Translate to...

વસ્તીની ગીચતા સરખી છતાં પાડોશી દેશો કરતાં ભારત ઘણું આગળ, નેપાળ 0.2%, પાકિસ્તાન 2.05% સામે ભારતમાં મૃત્યુદર 2.82%

વસ્તીની ગીચતા સરખી છતાં પાડોશી દેશો કરતાં ભારત ઘણું આગળ, નેપાળ 0.2%, પાકિસ્તાન 2.05% સામે ભારતમાં મૃત્યુદર 2.82%
ગત વર્ષના આખરી સપ્તાહમાં કોરોના સંક્રમણનો પ્રથમ કેસ ચીનના વુહાન ખાતે નોંધાયા બાદ છ મહિનામાં વિશ્વભરમાં સંક્રમણનો આંકડો 1 કરોડને પાર પહોંચી ગયો છે. ભારતમાં પણ સંક્રમિતોની સંખ્યા 7 લાખ સુધી પહોંચવા આવી છે અને મૃત્યુઆંક 20 હજારથી થોડોક જ ઓછો છે. જોકે શ્વાસોચ્છવાસ મારફત હવાના માધ્યમથી ફેલાતી આ મહામારી ગીચ વસ્તી ધરાવતા દેશોમાં વધુ ગંભીર હાનિ પહોંચાડે તેમ હોવા છતાં ભારતીય ઉપખંડના તમામ દેશોમાં વસ્તીની ગીચતાના સંદર્ભે સંક્રણમનો દર અને મૃત્યુઆંક ઘણાં જ સંયમિત રહ્યા હોવાનું જણાય છે. ભારત જેવી જ વસ્તીની ગીચતા ધરાવતા અને ભારત કરતાં નબળી આર્થિક સ્થિતિ કે ઓછી સ્વાસ્થ્ય સુવિધા ધરાવતા પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકા જેવા દેશોમાં સંક્રમણ અને મૃત્યુઆંક ભારત કરતાં પણ ઓછા છે. પાડોશી દેશોની સરખામણીએ ભારત વધુ સંપન્ન અને ચડિયાતી આરોગ્ય સેવાઓ ધરાવતું હોવા છતાં ભારતમાં કોરોના સંક્રમિતોનો મૃત્યુદર પાડોશી દેશો કરતાં વધુ છે.

દેશ સંક્રમિતોની સંખ્યા મૃત્યુઆંક વસ્તીની ગીચતા મૃત્યુદર ભારત 6.97 લાખ 19693 382 પ્રતિ ચો. કિમી 2.82% શ્રીલંકા 2076 11 342 પ્રતિ ચો. કિમી 1.63% પાકિસ્તાન 2.32 લાખ 4762 256 પ્રતિ ચો. કિમી 2.05% બાંગ્લાદેશ 1.66 લાખ 2096 1153 પ્રતિ ચો કિમી 1.26% નેપાળ 15784 34 201 પ્રતિ ચો કિમી 0.20%

ભારતપ્રથમ કેસઃ 30 જાન્યુઆરી, 2020વસ્તીની ગીચતાઃ 382 વ્યક્તિ પ્રતિ ચો. કિમી.સંક્રમણઃ 6.97 લાખવૈશ્વિક સ્થાનઃ 3મૃત્યુઆંકઃ 19,693મૃત્યુદરઃ 2.82%

ભારતમાં પ્રથમ સંક્રમણ નોંધાયું એ પહેલાં જ એરપોર્ટ પર સ્કેનિંગ શરૂ કરી દેવાયું હતું. આશરે અઢી મહિના લાંબા લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવીને પ્રશાસને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કર્યું હતું. જોકે ભારતમાં ટેસ્ટિંગ ઓછા થતાં હોવાના WHOના દાવા છતાં આટલાં વિશાળ દેશમાં સંક્રમણની સ્થિતિ એકંદરે કાબૂમાં રહી શકી છે. દેશના કુલ કેસના અડધાથી ય વધુ કેસ મહારાષ્ટ્ર, તામિલનાડુ અને દિલ્હી એ ત્રણ રાજ્યોમાં નોંધાયા છે. અર્થાત્ બાકીના પ્રાંતોમાં સ્થિતિ હજુ કાબૂમાં છે. છતાં ભારત હાલ સંક્રમણ સંખ્યાની દૃષ્ટિએ વૈશ્વિક સ્તરે 3જા નંબર પર પહોંચી ચૂક્યું છે. હવે માત્ર અમેરિકા અને બ્રાઝિલ ભારતથી આગળ છે.

