શત્રુઘ્ન સિંહાએ કહ્યું, ગોવિંદાને ખરાબ સમયમાં ઈન્ડસ્ટ્રીએ સાઈડલાઈન કર્યો, તેને ફિલ્મમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો

શત્રુઘ્ન સિંહાએ કહ્યું, ગોવિંદાને ખરાબ સમયમાં ઈન્ડસ્ટ્રીએ સાઈડલાઈન કર્યો, તેને ફિલ્મમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો



સુશાંત સિંહ રાજપૂતના અવસાન બાદથી બોલિવૂડમાં નેપોટિઝ્મ, ફેવરટિઝ્મ, કેમ્પ તથા ગ્રુપિઝ્મને લઈ ચર્ચાઓ થઈ રહી છે. હવે આ દલીલમાં શત્રુઘ્ન સિંહાએ પણ ઝુકાવ્યું છે. તેમણે એક ઈન્ટરવ્યૂમાં આ મુદ્દાઓ પર વાત કરી હતી. તેમણે ઈન્ટરવ્યૂમાં ગોવિંદાનું ઉદાહરણ આપીને તેના કરિયરને કેટલાંક લોકોએ જાણી જોઈને બરબાદ કર્યું હોવાની વાત કરી હતી.

ગોવિંદાના વખાણ કર્યા રિપબ્લિક ટીવીને આપેલા ઈન્ટરવ્યૂમાં શત્રુઘ્ન સિંહાએ ગોવિંદાના વખાણ કરતાં કહ્યું હતું કે ગોવિંદાએ પોતાને આર્ટિસ્ટ તરીકે જબરજસ્ત કેળવ્યો હતો. તેણે અનેક વસ્તુઓ શીખી અને પોતાના દમ પર ઈન્ડસ્ટ્રીમાં રાજ કર્યું હતું. કરિયરમાં આગળ વધ્યા બાદ પણ તેણે શીખવાનું ચાલું રાખ્યું, ખાસ કરીને તેની ડાન્સિંગ તથા કોમેડી ટાઈમિંગ કમાલની હતી. વિશ્વભરના એક્ટર ગોવિંદામાંથી પ્રેરણા લે છે અને તેને ફોલો કરે છે.

ગોવિંદાના જીવનમાં ખરાબ તબક્કો આવ્યો ત્યારે ઈન્ડસ્ટ્રીએ તેનાથી દૂર જવાનું શરૂ કર્યું હતું. બધા તેને મળવાનું ટાળતા હતા. તેને સાઈડલાઈન કરવામાં આવ્યો. તેમણે સાંભળ્યું હતું અને ગોવિંદાને પણ આ વાતની ખબર હતી કે કેવી રીતે તેના પ્રોજેક્ટ બીજાને આપી દેવામાં આવ્યા.

ગોવિંદા કલાકો સુધી રાહ જોતો આ પહેલાં એક ઈન્ટરવ્યૂમાં ગોવિંદાએ સંઘર્ષના સમયની વાત કરી હતી. તેણે કહ્યું હતું, ‘મેં 21 વર્ષે ફિલ્મી દુનિયામાં એન્ટ્રી લીધી હતી. મારા પેરેન્ટ્સે બહુ પહેલાં જ આ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું હતું. જ્યારે હું આ ઈન્ડસ્ટ્રીમાં આવ્યો ત્યારે અનેક લોકોને ખ્યાલ નહોતો કે મારા પેરેન્ટ્સ કોણ હતાં અને મારું બેકગ્રાઉન્ડ શું હતું. પ્રોડ્યૂસર્સને જ્યારે મળવા જતો ત્યારે ઓફિસની બહાર કલાકો સુધી રાહ જોતો હતો.’

લોકોએ આત્મવિશ્વાસ ડગમગાવ્યો ગોવિંદાને પોતાના કરિયરની શરૂઆતમાં સફળતા મળી હતી પરંતુ અનેક લોકોએ એમ પણ કહ્યું હતું કે તે ઈન્ડસ્ટ્રીમાં વધુ દિવસ ટકી શકશે નહીં. ગોવિંદાએ કહ્યું હતું, ‘આ વાત મારા મોં પર કહેવામાં આવી હતી. મને ખ્યાલ હતો કે રાજ કપૂરજી, અમિતાભ બચ્ચનજી, વિનોદ ખન્નાજી તથા રાજેશ ખન્નાજી પણ આ સમયમાંથી પસાર થઈ ચૂક્યા હતા. ઈન્ડસ્ટ્રીમાં તમારી પાસે યોગ્ય દૃષ્ટિકોણ હોય તે જરૂરી છે. તમે કઠોર પરિશ્રમ કરો અથવા તો લોકો શું બોલી રહ્યાં છે તેની પર ધ્યાન આપો.’







Shatrughan Sinha says Govinda was sidelined by industry in bad times, he was kicked out of the film