Translate to...

શિક્ષણ માટે આર્થિક જરૂરિયાત પૂરી કરવા રાતભર બીડી બનાવતી, Phd કર્યું પણ ફળ વેચી ગુજરાન ચલાવવું પડે છે

શિક્ષણ માટે આર્થિક જરૂરિયાત પૂરી કરવા રાતભર બીડી બનાવતી, Phd કર્યું પણ ફળ વેચી ગુજરાન ચલાવવું પડે છે



એક નામ અને બીજી સાઇન આ બે બાબતોના નુકસાનની હું વર્ષોથી ભરપાઈ કરી રહી છું અને કદાચ જીવનભર આ નુકસાનની ભરપાઈ કરતી રહીશ. એક ખોટા નામે મારી કારકિર્દીને ખતમ કરી નાંખી. ફિઝીક્સમાં ટોપર અને Phd કરવા છતા મને થેલા ભરીને ફળ વેચવા માટે મજબૂર થવું પડ્યું. આ શબ્દ ઈન્દોરની ડોક્ટર રઈસા અંસારીના છે. રઈસા ઈન્દોરની માળવા મિલની પાસે એક માર્ગ પર શાકભાજીની લારી લગાવે છે. તાજેતરમાં ઈન્દોર નગર નિગમની એક ટીમ તેની લારી હટાવવા માટે પહોંચી ગઈ તો રઈસાનું દુખ ઉભરી આવ્યું. હિન્દી સાથે અંગ્રેજીમાં પણ તેણે નિગમના કર્મચારીઓ સમક્ષ પોતાની વાત રજૂ કરી.

ત્યારબાદ રઈસાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. રઈસા એક ગરીબ પરિવારમાંથી આવે છે. તેના પિતા મોહમ્મદ અંસારી વર્ષોથી શાકભાજી વેચીને ગુજરાન ચલાવે છે. રઈસા ઉપરાંત ઘરમાં તેના ત્રણ ભાઈ, ત્રણ ભાભી અને બે બહેન છે. એક બહેનના લગ્ન થયા છે.

તબિયત બગડ્યા બાદ રઈસાએ નોકરી છોડી દીધી હતી અને ફળોની લારી શરૂ કરી હતી

આટલી ગરીબી વચ્ચે પણ Phd સુધી અભ્યાસ કેવી રીતે કરી શક્યાં? આ પ્રશ્નના જવાબમાં રઈસાએ કહ્યું કે પિતા જેટલુ કમાતા હતા તેનાથી બે ટંક ભોજન મેળવવું પણ મુશ્કેલ હતું. અમને સારી શાળામાં શિક્ષણ મેળવવુ શક્ય ન હતું. મારી મોટી બહેને ધોરણ પાંચ સુધી અભ્યાસ કરેલો છે. તે પાંચમાં ધોરણમાં પ્રથમ આવી હતી અને તે સમયે મુખ્યમંત્રી અર્જુન સિંહે ઈનામ આપ્યુ હતું. ત્યારથી મારી માતાએ નક્કી કરી લીધુ કે ગમે તે થાય પણ મારા બાળકોને ભણાવીશ.

અમે આર્થિક રીતે કપરી પરિસ્થિતિમાં હતા. તેથી મારી બહેન બીડી બનાવવાનું કામ શીખી લીધુ અને અમે સૌ ઘરમાં બીડી બનાવીને વેચાણ કરવા લાગ્યા. માતા, અમે ત્રણ બહેનો, ભાઈ તથા પિતા બીડી બનાવતા હતા અને વેચતા હતા. મારા પિતા દિવસે શાકભાજીની લારી ચલાવતા અને રાત્રે બીડી બનાવવાનું કામ કરતા હતા. તેનાથી જે પૈસા આવતા તેનાથી મે અભ્યાસ શરૂ કર્યો.

ધોરણ-12 સુધી ઘરની નજીક આવેલી પિંક ફ્લાવર શાળામાં અભ્યાસ કર્યો. ત્યારબાદ કોમ્પ્યુટર સાયન્સમાં Bsc કર્યું. ફિઝિક્સમાં માર્ક્સ આવતા હું ટોપર બની અને મને એવોર્ડ મળ્યો. વર્ષ 2004માં જીએવીવીની સ્કૂલ ઓફ ઈન્સ્ટ્રુમેન્ટ્સમાં Phd માટે રજિસ્ટ્રેશન કરાવ્યું.

