શહેરના નામાંકિત ડો. તેજસ પટેલ પણ માને છે કે હર્ડ ઇમ્યુનિટી વધી પણ કોર્પોરેશન માનતું નથી




રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેર-જિલ્લામાં નોંધાયા છે. એક સમયે અમદાવાદમાં દરરોજ 250થી વધુ કેસ નોંધાતા હતા, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ શહેર-જિલ્લામાં નોંધાતા કેસનો આંકડો 200ની આસપાસ પહોંચી ગયો છે. શહેરમાં હવે કેસ ઓછા નોંધાઈ રહ્યાં છે. એક તરફ જ્યાં સિવિલના સીઇઓ ડો. પ્રભાકરનું કહેવું છેકે સિવિલમાં કેસ ઓછા થવાનું કારણ હર્ડ ઇમ્યુનિટી છે અને શહેરના નામાંકિત પદ્મશ્રી ડો. તેજસ પટેલ પણ માને છેકે કોટ વિસ્તારમાં હર્ડ ઇમ્યુનિટી વિકસી છે પરંતું શહેરમાં હર્ડ ઇમ્યુનિટી વધી રહી હોવાની વાત કોર્પોરેશન માનવા તૈયાર નથી. કોર્પોરેશનના મેડિકલ ઓફિસર ડો. ભાવિન સોલંકીનું કહેવું છેકે, હર્ડ ઇમ્યુનિટી જેવું કંઇ નથી, આ તથ્ય વગરની વાત છે.

કોટ વિસ્તાર(મધ્ય ઝોન)માં તબક્કાવાર કેસ ઘટ્યા

ઝોન 15 જૂનના કેસ 20 જૂનના કેસ 25 જૂનના કેસ 30 જૂનના કેસ 3 જૂનના કેસ
મધ્ય 30 20 12 1 7
પૂર્વ 48 57 38 46 28
ઉ.પશ્ચિમ 32 37 24 20 40
ઉત્તર 56 56 20 33 21
દ.પશ્ચિમ 32 31 32 32 31
દક્ષિણ 60 19 41 27 23
પશ્ચિમ 65 73 63 39 52


કોટ વિસ્તારમાં હર્ડ ઇમ્યુનિટી વિકસી
કોટ વિસ્તારમાં 50 ટકાથી વધુ લોકો સંક્રમિત થયા હોવાનું હું માનું છું. જેથી લોકોમાં હર્ડ ઇમ્યુનિટી આવી જાય છે, અને બાકીનાં એરિયામાં ધીરે ધીરે આવી જશે. કોરોનાના કેસ ઘટવા પાછળ ઘણાં કારણો જવાબદાર છે. કોવિડ વર્સીસ નોન કોવિડનો તફાવત જાણીને સારવારથી મૃત્યુદરમાં ઘટાડો થયો છે. > પદ્મશ્રી ડો. તેજસ પટેલ, ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ)

હર્ડ ઇમ્યુનિટી ડેવલોપ થઈ રહી છેઃ ડો. એમ.એમ પ્રભાકર
એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં કોરોના માટે રાજય સરકાર દ્વારા ખાસ નિમાયેલા અધિકારી ડો. એમ.એમ. પ્રભાકરે વીડિયો સંદેશ મારફતે જણાવ્યું હતું કે દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોના ફેલાયો છે. શરૂઆતમાં અમદાવાદમાં પણ એપ્રિલ-મે માસમાં અમદાવાદમાં ખુબજ કેસો હતા અને વીએસ. સિવિલ, કેન્સર ઉપરાંત કિડની હોસ્પિટલમાં વોર્ડ શરૂ કર્યા હતા. અમદાવાદમાં કોરોનાનાં કેસો ઘટ્યા છે. 1100થી વધુ કેસો આવતા હતા જે આજે ઘટીને 250 જેટલા થયા છે. જેના કારણમાં તેઓએ હર્ડ ઇમ્યુનિટી ડેવલોપ થઈ રહી હોવાની અને પહેલા જે ગંભીર પ્રકારના કેસ આવતા હતા તેની ઘાતકતા ઘટી હોવાનું જણાવ્યું હતું. કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન મુજબ સામાન્ય લક્ષણ ધરાવતાં લોકોને હોમ આઇસોલેશન અને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવતા હોવાને લઇ કેસો અંગે ઘટવાની વાત કરી હતી.

વિશ્વમાં ક્યાંય હર્ડ ઇમ્યુનિટીનો દાવો કરાયો નથીઃ ડો. ભાવિન સોલંકી
ડો. ભાવિન સોલંકીએ નામ લીધા વગર અમુક વ્યક્તિઓ હર્ડ ઇમ્યુનિટી અને વાઇરસ નબળો પડવાની વાતો કરે છે. પરંતુ કોરોનાનાં સંક્રમણની શરૂઆતથી અત્યાર સુધી ભારત કે અન્ય કોઈ દેશમાં હર્ડ ઇમ્યુનિટી ડેવલોપ થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો ન હોવાનું કહ્યું હતું. હર્ડ ઇમ્યુનિટીમાં 70થી 90 ટકા વસ્તી એક યા બીજી રીતે સંક્રમણની અસર થયેલી હોવી જોઈએ. અમદાવાદમાં હર્ડ ઇમ્યુનિટી પેદા થઈ હોવાની ખોટી અને તથ્ય વિહીન હોવાનો દાવો તેમણે કર્યો છે. AMCએ હજારો લોકોની એન્ટીબોડી ટેસ્ટ કરાવી અને આ બાબતની પુષ્ટિ કરી છે. ભારતના બીજા શહેરોમાં અને અમદાવાદમાં એક સાથે કેસોનું સંક્રમણ શરૂ થયું હતું પરંતુ અમદાવાદમાં કેસો ઘટી રહ્યા છે અને બીજે વધી રહ્યા છે. અમદાવાદમાં કેસોની તીવ્રતા ઘટી નથી.









The city's wellknown, Dr. Tejas Patel also believes that herd immunity increased but corporation medical officer does not believe