શહેરમાં MLAના 22 પરિજન સહિત 87 નવા પોઝિટિવ કેસ નોંધાયા, તબીબ સહિત 8 દર્દીના મોત
રાજકોટ મનપાની હદમાં શનિવારે 150 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી 55 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી 224 સેમ્પલમાંથી 36 વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તેમાંથી સૌથીવધુ ગોંડલમાં 8 કેસ છે. આ ઉપરાંત અન્ય જિલ્લાના 6 વ્યક્તિ પોઝિટિવ આવ્યા છે. હોસ્પિટલે જાહેર કરેલા આંકડા મુજબ કુલ આઠ વ્યક્તિના સારવાર દરમિયાન મોત થયા છે જેમાં રાજકોટ શહેરના 3, ગ્રામ્ય વિસ્તારમાં એક જેતપુર, એક ગોંડલ અને એક ધોરાજીના એમ કુલ 3 અને અન્ય જિલ્લાના 2 દર્દીનો સમાવેશ થાય છે.

બાવળિયા હોમ ક્વોરન્ટીન થયા રાજકોટ શહેર અને જિલ્લામાં પોઝિટિવ કેસ જે નોંધાયા છે તેમાં સોની વેપારી, ધારાસભ્યના 22 પરિવારજનો, લોકરક્ષક દળના કર્મચારી સહિતના પોઝિટિવ આવ્યા છે. જસદણના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી પશુપાલક નિયામક સાથે બેઠક કરી હતી અને અધિકારી પોઝિટિવ આવતા મંત્રી બાવળિયા હોમ ક્વોરન્ટાઇન થયા છે. સૌરાષ્ટ્રના સાત જિલ્લા જૂનાગઢ, ગીરસોમનાથ, પોરબંદર, અમરેલી, જામનગર, દ્વારકા અને મોરબીમાં 141 કેસ પોઝિટિવ આવ્યા છે અને 7ના મોત થયા છે.

કોરોનાને કાબૂમાં લેવા મુંબઈના ‘મિશન ધારાવી’ને ગુજરાતમાં અમલી કરો ભારતની સૌથી મોટી ઝૂંપડપટ્ટીમાં કોરોના સંક્રમણને સાવ નહીંવત કરાયું તે કાબિલે દાદ અને નોંધપાત્ર ઘટના છે. WHOએ પણ તેની નોંધ લીધી છે તો શા માટે આપણે આ મિશન ધારાવીની પેટર્ન ન અપનાવીએ? ગુજરાતમાં પણ કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા મુંબઈની ધારાવીની પેટર્ન અપનાવવા ધારાશાસ્ત્રી ડૉ.પરકીન રાજાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી છે. રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઝડપભેર વધી રહ્યું છે. જે દરેક માટે ચિંતાજનક છે ત્યારે આ સંક્રમણને અટકાવવા પગલાં અનિવાર્ય છે. પરંપરાગત ઉપાયો અને પદ્ધતિઓ અપનાવીને આપણે સફળ નથી થયા ત્યારે મુંબઈના સફળ મિશન ધારાવીની પેટર્ન અપનાવી જોઈએ. મુંબઈના ધારાવીમાં ડોર ટુ ડોર સઘન સ્ક્રીનિંગ ચાલુ કરાયું.

13 દી’ બાદ વૃદ્ધે કોરોનાને હરાવ્યો 16 જુલાઇએ કોરોના પોઝિટિવ જાહેર થયા બાદ 90 વર્ષના જેઠાભાઇને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં દાખલ થયા બાદ તેમની સ્થિતિ ગંભીર બનતા ફેફસાંમાં ઇન્ફેક્શન હતું જેને કોરોનાની સિવિયર કેટેગરીમાં ગણવામાં આવે છે. 13 દિવસ આઇસીયુમાં રાખ્યા બાદ 1 ઓગસ્ટે તેમને કોરોનાને હરાવ્યા બાદ રજા આપવામાં આવી છે. રાજકોટ શહેરમાં 11 અને ગ્રામ્ય વિસ્તારના 15 દર્દીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

રાજકોટમાં કોરોનાથી મોત

ક્રમ નામ ઉં.વ. સ્થળ 1 વસંતભાઈ સોલંકી 64 રાજકોટ 2 દિપકભાઈ માથુકીયા 52 રાજકોટ 3 ઈન્દુબેન સોની 65 રાજકોટ 4 મહબુબભાઈ સમા 67 રાજકોટ

