શહેરકોટડા પોલીસ સ્ટેશનના પીઆઇ વી. ડી. વાળા અને તેમના ઉપવહીવટદાર હોમગાર્ડ વિજય હીરાલાલ અને વહીવટદારની રહેમનજર હેઠળ નરોડા રોડ અને શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના અડ્ડાઓ અને નાસ્તાની દુકાન 24 કલાક ચાલતી હોવાના બોર્ડ શહેરકોટડા વિસ્તાર, નરોડા રોડ અને ઝોન 3 ઓફિસની બહાર કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (ભારતીય સામ્યવાદી પ્રજા)ના સહમંત્રી દિનેશ ચૌહાણના નામે લાગેલા બોર્ડમાં ‘જોર જુલમ કઈ ટક્કર મેં સંઘર્ષ હમારા નારા હે’, ‘પોલીસની હિટલરશાહી સામે અવાજ બુલંદ કરો’ તેવા સૂત્રો લખેલા બોર્ડ અંગે DivyaBhaskarએ અહેવાલ પ્રકાશિત કર્યા બાદ શહેરકોટડા પોલીસ દોડતી થઈ હતી અને વિસ્તારમાં 8 જગ્યાએ લાગેલા બોર્ડ ઉતારી દિનેશ ચૌહાણ અને બેનર પ્રિન્ટિંગ કરનાર સામે પોલીસની બદનામી અને નિંદા થાય તેવું લખાણ બદલ ગુનો દાખલ કર્યો છે. શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ વેચાતા હોવાના અનેક આક્ષેપ અને વીડિયો પણ સામે આવેલા છે ત્યારે કરફ્યુ દરમ્યાન નાસ્તાની દુકાનો ચાલુ અને દારૂના અડ્ડાઓ ચાલતા હોવાના આક્ષેપ કરનાર સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
અમારી પાસે વીડિયો છેઃ દિનેશ ચૌહાણ ભારતીય સામ્યવાદી પાર્ટીના સહમંત્રી દિનેશ ચૌહાણે આ મામલે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નાસ્તાની દુકાન 24 કલાક ચાલુ હોય છે અને ત્યાં મોડી રાતે અનેક બુટલેગરો વહીવટ માટે આવતા હોય છે. પોલીસને ક્યાં ક્યાં અડ્ડાઓ ચાલે છે તે બધું જ ખ્યાલ હોય છે. નાસ્તાની દુકાન મોડી રાતે ચાલુ હોય છે તેના વીડિયો પણ અમારી પાસે છે.
જે હશે તે કાર્યવાહી કરીશું: શહેરકોટડા પીઆઈએ જ્યારે શહેરકોટડા પીઆઇ વી.ડી વાળાએ DivyaBhakasr સાથેની વાતચીત કહ્યું હતું કે બોર્ડ લગાવવા મામલે દિનેશ ચૌહાણ સામે ગુનો નોંધવામાં આવ્યો છે જ્યારે મોડી રાતે દુકાન ચાલુ હોવાના વીડિયો દિનેશ ચૌહાણ પાસે છે તે મામલે તપાસ અંગે તેઓએ કહ્યું હતું કે, હાલ તે મામલે કશું નહીં કહી શકું જે હશે તે મામલે કાર્યવાહી કરીશું.
શું લખ્યું હતું બોર્ડમાં? ‘જોર જુલમ કઈ ટક્કર મેં સંઘર્ષ હમારા નારા હે’, ‘પોલીસની હિટલરશાહી સામે અવાજ બુલંદ કરો’. નરોડા રોડના નવજવાન સાથીઓ કોરોના વાઇરસ નાબૂદ કરવા સમગ્ર ભારત દેશમાં લોકડાઉન અને અનલોક 2 લાગુ કરવામાં આવેલ છે. પરંતુ આ કાયદો શહેરકોટડા પોલીસ સ્ટેશનના PIવી. ડી. વાળા અને તેમના માનીતા લાડકવાયા ઉપવહીવટદાર વિજય હીરાલાલ અને વહીવટદાર રામસિંહને લાગુ પડતો નથી કેમ કે ઉપરોક્ત જવાબદારોની મીઠી રહેમનજર અને આર્થિક સાંઠગાંઠ અને આશીર્વાદથી ખાખી વર્દીને લાંછનરૂપ દારૂની પરબો અને કોઈપણ પરવાના વિના કર્ફ્યુ ભંગ કરી વિજય હીરાલાલના વહીવટથી મેમકો પર ‘જય ભોલે નાસ્તા હાઉસ’ 24 કલાક ચાલુ રાખવામાં આવે છે. જ્યારે સામાન્ય નાગરિકો પર લોકડાઉન અને અનલોકનો દંડો મારવામાં આવે છે. શહેરકોટડા પોલીસ સ્ટેશનના જવાબદારોની બદલી કરી પ્રતિબંધિત ધંધાઓ બંધ નહિ કરવામાં આવે તો નાછૂટકે હિટલરશાહી સામે જનઆંદોલન કરવામાં આવશે. લિ. દિનેશ ચૌહાણ, મહામંત્રી, ભારતીય સામ્યવાદી પક્ષ, અમદાવાદ લખ્યુ છે.
ઠેરઠેર આ પ્રકારના પોસ્ટર્સ લગાવવામાં આવ્યાં હતા