રઈસાના પિતા પણ વર્ષોથી અહીં લારી ચલાવે છે. આ કામ હવે દિકરીએ સંભાળવુ પડ્યું છે

વર્ષ 2004માં Phdમાં મેં સંશોધનની શરૂઆત તો કરી પણ Phd વર્ષ 2011માં પૂર્ણ થઇ.મે મારા સંશોધનનો સમય પૂરો ન કર્યો કે ગાઈડને લગતી સૂચનાનું પાલન ન કર્યું એવું નથી. પણ મારા માર્ગદર્શક જ મારાથી ચિડાઈ ગયા હતા. તેમણે બે વર્ષ સુધી મારો વાઈવા થવા ન દીધો. જ્યારે મે ઉગ્ર રજૂઆત કરી ત્યારે જ તેમણે મારા વાઈવાની વ્યવસ્થા કરી અને 11 માર્ચ 2011નના રોજ મને Phdની પદવી પ્રાપ્ત થઈ શકી.

ગાઈડ ફક્ત એટલી વાતમાં ચિડાઈ ગયા હતા કે મીડિયાએ મને મળેલા જૂનિયર રિસર્ચના એક એવોર્ડના સમાચાર લખતી વખતે અન્ય કોઈ મારા ગાઈડ હોવાનું લખી દીધુ હતું. તેમને એવું લાગ્યુ કે મે આમ કરાવ્યુ છે. જ્યારે હું પોતે તેમના ઘરે મીડિયાના લોકોને લઈને ગઈ પણ ત્યાંથી ગેરસમજનો અંત ન આવ્યો. વર્ષ 2009માં મને એક રિસર્ચ પ્રોજેક્ટમાં બેલ્જિયમ જવાની તક મળી હતી, પણ મારા ગાઈડે સહી ન કરતા આ તક છૂટી ગઈ હતી. ટોપર હોવા છતાં હું મારા સાથીઓથી પાછળ રહેતી ગઈ. કારણ કે ગાઈડ મારાથી નારાજ હતા. તે સૌ આજે વિદેશમાં છે. તેમનું કરિયર સેટ થઈ ગયુ છે અને આજે હું ફળ વેચી રહી છું. વર્ષ 2011માં Phd પૂરું થયા બાદ મે સરકારી નોકરી માટે ખૂબ જ પ્રયત્ન કર્યા. વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરથી લઈ ઈન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ સેન્ટર સુધી મે પ્રયત્ન કર્યા. પણ જે લોકો મારી પાછળ પડ્યા હતા તેમણે મારા વિશે ખોટો રિવ્યૂ આપ્યો.

રઈસા હવે ફળો વેચીને ગુજરાન ચલાવે છે. તે કહે છે કે ક્યારેક સંશોધન માટે તક મળશે તો ચોક્કસ કરીશ

વિજ્ઞાનક્ષેત્ર સાથે સંકડાયેલી તમામ સંસ્થામાં તેમની ઓળખ હતી, તે લોકોએ મને આગળ વધવા ન દીધી. હારી-થાકીને મે સરકારી નોકરીનું સપનુ છોડી દીધુ અને પ્રાઈવેટ કોલેજમાં ટીચિંગ શરૂ કરી દીધુ. આશરે સાડા આઠ વર્ષ અલગ-અલગ કોલેજોમાં મે નોકરી કરી. ત્યારબાદ મારી તબિયત બગડી ગઈ. શરીરમાં લોહી ખૂબ જ ઓછું થવા લાગ્યું.

હાડકાં એકદમ નબળા થઈ ગયા. આ તમામ મુશ્કેલી વચ્ચે પ્રાઈવેટ જોબ છોડવી પડી. સારું થયુ તો ફરી પ્રાઈવેટ નોકરીમાં મન ન લાગ્યું. માટે મારા પિતા જે કામ કરતા હતા તે કામની મે શરૂઆત કરી. ફળની લારી લગાવું છું.આ સ્થિતિ વચ્ચે નગર નિગમનું ફરમાન આવ્યુ કે માર્ગના કિનારે શાકભાજી અને ફળોવાળાએ ઉભા ન રહેવું. ફેરી લગાવતી વખતે પણ તેઓ પરેશાન કરે છે.હવે અમે ક્યાં જઈએ. રઈસાનો વીડિયો વાઈરલ થયા બાદ તેની પાસે ઈન્દોરના સ્થાનિક નેતા તેની પાસે પહોંચી રહ્યા છે.

નિગમના કર્મચારીઓ અહીં લારી-પાથરણા હટાવવા માટે આવ્યા હતા, જેનો રઈસાએ વિરોધ કર્યો

વીડિયો વાઈરલ થયા બાદ કેરળના મરકઝ અને સુન્ની વેલફેર સમિતીના લોકોની સહાયતા માટે આવ્યા હતા. મે મારો અભ્યાસ પૂરો કરી દીધો છે અને શાકભાજી વેચીને ગુજરાન ચલાવુ છું.જો તમને મદદ કરવા માંગતા હોય તો કોઈ બાળકનો અભ્યાસમાં મદદ કરો.







રઈસા અંસારી ઈન્દોરના માળવા મિલ પાસે ફૂટપાથ પર ફળો વેચતી દેખાય છે