પાકિસ્તાનપ્રથમ કેસઃ 26 ફેબ્રુઆરી, 2020વસ્તીની ગીચતાઃ 256 વ્યક્તિ પ્રતિ ચો.કિમી.સંક્રમણઃ 2.32 લાખવૈશ્વિક સ્થાનઃ 12મૃત્યુઆંકઃ 4762મૃત્યુદરઃ 2.05%

ભારતમાં સંક્રમણ દાખલ થયાના લગભગ એક મહિના પછી સંક્રમિત થયેલ પાકિસ્તાનમાં મર્યાદિત આરોગ્ય સંસાધનો અને સોશિયલ ડિસ્ટન્સિંગ સંબંધિત સામુહિક શિસ્તના અભાવને લીધે સંક્રમણનો વિસ્ફોટ થવાની ધારણા મૂકાતી હતી. પરંતુ હજુ સુધી પાકિસ્તાનમાં સ્થિતિ બેકાબુ થયેલી જણાતી નથી. લોકડાઉનના આંશિક અમલ પછી શાળા-કોલેજો સિવાય અન્ય આર્થિક ગતિવિધિઓ પાકિસ્તાનમાં પૂર્વવત્ત થઈ રહી છે. જોકે, પાક. સરકાર મહાનગરો સિવાય ગ્રામ્ય વિસ્તારોમાં હજુ ટેસ્ટિંગ અંગે સક્રિય ન હોવાનું પણ કહેવાય છે. જૂન મહિનામાં સંક્રમણ સંખ્યાની દૃષ્ટિએ વૈશ્વિક સ્તરે પાકિસ્તાનનું સ્થાન 23મુ હતું એ હવે 12મા સ્થાને આવી ગયું છે.

નેપાળપ્રથમ કેસઃ 9 જાન્યુઆરી, 2020વસ્તીની ગીચતાઃ 201 વ્યક્તિ પ્રતિ ચો.કિમીસંક્રમણઃ 15,784વૈશ્વિક સ્થાનઃ 61મૃત્યુઆંકઃ 34મૃત્યુદરઃ 0.2%

નેપાળમાં આરોગ્ય સુવિધા અત્યંત મર્યાદિત છે. વિસ્તારના પ્રમાણમાં વસ્તીની ગીચતા યુરોપના ઘણાં ખરાં દેશો કરતાં બમણી છે. પરંતુ પહાડી વિસ્તાર હોવાથી નૈસર્ગિક રોગપ્રતિકાર શક્તિ વધુ સારી હોવાનું પ્રમાણ એ છે કે અહીં સંક્રમણનો દર અત્યંત નીચો અને સાજાં થવાનો દર ઘણો ઊંચો છે. અહીં માત્ર 34 મૃત્યુ નોંધાયા છે. સંક્રમણ અને મૃત્યુઆંકની દૃષ્ટિએ નેપાળ વૈશ્વક સ્તરે 61મો ક્રમ ધરાવે છે.

બાંગ્લાદેશપ્રથમ કેસઃ 8 માર્ચ, 2020વસ્તીની ગીચતાઃ 1115 વ્યક્તિ પ્રતિ ચો.કિમી.સંક્રમણઃ 1.66 લાખવૈશ્વિક સ્થાનઃ 18મૃત્યુઆંકઃ 2096મૃત્યુદરઃ 1.26%

સમગ્ર એશિયામાં સૌથી વધુ ગીચતા ધરાવતા પ્રથમ પાંચ દેશમાં સ્થાન ધરાવતા બાંગ્લાદેશમાં સંક્રમણનો તીવ્ર ભય હોવાની શક્યતા દર્શાવાઈ રહી હતી. એથી વિપરિત, બાંગ્લાદેશમાં સંક્રમિતો અને મૃત્યુઆંક હજુ સુધી ઓછા રહ્યા છે. જોકે ઈરાન, સ્પેન, બ્રિટન, અમેરિકા અને ભારતમાં પ્રથમ કેસ પછી સંક્રમણનો વૃદ્ધિદર ધ્યાનમાં લેવામાં આવે તો બાંગ્લાદેશમાં સપ્ટેમ્બર મહિના પછી સંક્રમિતોની સંખ્યા 7 લાખથી વધુ થવાનું અનુમાન છે.

શ્રીલંકાપ્રથમ કેસઃ 27 જાન્યુઆરી, 2020વસ્તીની ગીચતાઃ 342 વ્યક્તિ પ્રતિ ચો. કિમી.સંક્રમણઃ 2076વૈશ્વિક સ્થાનઃ 109મૃત્યુઆંકઃ 11મૃત્યુદરઃ 1.63%

ભારતથી પણ ત્રણ દિવસ અગાઉ સંક્રમણની શરૂઆત થઈ હતી અને વસ્તીની ગીચતા લગભગ ભારત જેટલી જ હોવા છતાં આ ટાપુ દેશ બહુ જ ચુસ્તીથી કોરોના મહામારીને ટાળી શક્યો છે અને હાલમાં શ્રીલંકા મોડેલ વિશ્વભરમાં અભ્યાસનો વિષય બની રહ્યું છે. ભારત સહિતના દેશોમાં હજુ ય આર્થિક ગતિવિધિ વેગ પકડી શકી નથી ત્યારે શ્રીલંકામાં હવાઈ મુસાફરી, શિક્ષણકાર્ય અને સંસદની ચૂંટણી સહિતનું જનજીવન જુલાઈના એન્ડથી રાબેતા મુજબ થઈ શકે છે.death in corona Despite population density, India is far ahead of neighboring countries, with Nepal having 0.2%, Pakistan 2.05% and India 2.82%.