વ્યાજખોરથી ત્રાસેલી મહિલા ઝેરી દવા ખાઈ પોલીસ કમિ.ઓફિસ પહોંચી, ગેટ પાસે જ ફસડાઈ પડી, સુરેશ મારવાડી સામે તપાસ

વ્યાજખોરથી ત્રાસેલી મહિલા ઝેરી દવા ખાઈ પોલીસ કમિ.ઓફિસ પહોંચી, ગેટ પાસે જ ફસડાઈ પડી, સુરેશ મારવાડી સામે તપાસ



શહેરના મોટેરા વિસ્તારમાં રહેતી ગરીબ મહિલાએ વ્યાજખોરના ત્રાસથી ઘરે ઝેરી દવા ખાઈ લીધી હતી. દવા ખાઈ મહિલા પોલીસ કમિશનર ઓફિસ પહોંચી હતી. ગેટ પાસે જ ચક્કર આવતા ફસડાઈ પડી હતી. મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી. લોકડાઉનમાં આર્થિક સંકડામણમાં વ્યાજ ના ચૂકવી શકેલી મહિલાને વ્યાજખોરે મકાનને લોક મારી ઘરમાંથી બહાર કાઢવાની ધમકી આપી હતી. જેથી વ્યાજખોરના ત્રાસથી મહિલાએ ઉંદર મારવાની દવા ખાઈ લીધી હોવાનું પોલીસને જણાવ્યું હતું. સાબરમતી પોલીસે વ્યાજખોર સુરેશ મારવાડી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

દીકરીના લગ્ન માટે રૂ.50 હજાર વ્યાજે લીધા હતા, લોકડાઉનને કારણે વ્યાજ ન ચૂકવી શક્યા નહીંમોટેરા રોડ પર રહેતા કંકુબહેન શાકભાજી વેચી પરિવારનું ગુજરાન ચલાવે છે. દસ મહિના પહેલા દીકરીના લગ્ન કરવા કંકુબહેને સુરેશ મારવાડી પાસેથી 10 ટકા વ્યાજે રૂ.50 હજાર લીધા હતા, જ્યારે કંકુબહેનના જેઠાણીએ રૂ.25 હજાર લીધા હતાં. સુરેશ મારવાડીને આ પૈસાનું વ્યાજ દેરાણી-જેઠાણી સમયસર ચૂકવતા હતા. જોકે લોકડાઉનના કારણે સુરેશને તેઓ વ્યાજ ચૂકવી શક્યા ન હતા. આથી સુરેશ મારવાડીએ બંનેને વ્યાજ ચૂકવવા માટે બુધવાર સાંજ સુધીનો સમય આપ્યો હતો, નહી તો મકાનને લોક મારી ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપી હતી.

ઉંદર મારવાની દવા ખાઈ પોલીસ કમિશનરની ઓફિસે પહોંચ્યાકંકુબહેને સુરેશની ધમકીથી ત્રાસી જઈ ઘરે સાબરમતી ટોલનાકા પાસે ઉંદર મારવાની દવા ખાઈ લીધી હતી અને તેઓ રિક્ષામાં બેસી પોલીસ કમિશનર ઓફિસ રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે કમિશનર ઓફિસના ગેટ પાસે ચક્કર આવતા તેઓ ફસડાઈ પડ્યા હતા. આથી ત્યાં હાજર લોકોએ કંકુબહેનને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. આ બનાવને પગલે સાબરમતી પોલીસે હોસ્પિટલ પહોંચી કંકુબહેનના નિવેદન આધારે આરોપી સુરેશ મારવાડી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.







a woman took poison reached the cp office of ahmedabad due to harassed by a loan shark