વડોદરાની સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાજીવ દેવેશ્વરની બદલી કરવામાં આવી છે. તેમને હિંમતનગર ખાતે GMERS મેડિકલ કોલેજમાં ડીન તરીકે મુકવામાં આવ્યા છે. જ્યારે ડો. રાજીવ દેવેશ્વરની ખાલી પડેલી જગ્યાનો વધારાનો હવાલો મેડિકલ કોજેલના ઇ.એન.ટી. વિભાગના પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડો. આર.જી. ઐયરને સોંપવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સયાજી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને અપાતી સુવિધાઓમાં વહીવટીતંત્ર સરિયામ ફ્લોપ પુરવાર થતાં સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાજીવ દેવેશ્વરને શો કોઝ નોટિસ ફટકાર્યા બાદ શુક્રવારે કોરોના OSD વિનોદ રાવે સયાજી હોસ્પિટલના જ ઓડિટોરિયમમાં યોજાયેલી મીટિંગમાં રીતસરનો ઉધડો લીધો હતો. આ મીટિંગમાં ડો. રાવનો મિજાજ જોતાં SSG હોસ્પિટલના બે એડવાઇઝરો ઉપરાંત પીઆઇયુ, સિનિયર તબીબો, નર્સિંગ અધિકારીઓ સહિત ઉપસ્થિતોમાં પણ સન્નાટો ફેલાઇ ગયો હતો. જ્યાર બાદ હવે વડોદરાની સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાજીવ દેવેશ્વરની બદલી કરવામાં આવી છે.
ડો. રાવની ચીમકી સાંભળતાં જ પરસેવો વળી ગયો હતો ડો. રાવે સુપરિન્ટેન્ડેન્ટને સયાજી હોસ્પિટલના કથળેલા વહીવટની બાબતમાં સવાલો પૂછ્યા ત્યારે જવાબમાં સુપરિન્ટેન્ડેન્ટ બોલ્યા, ‘મેં કોશિશ કર રહા થા..’ ત્યારે ડો. રાવે કહ્યું ‘બોલો, ચાર મહિને સે ક્યા કોશિશ કી હૈ, તુમને મુજે મિસ ગાઇડ કીયા… યુ પેઇન્ટેડ રોઝી રોઝી પિક્ચર. જ્યારે કોવિડ વોર્ડ શરૂ થઇ ગયા છતાં પીડિયાટ્રિક વોર્ડ કેમ ખસેડાયો નહીં ? તેવા સવાલના જવાબમાં ડો. દેવેશ્વર બોલવા જતાં જ ડો. રાવે સાફ શબ્દોમાં સંભળાવી દીધું કે, ‘કુછ મત બોલો, કુછ નહીં કિયા હૈ તુમને, બેઠે રહે હો ઓફિસ મેં. મૈંને બ્લડ ડોનેટ કિયા હૈ, મૈં ખુરશી પે નહીં બેઠતા. મુઝે માલૂમ હૈ (નામ લીધા વિના) દિલ્હી મેં બેઠા હૈ ઉસકો કહોગે...’ આટલું સાંભળતાં જ પરસેવો વળી ગયો હતો.
ડો. રાવે ખખડાવી નાખતાં સંભળાવી દીધું ડો. રાવે ખખડાવી નાખતાં એમ પણ સંભળાવી દીધું કે સરકારમાં તમે મારું નામ ડુબાડ્યું હોત. કોવિડ પેશન્ટ્સ આવી ગયા છે, ઓક્સિજનની પાઇપ હવે કોણ નાખશે ? એક તબક્કે તો ડો. દેવેશ્વરે કહ્યું કે, હું તમને પછી મળીને વાત કરું છું, ત્યારે પણ ડો. રાવે તેમને મને મળવાનું નહીં, બધાની સામે બોલો એમ કહેતાં જ ડો. દેવેશ્વરનું મોંઢું વિલાઇ ગયું હોવાનું સૂત્રે જણાવ્યું હતું. ડો. રાવે એક તબક્કે એમ પણ અંગ્રેજીમાં ચીમકી આપી દીધી કે, 7 દિવસમાં મને જવાબ જોઇશે નહીં તો હું તમને ક્યાંક બીજે પણ મૂકી શકું છું. (આઇ કેન પુટ યુ સમવેર ઓલસો). ડો.રાવે તેમને સંબોધીને કહ્યું કે, જો મેં એડવાઇઝરો અશોક પટેલ અને ડો. મીનૂ પટેલને ન મૂક્યા હોત તો આ બાબતથી હું અજાણ રહ્યો હોત.
ડિજિટલ એક્સરે મશીનો 9 મહિના પોતાના સ્ટોરમાં મૂકી રાખ્યાં છેલ્લા 4-4 મહિનાથી કોરોના મહામારીનો કહેર ચાલે છે ત્યારે કોરોના શંકાસ્પદ દર્દીઓના નિદાન માટે અને એસએસજીમાં સારવાર લેતા કોરોનાના દર્દીઓ માટે આશીર્વાદ રૂપે એવા લાખો રૂપિયાની કિંમતના ડિજિટલ એક્સરે મશીનો એસએસજીના સત્તાધીશોએ ગંભીર બેદરકારી દાખવીને છેલ્લા 9-9 મહિનાથી પોતાના સ્ટોરમાં મૂકી રાખ્યાં હતા. આજના બજારભાવ પ્રમાણે એક ડિજિટલ એક્સરે મશીનની કિંમત રૂ.10.50 લાખ થાય છે. એસએસજીના કોરોના દર્દીઓ માટે આવા 3 મશીનોની તાકીદે જરૂર હતી.
3 મશીનોને ખોલવાની પણ તસ્દી લેવામાં આવી ન હતી છેલ્લા બે દિવસથી આવા મશીનો ખરીદવા માટે ડોનર શોધવા કોરોના તંત્ર દ્વારા જોરદાર પ્રયાસો કરવામાં આવી રહ્યાં હતા ત્યારે બીજી તરફ SSGના સુપરિન્ટેન્ડન્ટ ડો. રાજીવ દેવેશ્વરને SSGમાં જ કેટલા ડિજિટલ એક્સ-રે મશીનો છે તેની સાચી માહિતી પણ નહોંતી. કોરોના એડવાઇઝરોની મીટિંગમાં તેમણે પોતાના તાબા હેઠળની હોસ્પિટલમાં 1 જ મશીન હોવાની માહિતી આપી હતી. જ્યારે આ બાબતની કોરોના એડવાઇઝરો અશોક પટેલ અને ડો. મીનૂ પટેલે તપાસ કરતા એસએસજીમાં 9 મહિના અગાઉ આવા એક નહીં 5 મશીનો આવ્યાં હતા અને તેમાંથી 3 મશીનોને ખોલવાની પણ તસ્દી લેવામાં આવી ન હતી.
ડો. રાજીવ દેવેશ્વરની ફાઇલ તસવીર.