મતે, શેખર કપૂરે ઈમેલથી પોતાના જવાબો મોકલી આપ્યા છે. હાલમાં તેઓ મુંબઈમાં નથી. વધુમાં પોલીસ ઈમેલને શેખર કપૂરના નિવેદન તરીકે ગણશે. જોકે, પોલીસે શેખર કપૂરને કહ્યું હતું કે જ્યારે પણ તેઓ મુંબઈ આવે ત્યારે પોતાનું નિવેદન પોલીસ સ્ટેશનમાં આવીને આપી જાય.

સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે શેખર કપૂરે પોતાના ઈમેલમાં કહ્યું હતું,

‘પાની’ મારો ડ્રીમ પ્રોજેક્ટ હતો અને 10 વર્ષ પછી પણ તે અધૂરો છે. સુશાંતના જવાથી હવે ભાગ્યે જ કોઈ તેની જગ્યા લઈ શકશે. મારી આ ફિલ્મ 10 વર્ષથી અટકેલી હતી. વર્ષ 2012-13 દરમિયાન 150 કરોડની મેગા બજેટ ફિલ્મ બનાવવા માટે મારી તથા યશરાજ ફિલ્મ્સના આદિત્ય ચોપરા વચ્ચે મુલાકાત થઈ હતી. મિટિંગમાં નક્કી થયું હતું કે આ ફિલ્મ વર્ષ 2014માં બનાવવામાં આવશે. આ ફિલ્મને લઈ અમને ઘણી અપેક્ષા હતી. યશરાજ સ્ટૂડિયોમાં જ સુશાંત સિંહ રાજપૂત સાથે પહેલીવાર મુલાકાત થઈ હતી. ફિલ્મને લઈ યશરાજે પ્રી પ્રોડક્શનનું કામ શરૂ કરી દીધું હતું. 150 કરોડનું મેગા બજેટ નક્કી હતું અને આ ફિલ્મ ત્રણ-ચાર વર્ષમાં બની જશે. પ્રી પ્રોડક્શનમાં યશરાજે પાંચથી સાત કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. સુશાંત સિંહ રાજપૂતની ડેટ્સ પણ અમે બ્લોક કરી દીધી હતી. ‘પાની’ ફિલ્મના ‘ગોરા’ના પાત્ર સાથે સુશાંત ઘણો જ કનેક્ટ થઈ ગયો હતો. સુશાંત આ રોલનો એડિક્ટ બની ગયો હતો. વર્કશોપ દરમિયાન તેની એક્ટિંગ સ્કીલમાં એક પ્રકારની ધગશ તથા ગાંડપણ જોવા મળતું હતું. જ્યારે પણ પ્રોડક્શનને લઈ મિટિંગ હોય ત્યારે સુશાંત નાનામાં નાની વાતને સમજવાનો પ્રયાસ કરતો હતો.

આ રીતે અમે બંને મિત્રો બની ગયા હતાં અને અમે અંગત જીવનની સાથે સાથે ક્વોન્ટમ ફિઝિક્સથી લઈને બધી જ વાતો શૅર કરતાં હતાં. તે પોતાના રોલની નાનામાં નાની વાત પૂછતો હતો. આ પ્રોજેક્ટ માટે તેણે અનેક ફિલ્મ ઠુકરાવી દીધી હતી. જોકે, આ બધાની વચ્ચે ફિલ્મના કન્ટેન્ટને લઈ મારા તથા આદિત્ય ચોપરાના વિચારો અલગ હતાં. અમે એકબીજા સાથે સહમત થઈ શકીએ તેમ નહોતાં. ‘પાની’ આ જ કારણે બની શકી નહીં. હું આ ફિલ્મની સ્ટોરીમાં સહેજ પણ ફેરફાર કરવા માગતો નહોતો. બે ક્રિએટિવ જ્યારે સાથે બેસે છે ત્યારે બંનેના વિચારો અલગ અલગ હોઈ શકે છે. મારા તથા આદિત્યના વિચારો અલગ હતાં. ત્યારબાદ યશરાજ આ ફિલ્મમાંથી હટી ગયું અને ફિલ્મ બની નહીં.