જેતપુરના ડોક્ટરનું રાજકોટમાં કોરોનાથી મોત જેતપુરના ડો. દીપક દોશીનું આજે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જ્યારે રાજકોટમાં છેલ્લા 48 કલાકમાં 4 તબીબો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. HCG હોસ્પિટલના ડો. હિમાંશુ કોયાણી અને ડો.નિરવ કરમટાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

રાજકોટ શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા 1215 થઈ રાજકોટ શહેરમાં પોઝિટિવની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1215 થઈ છે. જ્યારે જિલ્લામાં 1837 કેસ નોંધાયા છે. તેની સામે રિકવરની સંખ્યા પણ વધી રહી છે. મનપાના ચોપડે કુલ મોત 15 નોંધાયા છે. જ્યારે જિલ્લામાં હજુ ડેથ ઓડિટ ચાલી રહ્યું હોઈ તેના આંકડા જાહેર કરાયા નથી.

સ્વૈચ્છિક લોકડાઉન બાદ આજથી સોની બજાર શરૂ થઈ સોની બજારમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવા મુદ્દે વેપારીઓમાં બે ભાગ પડ્યા હતા.પરંતુ દુકાન ખોલવા બાબતે બધા સોની વેપારીઓ એક થઇ ગયા છે. જેથી આજથી સોની બજારમાં સ્વૈચ્છિક લોકડાઉન પૂર્ણ થઈ ગયું છે અને આજથી સોની બજાર શરૂ થઈ ગઈ છે. ત્યારે સાંસદ અભય ભારદ્વાજે સોની બજારમાં સેનિટાઈઝિંગ કર્યું હતું. મહત્વનું છે કે સોનીબજારમાં NGO દ્વારા સેનિટાઈઝિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.

કોરોનાની મહામારી વચ્ચે આરોગ્ય અધિકારી રજા પર ઉતર્યા રાજકોટમાં કોરોનાની મહામારી વચ્ચે આરોગ્ય અધિકારી રજા પર ઉતર્યા છે. આરોગ્ય અધિકારી રિંકલ વિરડીયા અચાનક રજા પર ઉતર્યા છે. જેથી નવા અધિકારી તરીકે એલ.ટી.વાંઝાને ડેપ્યુટેશન પર મુકાયા છે. સમગ્ર મામલે મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓએ ફોન ઉપાડવાના પણ બંધ કરી દીધા છે.

જામનગરમાં 20 કેસ પોઝિટિવ નોંધાયા જામનગર જિલ્લામાં વધુ 20 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેથી આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગે પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કામગીરી હાથ ધરી છે.

જામનગરમાં નોંધાયેલા પોઝિટિવ કેસ

ઉપલેટામાં 4 કેસ પોઝિટિવ નોંધાયા ઉપલેટામાં આજે વધુ 4 કેસ પોઝિટિવ નોંધાયા છે. સોહમ પાર્કમાં રહેતા 45 વર્ષીય પુરૂષ, નાગનાથ ચોકમાં રહેતા 53 વર્ષીય મહિલા, પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 25 વર્ષીય યુવાન અને નટવર ચોકમાં રહેતા 45 વર્ષીય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉપલેટામાં અત્યાર સુધીમાં 86 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

ગોંડલમાં 5 કેસ પોઝિટિવ નોંધાયા ગોંડલમાં આજે વધુ 5 કેસ પોઝિટિવ નોંધાયા છે. ગોંડલના કમરકોટડામાં 1, ગોંડલનાં રૈયારાજ પાર્કમાં 1 અને અરૂણ કોલોનીમાં એક જ પરિવારના 3 સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

અનલોક-2માં તંત્રએ દોઢ કરોડનો દંડ વસૂલ કર્યો રાજકોટમાં અનલોક 2 દરમિયાન તંત્ર દ્વારા જાહેરનામા ભંગના 1581 કેસ નોંધાયા, વાહન ડીટેઈનના 7062 કેસ નોંધાયા અને માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થુંકવા બાબતે 74880 વ્યક્તિ પાસેથી 1,49,76,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

આરોગ્ય વિભાગે કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી હાથ ધરી આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેક્ટ ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહ્યાં છે.corona saurashtra live 1 august 2020