સુશાંતને જ્યારે જાણ થઈ કે ‘પાની’ બનવાની નથી તો તે પૂરી રીતે તૂટી ગયો હતો. તે મારા કરતાં પણ વધારે આ ફિલ્મમાં ડૂબી ગયો હતો. તે સાંજે સુશાંત મારી પાસે આવ્યો હતો અને મારા ખભે માથું મૂકીને ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યો હતો. તેને રડતો જોઈને હું પણ ભાંગી પડ્યો હતો અને મને પણ રડવું આવતું હતું. ફિલ્મ બંધ થવાનો આઘાત સુશાંતને એ હદે લાગ્યો કે તે ડિપ્રેશનમાં જતો રહ્યો હતો. તેને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેને કહ્યું હતું કે તેણે આનાથી નિરાશ થવાની જરૂર નથી. તે આ પાત્ર સ્ક્રિન પર પ્લે કરશે, બસ તેને યોગ્ય સમયની રાહ જોવાની જરૂર છે.

યશરાજ ફિલ્મ્સે ‘પાની’ બનાવવાની ના પાડ્યા બાદ મેં અનેક પ્રોડક્શન હાઉસનો સંપર્ક કર્યો હતો પરંતુ કોઈ પણ સુશાંતને લઈ આ ફિલ્મ બનાવવા તૈયાર નહોતું. કેટલાંકને બજેટમાં વાંધો હતો તો કેટલાંક સુશાંતને લઈ આટલું મોટું જોખમ લેવા તૈયાર નહોતાં. તેઓ કોઈ જાણીતા એક્ટરને લેવા માગતા હતાં. આ તમામ વાતોથી સુશાંતનું ડિપ્રેશન વધતું જતું હતું. મેં વિચાર્યું કે સુશાંતને લઈ બીજી કોઈ ફિલ્મ બનાવું પરંતુ તેમ શક્ય બન્યું નહીં.

‘પાની’ ફિલ્મને કારણે તે ડિપ્રેશનનો ભોગ બન્યો હતો અને તેને કારણે પ્રોફેશનલ લાઈફમાં મુશ્કેલીઓ આવી હતી. તે એક્ટર હતો અને તેને ઈન્ડસ્ટ્રીના બિઝનેસની ખબર પડતી નહોતી.

થોડાં સમય બાદ હું ભારત છોડીને લંડન જતો રહ્યો. જોકે, સુશાંત મારા સંપર્કમાં હતો પરંતુ હું તેની સાથે ‘પાની’ને લઈ કોઈ વાત કરવા માગતો નહોતો, કારણ કે તે ‘પાની’ના આઘાતમાંથી બહાર આવ્યો નહોતો.

થોડાં સમય બાદ અમે મળ્યાં પણ હતાં અને ત્યાં સુધી સુશાંતે યશરાજ સાથેનો પોતાનો કોન્ટ્રાક્ટ તોડી નાખ્યો હતો. તેણે મને કહ્યું હતું કે તેની સાથે ઈન્ડસ્ટ્રી ભેદભાવ ભરેલું વર્તન કરે છે. ચોક્કસ આયોજન સાથે તેને સારી ફિલ્મ આપવામાં આવતી નથી. તેની વાતો સાંભળીને મેં તેને આશ્વાસન આપ્યું હતું અને કહ્યું હતું કે તે બસ કામ કરતો રહે અને સારી સ્ક્રિપ્ટ પર ધ્યાન આપે. આમાંથી તે બહુ જલ્દીથી બહાર આવી જશે.

છેલ્લાં છ-આઠ મહિનાથી હું તેના સંપર્કમાં નહોતો પરંતુ મને ખ્યાલ હતો કે તે ડિપ્રેશનમાં અને મૂંઝાયેલો છે. જોકે, મને તેના ડીપ ડિપ્રેશન અંગેની માહિતી નહોતી પરંતુ જ્યારે મને તેના આત્મહત્યાના સમાચાર મળ્યાં ત્યારે મને આઘાત લાગ્યો હતો.’

શેખર કપૂરે મહત્ત્વની અન્ય જાણકારી આપીમુંબઈ પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે શેખર કપૂરે આ ઉપરાંત પણ ઘણી જ મહત્ત્વની માહિતી ઈમેલમાં શૅર કરી હતી. આ તમામ ફેક્ટ્સને વેરિફાઈ કરવામાં આવશે. આ ફેક્ટ્સને શૅર કરી શકાય તેમ નથી અને તેથી જ પોલીસ ઈચ્છે છે કે શેખર કપૂર મુંબઈ આવે અને પૂછપરછમાં સહયોગ આપીને પોતાનું નિવેદન નોંધાવે.

હાલમાં શેખર કપૂર ઉત્તરાખંડમાંશેખર કપૂર હાલમાં ઉત્તરાખંડમાં છે. તેઓ ઈન્સ્ટાગ્રામમાં ઉત્તરાખંડના વીડિયો તથા ફોટો અવાર-નવાર શૅર કરે છે. તેઓ ઉત્તરાખંડથી ક્યારે મુંબઈ આવશે, તેની માહિતી નથી.

શેખરે શું ટ્વીટ કરી હતી?શેખરે ટ્વીટ કરીને કહ્યું હતું, ‘મને ખબર હતી કે તું કયા દર્દમાંથી પસાર થઈ રહ્યો છે. મને ખ્યાલ છે કે તે લોકોની વાત, જેમણે તમને આટલી ખરાબ રીતે નિરાશ કર્યો કે તું મારા ખભા પર માથું મૂકીને રડ્યો હતો. કાશ, હું છેલ્લાં છ મહિનામાં તારી આસપાસ રહેત, કાશ, હું તારી સાથે વાત કરી શકત. તારી સાથે જે થયું, તે તારા નહીં પરંતુ એ લોકોના કર્મોનું ફળ છે.’

I knew the pain you were going through. I knew the story of the people that let you down so bad that you would weep on my shoulder. I wish Iwas around the last 6 months. I wish you had reached out to me. What happened to you was their Karma. Not yours. #SushantSinghRajput

— Shekhar Kapur (@shekharkapur) June 15, 2020

સુશાંતે સંજય લીલા ભણસાલીની ચાર ફિલ્મ નકારીઉલ્લેખનીય છે કે પોલીસે સંજય લીલા ભણસાલીની ત્રણ કલાક સુધી પૂછપરછ કરી હતી. પૂછપરછમાં સંજય લીલા ભણસાલીએ પોલીસને કહ્યું હતું કે તેમણે સુશાંતને ચાર ફિલ્મ ઓફર કરી હતી, જેમાં ‘રામલીલા’, ‘બાજીરાવ મસ્તાની’, ‘રીડ’ (આ ફિલ્મ બની જ નહીં) તથા ‘પદ્માવત’ સામેલ છે.જોકે, સુશાંત‘પાની’માં વ્યસ્ત હોવાથી તેણે સામેથી આ તમામ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી.

પોસ્ટમોર્ટમ તથા વિસેરા રિપોર્ટમાં આત્મહત્યાની પુષ્ટિઉલ્લેખનીય છે કે સુશાંતે 14 જૂનના રોજ પોતાના ઘરમાં આત્મહત્યા કરી હતી. એક્ટરના પોસ્ટમોર્ટમ તથા વિસેરા રિપોર્ટમાં આત્મહત્યા કરી હોવાનું જણાવવામાં આવ્યું છે. જોકે, પોલીસ તપાસ હજી ચાલુ છે. પોલીસ એ તપાસ કરી રહી છે કે સુશાંતે આત્મહત્યા કેમ કરી.

30થી વધુ લોકોની પૂછપરછસુશાંતના સુસાઈડ બાદથી અત્યાર સુધી આ કેસમાં 30થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી છે, જેમાં હાઉસસ્ટાફ, મેનેજર, PR ટીમ, એક્સ મેનેજર, મિત્ર, ગર્લફ્રેન્ડ, કો-સ્ટાર તથા પરિવારના સભ્યો સામેલ છે. યશરાજ ફિલ્મના કેટલાંક પૂર્વ અધિકારીઓ તથા કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્માના નિવેદન લેવામાં આવ્યા છે. યશરાજના હજી કેટલાંક અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે. કંગના રનૌતને પણ પોલીસ બોલાવી શકે છે. કંગનાએ કહ્યું હતું કે બોલિવૂડના નેપોટિઝ્મને કારણે સુશાંતે આત્મહત્યા કરી હતી.sushant singh suicide case Filmmaker Shekhar Kapur sent his statement to Mumbai Police via email